બેવડી હત્યાના ગુનામાં 4ને આજીવન કારાવાસ
- એક વર્ષ પૂર્વે વૃધ્ધ દંપતીની હત્યા કરી દરદાગીનાની લૂંટ ચલાવાઇ હતી
- પાલિતાણા તાલુકાના રંડોળા ગામે શખસોએ ખૂની ખેલ ખેલ્યો હતો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજનો ચૂકાદો
ભાવનગર, તા. 6 ડિસેમ્બર 2019, શુક્રવાર
પાલિતાણા તાલુકાના રંડોળા ગામે એકાદ વર્ષ પૂર્વે મોડીરાત્રીના સુમારે વૃધ્ધ દંપતીને દોરડાથી બાંધી દઇ બન્નેની કરપીણ હત્યા કરી પાલિતાણાના ચાર શખસ દરદાગીનાની લૂંટ ચલાવી ફરાર બનતા તમામ સામે આઇપીસી ૩૦૨ સહિતની કલમ તળે ગુનો નોંધાવા પામ્યો હતો. જે કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રીની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ તમામને તક્સીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના રંડોળા ગામે રહેતા કરશનભાઇ રાઘવભાઇ રંગપરા (ઉ.વ.૭૫) અને તેમના પત્નિ વજુબેન કરશનભાઇ રંગપરા (ઉ.વ.૭૫) ગત તા.૧૫-૧૦-૧૮ના રોજ પોતાની વાડીએ હતા તે વેળાએ મોડીરાત્રીના સુમારે શખસોએ આવી વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફળીયામાં સુતેલા વજુબાને દોરડા વડે બાંધી દઇ તેમજ વૃધ્ધ કરશનભાઇને અગાશી પર ખાટલા સાથે હાથપગ બાંધી મોઢા પર રૂમાલ બાંધી દઇ તિક્ષણ હથિયાર વડે માર મારી બેવડી હત્યા કરી શખસો વાડીના મકાનમાંથી રોકડ તેમજ દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
ઉક્ત બેવડી હત્યા અનુસંધાને મૃતકના ભત્રીજા દેવશીભાઇ પરશોતમભાઇ મકવાણાએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૨, ૧૨૦-બી, ૩૯૭, ૪૪૯, ૨૦૧, ૩૪ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વિનોદ ઉર્ફે વિનુ ઉર્ફે ભાયકો બાબુભાઇ સોલંકી (ઉ.વ.૨૮), હરેશ ભુપતભાઇ વાઘેલા (ઉ.વ.૧૯), મુકેશ ઉર્ફે મુકો ભાકુભાઇ વાઘેલા (ઉ.વ.૨૭), મોહન ભાકુભાઇ વાઘેલા (ઉ.વ.૩૨, રે.તમામ ભીલવાડા ગરાજીયા રોડ, પાલિતાણા)ની ધરપકડ કરી લીધી હતી.
ઉક્ત કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ જજ શ્રી સુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા ૧૪ મૌખિક પુરાવા, ૫૧ દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલોને ધ્યાન પર લઇ ન્યાયમૂર્તિશ્રીએ ઉક્ત ચારેય આરોપીઓને તક્સીરવાન ઠેરવી ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦-બી મુજબના ગુનામાં આજીવન કેદની સજા તેમજ રૂા.૫૦૦૦નો દંડ અને ઇપીકો ૩૯૭ મુજબના ગુનામાં ૭ વર્ષની સજા તેમજ ૫૦૦૦નો દંડ ઇપીકો ૪૪૯ મુજબના ગુનામાં તમામને આજીવન કેદ અને ૫૦૦૦નો દંડ તેમજ ઇપીકો ૨૦૧ મુજબના ગુનામાં બે વર્ષની કેદ અને રૂા.૨૦૦૦ દંડની સજા ફરમાવી હતી.