Get The App

રાજુલામાં ડીગ્રી વગર ક્લિનીક ધરાવતો બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો

Updated: Sep 2nd, 2023


Google NewsGoogle News
રાજુલામાં ડીગ્રી વગર ક્લિનીક ધરાવતો બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો 1 - image


બોગસ ડોક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા

ટીમના સર્ચ ઓપરેશન દરમિયાન દાકતરી સાધનો ઉપરાંત એલોપેથીની ૫૧ પ્રકારની દવાનો જથ્થો મળ્યો

રાજુલા: રાજુલા પોલીસે શહેરના મફતપરા વિસ્તારમાં તપાસ કરતા કોઇ માન્ય ડીગ્રી વગર એલોપેથી દવાથી લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ દવાના જથ્થા સાથે ઝડપાયો હતો જે મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અમરેલી જીલ્લામા બોગસ તબીબોનો રાફડો ફાટયો છે ત્યારે રાજુલા પોલીસ અને આરોગ્ય વિભાગની સયુંકત ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રાજુલા શહેરના મફતપરા વિસ્તારમાં તપાસ હાથ ધરતાં મુસ્તાકભાઈ રફીકભાઈ ચાવડા પાસે મેડિકલ કાઉન્સલીંગનું કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન, ડીગ્રી કે લાયકાત વગર છેલ્લા ઘણા ટાઈમથી દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરી માનવ જીંદગીને જોખમમાં મુકતા હોવાનુ જણાઈ આવેલ તેમજ ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન અહીંથી એલોપેથિક દવાઓ, શિડયુલ એચ ડ્રગ, સ્ટેથોસ્કોપ, બીપી મશીન, ઈન્જેક્શનો સહિતની ૫૧ પ્રકારની રૂ.૬૫૫૯૧.૩૨ ની દવાઓ અને સાધનો જોવા મળેલ જે કાયદાકીય રીતે ડિગ્રીધારી તબીબ જ રાખી શકે ઉપરાંત ક્લિનિક પર તપાસ દરમિયાન બાયોમેડિકલ વેસ્ટના નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી કે ફાયર સેફટીના કોઈ સાધનો જોવા મળેલ નહિ.

એલોપેથીક સારવારને લગતી કોઈ પણ પ્રકારની સરકાર માન્ય ડિગ્રી ના જણાતા અને પોતે જાણતા હોવા છતા દર્દીઓને સારવાર આપી માનવ જિંદગી સાથે ચેડા કરતા હોવાનુ જણાતા તેમની સામે ઈ.પી.કો.કલમ ૩૬૬,ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦, ૩૫ તથા ગુજરાત મેડિકલ કાઉન્સિલ એકટ ૧૯૬૭ની કલમ ૨૯ અને ઈન્ડીયન મેડિકલ કાઉન્સિલ એકટ ૧૯૫૬ની કલમ ૧૫(૩) મુજબ ધોરણસરની કાર્યવાહી રાજુલા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. 

કોઇપણ દવાખાને દવા લેતા પૂર્વે ડોક્ટરની લાયકાત જાણવી જરૂરી

પોલીસ અને આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આવા બોગસ તબીબો ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમા દર્દીઓને સસ્તી સારવાર આપવા સાથે સ્થાનિકોમા વિશ્વાસ સંપાદિત કરી પોતાની હાટડીઓ ચાલુ રાખવામા સફળ રહેતા હોય છે માટે લોકો દ્વારા જાગૃતતા કેળવી જો આવા બોગસ ડોકટરો વિશે સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામા આવે છે.


Google NewsGoogle News