ભાવનગર મહાપાલિકાની 54 જગ્યા માટે 17 હજાર ઉમેદવારે પરીક્ષા આપી
- મહાપાલિકાના ચાર વિભાગની લેખીત પરીક્ષા શાંતીમય માહોલમાં પૂર્ણ
- 41 હજારમાંથી 23 હજારથી વધુ ઉમેદવારો ગેરહાજર, ગેરરીતિની કોઈ ફરિયાદ ન મળી હોવાનો તંત્રનો દાવો
ગાયનેકોલોજીસ્ટની પરીક્ષામાં એક જ ઉમેદવાર હાજર, પીડીયાટ્રીશનની પરીક્ષામાં એક ઉમેદવાર પરીક્ષા આપવા ન આવ્યા
ભાવનગર,15 ડીસેમ્બર 2019 રવિવાર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનીયર કલાર્ક સહિતની ચાર વિભાગની પ૪ ખાલી જગ્યાની ભરતી માટે આજે રવિવારે લેખીત પરીક્ષા લેવામાં આવી હતી. આશરે ૪પ ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ ચારેય વિભાગમાં આશરે ૧૭,પર૭ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જયારે આશરે ર૩,૪પ૭ ઉમેદવાર કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા અને પરીક્ષા આપી ન હતી. પરીક્ષા શાંતીમય માહોલમાં પૂર્ણ થઈ હતી અને ગેરરીતિની કોઈ ફરિયાદ મળી નથી તેમ મહાપાલિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકાએ કેટલાક માસ પૂર્વે ભરતી માટે જાહેરાત આપી હતી અને તેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આજે રવિવારે ભાવનગર શહેરની જુદી જુદી શાળામાં સવારે ૧૧ થી ૧ર કલાક દરમિયાન જુનીયર કલાર્કની ૩૪ જગ્યા માટે લેખીત પરીક્ષા યોજાય હતી, જેમાં ૩૮ હજાર ઉમેદવારમાંથી આશરે ૧૬ હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી, જયારે ઘણા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતાં. જુનીયર કલાર્કની પરીક્ષા માટે સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આ પરીક્ષાનુ પેપર સરળ હોવાનુ ઉમેદવારોએ જણાવ્યુ હતું.
આ ઉપરાંત ટેકનીકલ આસીસ્ટન્ડની ૧૪ જગ્યા માટે બપોરના સમયે પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ ૩૧૧૪ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા પરંતુ આશરે ૧પર૬ એટલે કે ૪૯ ટકા ઉમેદવારે પરીક્ષા આપી હતી, જયારે ૧પ૮૮ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતાં. આ પેપર તૈયારી કરી હોય તેઓને સરળ લાગ્યુ હોવાનુ જાણવા મળેલ છે.
ગાયનેકોલોજીસ્ટની ૩ અને પીડીયાટ્રીશનની ૩ ખાલી જગ્યા માટે પણ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ગાયનેકોલોજીસ્ટમાં બે ઉમેદવારમાંથી એક ઉમેદવાર પરીક્ષામાં હાજર રહ્યો હતો, જયારે પીડીયાટ્રીશનમાં બે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા પરંતુ એક પણ ઉમેદવાર હાજર રહ્યા ન હતાં. લેખીત પરીક્ષા માટે ૯૦ કેન્દ્રના ૧ર૬૮ બ્લોકમાં પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
શહેરની જુદી જુદી શાળા-કોલેજમાં લેખીત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ભાવનગર મહાનગરપાલિકા, શિક્ષણ સમિતિના શિક્ષક સહિતના આશરે ર હજાર કર્મચારી-અધિકારીઓ ફરજ બજાવી હતી. તમામ કેન્દ્ર પર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.