Get The App

ભાવનગરના એક સહિત રાજ્યના વધુ 19 ટ્રેનરને પાણીચુ પકડાવ્યુ

Updated: Nov 12th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરના એક સહિત રાજ્યના વધુ 19 ટ્રેનરને પાણીચુ પકડાવ્યુ 1 - image
ભાવનગર, તા. 12 નવેમ્બર 2019, મંગળવાર

રાજ્ય સરકાર દ્વારા એકબાજુ ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવે છે અને રમશે ગુજરાત, જીતશે ગુજરાત સુત્ર આપી રમતના વિકાસ માટેની મોટી મોટી વાતો કરવામાં આવે છે, જયારે બીજીબાજુ ખેલાડી, ટ્રેનર અને કોચને છુટા કરી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેથી હાલ ખેલાડી સહિતના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠયો છે. DLSS શાળામાંથી ખેલાડી અને ટ્રેનર-કોને છુટા કરાયા બાદ હવે ઈન સ્કૂલના ટ્રેનરને પણ છુટા કરવામાં આવ્યા છે, જેમાં ભાવનગરના એક કોચનો સમાવેશ થાય છે.

ભાવનગર સહિત રાજ્યભરમાં રાજ્ય સરકારે DLSS યોજના અને ઈન સ્કૂલ યોજના કેટલાક વર્ષ પૂર્વે શરૂ કરી હતી, જેમાં સારા ખેલાડીઓની ભરતી કરી ટ્રેનર અને કોચ દ્વારા ખેલાડીઓને તાલીમ આપવામાં આવતી હતી. ભાવનગર જિલ્લામાં બે DLSS શાળા અને કેટલીક ઈન સ્કૂલ શાળા ચાલી રહી છે.

કેટલાક દિવસ પૂર્વે DLSS શાળામાંથી ઘણા ખેલાડીઓને છુટા કરવા ગાંધીનગરથી આદેશ થયો હતો તેથી ભાવનગરની સરદાર પટેલ DLSS શાળામાંથી પપ અને પાલિતાણાની વાળુકડ DLSS શાળામાંથી 70 ખેલાડી મળી આશરે 125 ખેલાડીને છુટા કરવામાં આવ્યા હતાં. રાજ્યમાંથી આશરે 1900 ખેલાડીઓને છુટા કરવામાં આવતા ખેલાડીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

ખેલાડીઓને છુટા કર્યા બાદ થોડા દિવસ પૂર્વે DLSS શાળાના આશરે 76 ટ્રેનર અને કોચને છુટા કરવાનો સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાંથી આદેશ થયો હતો તેથી ભાવનગરના 8 ટ્રેનર સહિત રાજ્યના 76 ટ્રેનર-કોચને છુટા કરવામાં આવ્યા હતા, જેમાં જુદી જુદી રમતના ટ્રેનર-કોચનો સમાવેશ થતો હતો.

DLSS શાળામાંથી ખેલાડી, ટ્રેનર-કોચને છુટા કર્યા બાદ તાજેતરમાં ઈન સ્કૂલના જુદી જુદી રમતના 19 ટ્રેનરને પાણીચુ પકડાવવાનો એસએજીમાંથી પત્ર થયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના વલભીપુરની ઈન સ્કૂલમાં આર્ચરીના ટ્રેનરને છુટા કરવામાં આવ્યા હોવાનુ સુત્રોએ જણાવેલ છે. એસએજીના નિર્ણયના પગલે ખેલાડી, ટ્રેનર અને કોચ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ખેલાડી, ટ્રેનર અને કોચને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનુ રમતપ્રેમીઓમાં ચર્ચાય રહ્યુ છે. એકબાજુ રમતનુ મહત્વ વધારવા અને ખેલાડીઓ રમતમાં રસ લેતા થાય તે માટે ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવે છે, જયારે બીજીબાજુ ખેલાડી, ટ્રેનર, કોચને એક પછી એક છુટા કરી અન્યાય કરવામાં આવતો હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
Tags :