For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુનિવર્સિટી નજીક 9500 ચો.મી. જમીન પર થશે પદ્મકુંવરબા હોસ્પિટલનું વિસ્તરણ

- વિસ્તારવાર સરકારી હોસ્પિટલો માટે અંતે સરકાર સળવળી

Updated: Nov 25th, 2021

Article Content Image

- રોજનાં ૧૨૦૦ જેટલાં પેશન્ટોથી ટૂંકુ પડતું ગુંદાવાડીસ્થિત બિલ્ડિંગઃ કોરોનાકાળ વખતની દરખાસ્ત મંજૂર , હવે ગાંધીનગરથી ગ્રાન્ટ મગાશે

રાજકોટ


અમદાવાદ, વડોદરા, સુરતની જેમ રાજકોટમાં એકથી વધુ સંખ્યામાં વિશાળ સરકારી હોસ્પિટલો અને મહાપાલિકા સંચાલિત મેડિકલ કોલેજ કે હોસ્પિટલ પણ નહીં હોવાથી કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોની કમી રાજકોટને સવિશેષ સાલી હતી. એ વખતે જ સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનાં વિસ્તરણ માટે જમીન ફાળવવા દરખાસ્ત થઈ હતી, જે મંજૂર થઈ જતાં આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક પદ્મકુંવરબા હોસ્પિટલની બીજી વિંગ આકાર લેશે.

કોરોનાકાળમાં રાજકોટમાં વહીવટી તંત્રએ ખાનગી હોસ્પિટલો પર પણ મોટો મદાર રાખવો પડયો ત્યારે જ અનુભવપીઢ તબીબોએ શહેરમાં ઝોનવાઈઝ સરકારી (અથવા મ.ન.પા. સંચાલિત) હોસ્પિટલોની જરુરત પર ભાર મુક્યો હતો કારણ કે આરોગ્ય કેન્દ્રોમાંની સવલત મર્યાદિત હોય છે અને તેનાં બદલે મ.ન.પા. જો ચાર ઝોનમાં અલગ-અલગ ફુલફ્લેજ્ડ હોસ્પિટલ જ ચલાવતી હોય તો લેબોરેટરી પરિક્ષણથી માંડીને દરેક રોગની આઉટડોર ટ્રીટમેન્ટ, થોડી-થોડી સંખ્યામાં ઈન્ડોર ફેસિલિટી પણ મળી રહે અને સિવિલમાં ગંભીર દર્દીઓ માટે વધુ બેડ ફાળવવાનું આસાન બની રહે. મ.ન.પા. તો હજુ આ બાબતે નિષ્ક્રય જ છે પરંતુ આ સુચનને પગલે સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનાં વિસ્તરણ માટે દરખાસ્ત થઈ હતી.

રાજકોટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ સિવાયની આ એકમાત્ર હોસ્પિટલ વર્ષોથી જ્યા કાર્યરત છે એ ગુંદાવાડીસ્થિત બિલ્ડિંગમાં હાલ ૨૦૦ બેડ છે પણ કોરોનાકાળ વખતથી ઝનાના હોસ્પિટલ ત્યાં શિફ્ટ કરાયેલી હોવાથી અને હાલ રોજ ૧૦૦૦થી ૧૨૦૦ની ઓ.પી.ડી. રહેતી હોવાથી બિલ્ડિંગ ટૂંકું પડે છે. વળી, ત્યાં ને ત્યાં વિસ્તરણ પણ શક્ય નથી. આથી, નવી જમીન માટેની દરખાસ્ત ધ્યાને લઈને હવે યુનિ. નજીક રૈયા સર્વે નંબર ૩૧૮ પૈકી ૯૫૦૦ ચોરસમીટર જમીન ફાળવવાનું મંજૂર થયું છે. હવે પી.આઈ.યુ. મારફત વનાં બિલ્ડિંગ માટેનાં પ્લાન બનાવડાવીને સરકારની મંજૂરી માટે મોકલાશે અને તે પછી ગ્રાન્ટ ફાળવણી થશે. આ તમામ સરકારી પ્રક્રિયા ઝડપભેર પાર પડશે કે કેમ તે પણ એક સવાલ છે, કેમ કે નવાં બિલ્ડિંગ માટે સ્ટાફનું સેટ-અપ પણ વધારાનું મંજૂર કરાવવું પડે તેમ છે.

દરમિયાન, માનસિક બીમાર બાળકોને સાજા થયા પછીની સારવારમાં રાખવા માટેનું ગૃહ બનાવવા સમાજ સુરક્ષા વિભાગને ઘંટેશ્વર પાસે ૪૦૦૦ ચો.મી., આદિજાતિ કુમાર છાત્રાલય માટે રૈયામાં ૫૦૦૦ ચો.મી.,જેટકો માટે સરપદડ સહિત ૩ સ્થળે કુલ ૧૨૦૦૦ ચો.મી., ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનને ગોદામો બનાવવા કાગવડ- પીઠડીયા સહિત સ્થળે ૪૩૦૦૦ ચો.મી. તેમજ સોલર પાવર સબસ્ટેશનો સંલગ્ન પેનલો મૂકવા જેવા કામ માટે ભાડલા સહિતનાં સ્થળોએ કુલ ૭૫૧૦૦૦ ચો.મી. સરકારી જમીન કલેક્ટર કક્ષાએથી ફાળવવામાં આવી છે.

Gujarat