પોરબંદરમાં અનેક લોકો કોરોના સંક્રમિત હોવાનું સીટી સ્કેનમાં ખૂલ્યું!
- વધુને વધુ ટેસ્ટ કરી સંક્રમણ ફેલાતું અટકાવવું જરૂરી
- ઓપરેશન પહેલાં શંકાસ્પદોને એચ.આર.સી.ટી. કરાવતા તેમાં સ્પષ્ટપણે કોરોના હોવાના સંકેતો રીપોર્ટમાં જણાયા
પોરબંદર, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર
પોરબંદર પણ હવે કોરોના પોઝીટીવ કેસ દિન-પ્રતિદિન આવવામાં બાકાત રહ્યું નથી ત્યારે ખૂબ જ ચોંકાવનારી બાબત બહાર આવી છે અને શહેરના તબીબો સારવાર અને ઓપરેશન પહેલા શંકાસ્પદ વ્યક્તિઓને સીટી સ્કેન ચેસ્ટ એચ.આર.સી.ટી. કરાવવા માટે ખાનગી ઈમેજીંગ સેન્ટરમાં મોકલતા તેમાં સ્પષ્ટપણે કોરોના હોવાના ંસકેતો રીપોર્ટમાં જણાયાછે અને આવા વ્યક્તિઓ શહેરભરમાં ફરતા હોવાથી અન્યમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવી રહ્યાં છે.
પોરબંદરમાં સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાના લક્ષણ હોય તેવા દર્દીઓના જ સેમ્પલ લેવામાં આવે છે અને અમુક વખત સેમ્પલ લેવા માટે પણ ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કર્યા બાદ સેમ્પલ લેવાય છે. છેલ્લાં એક સપ્તાહમાં શહેરના એમ.જી. રોડ ઉપર આવેલા ખાનગી ઈમેજીંગ સેન્ટર ખાતે અનેક વ્યક્તિઓના સીટી સ્કેન થયા બાદ તેમનામાં કોરોના પોઝીટીવ ના લક્ષણ હોય તેું સ્પષ્ટ જણાયું હતું. અને આવા વ્યક્તિઓના જો કોરોના ટેસ્ટ કરવામાં આવે તો પોઝીટીવ પણ આવી શકે તેવું જણાઈ રહ્યું છે. ત્યારે સરકારે વધુને વધુ ટેસ્ટ કરીને શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાય અને લોકો પણ ભયમુક્તવાતાવરણમાં રહી શકે તેવા પગલા લેવા અનિવાર્ય બન્યા છે.
પોરબંદરમાં તાવ, ઉધરસ અને શરદી જેવી કોરોનાના લક્ષણ ધરાવતી બિમારી હોય તો ખાનગી તબીબો સરકારી હોસ્પિટલમાં જવાનુ સૂચન કરે છે અને અનેક દર્દીઓ સરકારીમાં ગયા બાદ તેમને કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટ કરવામાં આવતો નથી અને અનેક દિવસ પસારકરવામાં આવે છે. ત્યારબાદ જુજ કેસમાં કોરોનાની શરીરમાં અસર વદી ગયા બાદ સારવારમાં પણ મુશ્કેલી થાય છે અને જીવ જવાની શક્યતા રહે છે, તેથી વહેલાસર ટેસ્ટ અને સારવાર આપવી જોઈએ.
જે વ્યક્તિની ઈમ્યુનીટી સારી હોય તેઓને કોરોનાના લક્ષણ ખૂબ જ નહીંવત લક્ષણો હોય છે, પરંતુ જે વ્યક્તિ ઉંમર લાયક છે અથવા અન્ય બિમારી છે તેઓને કોરોના લાગવાથી વધુ શક્યતા રહે છે. ત્યારે પોરબંદર શહેરમાં પણ ખાનગી તબીબોના જણાવ્યા મુજબ અનેક લોકો કોરોના બોમ્બ ની જેમ ફરી રહ્યાં છે આથી લોકોએ સતર્કતા દાખવી ખૂબ જરૂરી બની છે.