શહેરના બોરતળાવમાં ઝંપલાવી ચિત્રાના યુવાને કર્યો આપઘાત
- બિમારીથી કંટાળી યુવાને ભર્યું અંતિમ પગલુ
- ફાયર સ્ટાફે દોડી જઇ પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો: ભારે અરેરાટી
ભાવનગર, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
ભાવનગર શહેરના બોરતળાવમાં ઝંપલાવી વધુ એક યુવાને કારમો આપઘાત વહોરી લીધો હતો. ચિત્રાના યુવાને બિમારીથી કંટાળી જઇ અંતિમ પગલુ ભરી લેતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક યુવાનને પાણીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. યુવાને પાણીમાં ઝંપલાવી અંતિમ પગલુ ભરી લેતા ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઇ જવા પામી હતી. જ્યારે પોલીસે કેસ કાગળ હાથ ધર્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરતળાવના ઓવરફલો પુલ પાસે પાણીમાં યુવાનનો મૃતદેહ હોવાની જાણ ચોકીદારે ફાયર કચેરીને કરતા સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી બોરતળાવ પોલીસને સોંપતા મૃતકને પી.એમ. અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરતા મૃતક ચિત્રા વિસ્તારના મીરાનગરમાં ફિલ્ટર પાસે રહેતા કિશોરભાઇ મીઠાભાઇ સોસા (ઉ.વ.૨૬) હોવાનું ખુલ્યું હતું.
યુવાન છેલ્લા થોડા સમયથી બિમાર રહેતો હોય. જે બિમારીથી કંટાળી જઇ આજે સવારે ૯.૩૦ કલાકના અરસા પૂર્વે પોતાના ઘરેથી નિકળી જઇ બોરતળાવમાં ઝંપલાવી અંતિમ પગલું ભરી લીધાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. બનાવ અનુસંધાને પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસકાગળ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. યુવાનના મૃત્યુના પગલે ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી.