મહુવાના 13 કિ.મી. વિસ્તારમાં ભુકંપનો 3.2નો આંચકો
- નજીકના ગામડાઓમાં અનુભવાયો ધરતીકંપ
- બપોરના સમયમાં આવેલ હળવી તિવ્રતાના આંચકાથી ઘણા લોકો આફ્ટર શોકથી અજાણ
ભાવનગર, તા. 4 જાન્યુઆરી 2020, શુક્રવાર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ૧૩ કિ.મી. વિસ્તારમાં આજે બપોરે ધરતીકંપનો ૩.૨ની હળવી તિવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે, શહેરી વિસ્તારમાં લોકોને ખ્યાલ પણ પડયો ન હતો તો શાંત ગામ વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. ભુકંપના આંચકાના લઇ લોકો થથરી ઉઠયા હતા. અને તાબડતોબ ઘરની બહાર નિકળી ગયા હતા. હાલાર પંથકમાં આવેલા ૮-૮ ભૂકંપના આંચકાઓ પછી આજે ભાવનગર જિલ્લાના મહુવાની ધરા ધૂ્રજી ઉઠી હતી.
મળતી વિગતો મુજબ જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમને પણ ગાંધીનગર સ્થિત આઇ.એસ.આર. દ્વારા ઇન્ફોર્મ કરાયા મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આજે બપોરે ૩.૩૬ કલાકે ૩.૨ની તિવ્રતાનો આફટર શોક આવ્યો હતો. જો કે, શહેરી વિસ્તારમાં બપોરનો સમય હોય ઘણા લોકો આ આંચકાથી અજાણ હતાં તો શાંત અને ગ્રામ્ય પંથકોમાં આ હળવા ધરતીકંપનો અનુભવ લોકોએ કર્યો હતો.
મહુવાથી દક્ષણે અને પશ્ચિમે ૧૩ કિલોમીટર વિસ્તારમાં આ આંચકો આવ્યો હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું છે તો સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે મહુવા સહિત રોહિશાળા, કળસાર, ભાદ્રોડ, વાઘનગર, ઢસા, કુંડળ, તરેડ, રાતોલ, તલગાજરડા, ઉમણીયાવદર, કોંજળી, નેસવ, નાનાજાદરા, ટાવેડા, કુંભણ, દેવળીયા, ઉમણીયાવદર, અખતરીયા, દુદાળા, દુધેરી, કતપર, ખરેડ, હરીપરા સહિતના ગામોમાં પણ આ આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે.
એક તબક્કે આફ્ટર શોકની તિવ્રતા ૩.૨ની હળવી હોય કોઇ નુકશાની કે જાનહાની થવા પામી નથી અને ભરબપોરે આવતા ઘણા લોકો તો આ ધુ્રજારીથી પણ અજાણ રહ્યાં હતાં. જો કે, ધરતીકંપની એપી સેન્ટર કોસ્ટલ દરિયાકાંઠાના વિસ્તાર સુધીનું હોવાનું મનાઇ રહ્યું છે તો મહુવા શહેરમાં પણ ધમધમતા વિસ્તારો રાબેતા મુજબ રહ્યા હતા તો સોસાયટી કે શાંત વિસ્તારોમાં કેટલાક રહિશોએ આ ધુ્રજારી અનુભવી હોવાનું જણાયું છે. આમ મહુવાથી ૧૩ કિ.મી. પશ્ચિમ, દક્ષિણ વિસ્તાર સુધી આફ્ટર શોક આવ્યો હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.