12.50 વીઘા જમીન ધારકને પણ તાર ફેન્સીંગની યોજનાનો લાભ મળશે

- આઇ. ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવાઇ
- લાભાર્થી ખેડૂતને ફેન્સીંગ માટે રનિંગ મીટર દીઠ 200 અથવા ખર્ચના 50 ટકા સહાય અપાશે
ભાવનગર જિલ્લાના ખેડૂત મિત્રોને કાંટાળી તારની વાડ-તાર ફેન્સિંગ યોજના પાક સંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના માટે તા.૮-૧૨-૨૦૨૩ સવારે ૧૦.૩૦ કલાકથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે. પાક સંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના ૨ હેક્ટર જમીન ધરાવતો ખેડૂત અથવા તેનાથી ઓછી જમીન હોય તો ગુ્રપમાં બાજુના સર્વે નંબર વારા ખેડૂત ભેગા મળી એકને લીડર બનાવી અરજી કરી શકશે. ખેડૂતોના મહામૂલ્ય પાકને રોઝ-ભુંડ જેવા પ્રાણીઓના ત્રાસથી રક્ષણ માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અગાઉ આ યોજના પાંચ હેક્ટર એટલે ૩૨.૫૦ વીઘા માટે હતી જેમાં સુધારો કરી આ વર્ષે બે હેક્ટર એટલે ૧૨.૫૦ વીઘા જમીન ધારકો અરજીપાત્ર બનશે.
આ યોજના અંતર્ગત રનિંગ મીટર દીઠ રૂા.૨૦૦ અથવા કુલ ખર્ચના ૫૦ ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે જેમાં થાંભલા ઉભા કરવા માટે ખાડાનું માપ ૦.૪૦મી પહોળાઇ તથા ૦.૪૦ મી. લંબાઇ અને ૦.૬૦ ઉંડાઇ, દર ૧૫ મીટર સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે તેનું માપ મૂળ થાંભલા જેટલું જ રહેશે. બે થાંભલા વચ્ચે વધુમાં વધુ ૩ મીટર રાખવાનું રહેશે. આમ અંદાજે ૫૬૦થી ૬૦૦ મીટરની ફેન્સિંગનો ખર્ચના ૫૦ ટકા રાહત ખેડૂતોને મળવાપાત્ર થશે. જ્યારે જમીન ઘટાડતા આ વર્ષે અરજદારોની સંખ્યા વધવાની પુરી સંભાવના હોવાનું મનાય છે. ગત વર્ષે ૨૦૦ અરજદારો ૩૨.૫૦ વીઘામાં નોંધાયા હોવાનો અંદાજ હતો.

