રેલવે ટિકિટની કાળાબજારી કરતા 21 શખસની ધરપકડ
- રેલવેનો દાવો છતાં દલાલો દ્વારા કન્ફર્મ ઈ-ટિકિટના ગોરખ ધંધાનું દૂષણ યથાવત
- ભાવનગર આરપીએફએ 6.69 લાખની ૩૮૪ ટિકિટ જપ્ત કરી
ભાવનગર, તા. 10 જાન્યુઆરી 2020, શુક્રવાર
ભાવનગ રેલવે ડિવિઝનમાં કન્ફર્મ ઈ-ટિકિટના ગોરખ ધંધાનો કારોબાર કરી રહેલા દલાલો સામે રેલવે સુરક્ષા દળ (આરપીએફ)એ ખાસ ઝુંબેશ હાથ ધરી વર્ષ ૨૦૧૯માં ૨૧ શખસને ૬.૬૯ લાખની કિંમતની ૩૮૪ ટિકિટ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મુસાફરોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા આઈઆરસીટીસીની વેબસાઈટ પર તત્કાલ અને એડવાન્સ રિઝર્વેશનની કન્ફર્મ ઈ-ટિકિટ બુક કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. પરંતુ દાયકાઓ પહેલા જેમ સિનેમા ઘરોમાં ટિકિટોને બ્લેક કરવાનું દૂષણ ચાલતું હતું. તેની જેમ રેલવેમાં પણ મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવી દલાલો દ્વારા લૂંટ લેવાના ષડયંત્રના ભાગરૂપે ટિકિટો મેળવી કાળાબજારી કરવામાં આવી રહી છે. રેલવે તંત્ર દ્વારા આવું દૂષણ નાથવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં ટિકિટની કાળાબજારી સમી નથી.
ભાવનગર રેલવે ડિવિઝનની વાત કરીએ તો વર્ષ ૨૦૧૯ દરમિયાન ભાવનગર આરપીએફના જવાનોએ રેલવે ટિકિટનો કાળો કારોબાર કરતા ૨૧ જણાંને રંગેહાથ ઝડપી લીધા હતા. આ શખસો પાસેથી આરપીએફએ ૩૮૪ ટિકિટ (કિ.રૂ.૬,૬૯,૩૬૩.૪૭) જપ્ત કરી તમામ સામે ન્યાયિક કાર્યવાહી કરી હોવાનું વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું હતું. રેલવે પોલીસ ફોર્સની આ કાર્યવાહીના પગલે ટિકિટ બ્લેકનો ગોરખ ધંધો કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો.