- કરફ્યુ ભંગના ગુના માટે જર્મન પોલીસોએ અમને માર્ગમાં અટકાવ્યા પણ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-7
- વોર્સોમાં જર્મન ગેન્ગસ્ટરો યહૂદીઓના ઘરમાં ઘુસી લૂંટફાટ ચલાવતા..
- અમે ઘરમાં સંગીતની મહેફિલ જમાવીને બેઠા હતા, એ જ વખતે પેરિસના પતનની ખબર આવી..
મારા મનમાં તેજ ગતિએ આવા બધા વિચારોનો પ્રવાહ વહેતો થઇ ગયો 'તો.
અચાનક મેં જોયું તો મારા પિતા રસ્તા પર ઘુંટણીયે પડી આંખમાં આંસુ સાથે જર્મન પોલીસો પાસે અમારા ત્રણેયના જીવન માટે દયાની ભીખ માંગી રહ્યા 'તા. મારા નાના ભાઇ હેનરિકે પિતાને આ રીતે પોતાનું આત્મ ગૌરવ ત્યજી જર્મનો પાસે દયાની ભીખ માંગતા જોઇ, નીચો નમી પિતાને ઊભા થવા વિનંતી કરવા માંડી.
હું તો દીવાલ તરફ મોં કરીને ઊભો હતો. પરિસ્થિતિમાં હજી સુધી કોઇ બદલાવ નહોતો આવ્યો....પિતા રીતસર રડી રહ્યા 'તા. હેનરિક તેમને શાંત રાખવા પ્રયાસ કર્યા કરતો હતો અને ત્રીજી તરફ પોલીસો હજી પણ અમારી સામે બંદૂકો તાકીને ઊભા હતા.
આ રીતે થોડી વધુ ક્ષણો પસાર થઇ...આ થોડી ક્ષણો મને ડરના માહોલમાં બહુ લાંબી લાગી...કેમ જાણે મને મનોમન અંત:સ્ફૂરણા થઇ કે અમને કશું જ નથી થવાનું.
અચાનક એક પોલીસે મોટેથી ઘાંટો પાડીને પૂછ્યું : તમે લોકો શું નોકરી-ધંધો કરો છો?
અમારા ત્રણેય વતી હેનરિકે જવાબ આપ્યો. એ જબરો સ્વસ્થ હતો. જાણે કશું જ ન થયું હોય તેમ અત્યંત શાંત, ધીર ગંભીર સ્વરે તેણે જર્મન પોલીસોને કહ્યું, અમે ત્રણેય સંગીતકારો છીએ.
સામે ઊભેલા પોલીસો પૈકીનો એક જવાન જરા આગળ વધીને મારી સામે આવ્યો, અને મારા કોટનો કોલર પકડી મને જોરથી નજીક ખેંચ્યો...અને પછી હળવા સ્મિત સાથે હળવાશથી કહ્યું, તું લકી છે; હું પણ સંગીતકાર જ છું..
તેણે મને હળવેથી ધક્કો મારતા હું પાછળના મકાનની દીવાલે ભટકાયો...
'ચલો, અહીંથી ઝડપભેર ભાગો..'
જર્મન પોલીસોનો વિચાર બદલાય તે પહેલાં અમે ત્રણે જણ શક્ય તેટલી ઝડપે ત્યાંથી ભાગ્યા.
પાછળ એ ત્રણ પોલીસો વચ્ચે ચાલતી ગરમાગરમ દલીલો અમને થોડી સંભળાઇ. જે પોતે સંગીતકાર હતો, એ પોલીસે અમને જવા દીધા એટલે બાકીના બે પોલીસો એની સાથે ઝઘડતા હતા. પેલા બે પોલીસોને લાગતું 'તું કે યહૂદીઓ સહાનુભૂતિને લાયક નથી.
યહૂદીઓ સહાનુભૂતિને લાયક છે કે નહીં, એ અલગ મુદ્દો છે, પણ હું, મારો ભાઈ અને પિતા, ત્રણેય જણ બચી ગયા તે ભગવાનનો પાડ..
વોર્સોમાં જર્મન જવાનોની ગેન્ગ યહૂદીઓના ઘરમાં ઘુસીને લૂંટફાટ કરતા અને ઘરનો સામાન વાનમાં ભરીને લઇ જતા હતા.
ગભરાયેલા યહૂદીઓ તેમના ઘરની સારી સારી ચીજવસ્તુઓ વેચી દઇ, તેના બદલે તકલાદી ઘર વખરી ખરીદી લાવતા, એટલે જર્મન લૂંટારા, એમના ઘરમાંથી કશું લઇ જ ન જાય.
નવેમ્બરના બીજા અઠવાડિયામાં જર્મનોએ માર્સઝાલ્કોસ્કા સ્ટ્રીટની ઉત્તર બાજુની બધી સાઇડ સ્ટ્રીટ્સ પર કાંટાળા તારવાળા બેરિકેડ મુકી દીધા અને મહિનાના અંતે જર્મન પોલીસે એવું હુકમનામું બહાર પાડયું કે શરૂઆતમાં કોઇના માન્યામાં ન આવ્યું. આવું ક્યારેક થઇ શકશે, એવો અમારામાંથી કોઇને પણ સ્વપ્નેય ખ્યાલ નહોતો. તા.૧ થી ૫ ડિસેમ્બરમાં દરેક યહૂદીએ સફેદ રંગના હાથપટ્ટા પર ભૂરા કલરના સ્ટાર ઓફ ડેવિડ ચીતરેલો બીજો ટૂકડો સીવેલો હોય તેવો હાથપટ્ટો ફરજીયાતપણે હાથે બાંધીને જ ઘર બહાર નીકળવું. અમે જાણે અછૂત હોય તેવો જાહેરમાં દેખાડો કરવા જેવું આ હુકમનામું હતું. માનવતાવાદના ક્ષેત્રે સદીઓથી થયેલી પ્રગતિ ક્ષણવારમાં ઝીરો થઇ ગઇ, અને અમે પાછા મધ્યયુગમાં હડસેલાઇ ગયા...
૨૦મી મેએ લંચ પછી બપોરના સુમારે મારી સાથે અગાઉ વાલોયિન વગાડનાર મારો એક સાથીદાર અમારે ઘેર આવ્યો. અમે બન્નેએ ઘણા વખતથી સંગીતની મજા માણી નહોતી, આજે સાથે વાદ્યવાદન કરી આનંદની પળો માણવાનો અમારો પ્લાન હતો. બીજા કેટલાક મિત્રો પણ મારે ઘેર આવ્યા હતા. મારી માતાએ અમને બધાને ગરમાગરમ કોફી બનાવીને પાઈ, સાથે સ્વાદિષ્ટ બિસ્કિટ અને કેક પણ સૌને ખવડાવી.
અમે હર્ષોલ્લાસના મુડમાં હતા. અમને બધાને ખબર હતી કે જર્મન લશ્કર (ફ્રાન્સના પાટનગર) પેરિસના પાદર સુધી પહોંચી ચૂક્યું હતું. પણ અમને તેની કોઈ ખાસ પરવા નહોતી.
(પોલેન્ડથી પેરિસનું અંતર લગભગ ૧૫૮૦ કિલોમીટર છે. પોલેન્ડથી પેરિસ જતા ટ્રેનમાં ૧૫ કલાકનો સમય લાગે છે)
કોફી બ્રેક પછી અમે સંગીતની બેઠકનો બીજો દોર શરૂ કરવાની તૈયારીમાં હતા. હું મારા પિયાનો પાસે બેઠો, મારી બાજુમાં વાલોલિન વાદક મારો મિત્ર બેઠો હતો. થોડા સંગીતપ્રેમી મિત્રો પણ રૂમમાં ગોઠવાઈ ગયા હતા. અમે મારી બહેન હેલિનાની રાહ જોતા હતા કે એ આવે પછી સંગીત જલ્સાની શરૂઆત કરીએ. હેલિના નીચેની દુકાનમાં ફોન કરવા ગઈ હતી.
તે ઉપર આવી ત્યારે એની સાથે અખબારનો ''વધારો'' લઈ આવી હતી. (આ એ જમાનાની વાત છે જ્યારે ''ઈન્સ્ટન્ટ ન્યૂઝ'' આપતા ટીવીની શોધ નહોતી થઈ. એટલે જ્યારે પણ કોઈ નવી ચોંકાવનારી કે અસાધારણ ઘટના બને ત્યારે ઘટના ખબર પડયાના થોડા જ કલાકોમાં અખબારો બે કે ચાર પાનનો ''વધારો'' બહાર પાડતા હતા, જે વાંચી લોકોને તાજી ઘટનાની માહિતી મળતી હતી. એ જમાનામાં ટીવી નહોતું, મોબાઈલ નહોતા એટલે સોશિયલ મીડિયા પણ નહોતું, કે જેના દ્વારા મિનિટોમાં જ આખી દુનિયામાં ન્યૂઝ ફરી વળે...!)
મારી બહેન હેલિના નીચેની દુકાનમાંથી જે વધારો ખરીદીને લઈ આવી હતી, તેના પહેલા પાને ખૂબ મોટા અક્ષરોમાં માત્ર બે જ શબ્દ લખ્યા હતા : PARIS FALLS.
મેં મારી આગળ મુકેલા પિયાનો પર મારૃં માથું ઢાળી દીધું. આ યુધ્ધ દરમિયાન પહેલી જ વખત મારી આંખોમાંથી આંસુ વહેવા માંડયા.
(પોલેન્ડના સાથી રાષ્ટ્ર ફ્રાન્સના પાટનગર પેરિસનું પતન થતા, સ્વાભાવિક છે કે જર્મન લશ્કર, વધારે અત્યાચાર ગુજારવા હવે તેનું ધ્યાન પોલેન્ડ પર કેન્દ્રિત કરવાની સંભાવના વધી જવાની હતી.)
હવે જર્મનો અમને વધારે પરેશાન કરવાના કૃત્યમાં લાગી જવાના હતા. પશ્ચિમમાં લડાઈ દરમિયાન તેઓ અમને એટલેકે પોલેન્ડવાસીઓને સાવ જ ભૂલી ગયા હતા, એવું પણ નહોતું. અમારા ઘરોમાં લૂંટફાટ, અમારૃં ફરજિયાત સ્થળાંતર, મજૂરી કામ માટે અમને જર્મની ઉપાડી જવા જેવા અત્યાચારો તો ચાલુ જ હતા. અમે આ બધાથી ટેવાઈ ગયા હતા. પરંતુ હવે કદાચ અમારા પરના અત્યાચારો વધી જવાની ધારણા હતી.
(ક્રમશ:)


