For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીવનમાં અતિશયતા કે અંતિમવાદથી સાવચેત રહો

Updated: Nov 30th, 2022

Article Content Image

- ચીનના છઠ્ઠી સદીના મહાન ફિલોસોફર લાઓ ત્સુની સોનેરી શિખામણ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- લાઓ ત્સુનું કહેવું છે કે, કુદરત સાથે સુસંગત થઇને જીવન જીવો

- માણસે ક્યારેક સુખ વિશે વિચારવાનું જ બંધ કરવું જોઇએ, સુખને ભૂલવું જોઇએ

ચીનના છઠ્ઠી સદીના મહાન ફિલોસોફર લાઓ ત્સુ, તેમની તાઓવાદની ફિલોસોફી માટે આજે સેંકડો વર્ષો પછી પણ એટલા જ પ્રસ્તુત છે. આદર્શ જીવન માટેનું લાઓ ત્સુનું ચિંતન પ્રવર્તમાન સમયમાં જેટલું પ્રસ્તુત છે, એટલું કદાચ અગાઉના જમાનામાં પણ નહીં હોય.

લગભગ બે હજાર વર્ષ પૂર્વે આ ચીની ફિલોસોફરે લખેલું પુસ્તક તાઓ તે ચીંગ (આ પુસ્તકના ટાઇટલનો ઉચ્ચાર કેટલાક લોકો ડાઓ ડે ચીંગ પણ કરે છે.) આદર્શ જીવનની ફિલોસોફીના નીચોડરૂપ છે.

સ્વની શોધની દિશાના પ્રવાસ માટેની આ ગાઇડ છે. સ્વ-શોધ અને સ્વ-જાગૃતિના અત્યંત ઉપયોગી તેમજ અમૂલ્ય પાઠ વાચકને લાઓ ત્સુના પુસ્તકમાં વાંચવા મળશે. આ પાઠમાંથી જીવન જીવવાના સિધ્ધાંતો કોઇપણ વ્યક્તિ અપનાવી જીવનને આદર્શ બનાવી શકે છે.

લાઓના જીવન ઉપયોગી મૂળભૂત સિધ્ધાંતો ખૂબ જ સરળ છે. જીવન જટિલ હોઇ શકે છે, પણ સાદગી-સરળતા, ધીરજ અને કરૂણા-અનુકંપા તમને પ્રભુ પાસે લઇ જવા સક્ષમ છે.

લાઓ ત્સુનું કહેવું છે કે કુદરત સાથે સુસંગત થઇને રહો. 

પોતાના માટે શ્રેષ્ઠ શું છે? એ વિચારીને પછી તેને સાકાર કરવાની દિશામાં સતત આગળ વધતા રહો.

લાઓએ જો કે અહીં એક સરસ વાત પણ કરી છે. માણસે શ્રેષ્ઠતાને પામવા માટે મથામણ કરવી જોઇએ પણ પુરતા પ્રયત્ન કર્યા પછી તેને એમ લાગે કે મેં ઘણાં પ્રયાસ કર્યા છે, તો એ તબક્કે તેણે પછી વાત કુદરત પર છોડી દેવી જોઇએ.

શાણા, જ્ઞાાની પુરૂષે અતિરેક અને આત્મસંતોષ - આ બન્ને પ્રકારના અભિગમને ટાળવા જોઇએ. લાઓ ત્સુ કહે છે, અંતિમવાદ કે અતિશયતાથી સાવચેત રહો. જીવનમાં ક્યારેય કોઇ અંતિમવાદ તરફ ન ઝુકો, નહીં તો તમે પડશો. 

તમે કોઇના પ્રેમમાં હો, ચોવીસેય કલાક તમે તમારા પ્રેમી કે પ્રેમિકા પાછળ જ પડયા રહો અને પ્રેમીઓ તરીકે તમે અતિશયતા (એકસ્ટ્રીમ) તરફ ઢળી જાવ તો બધું જ ખતમ થઇ જશે. તમે ખુદ જ, પ્રેમને પુરો કરી નાંખશો, કારણ કે એ અતિશય થઇ ગયો હતો. અતિશય માત્રામાં પ્રેમ પણ જીરવી શકાતો નથી, તે અસહ્ય બની જાય છે.

૨૪ કલાક પ્રેમ કરવો એટલે કોઇ માણસ ૨૪ કલાક બસ ખાધા જ કરે, તેના જેવું છે. પ્રેમ પણ એક પ્રકારનો ખોરાક છે. તેમાં પણ અતિશયતા ન હોવી જોઇએ, નહીં તો ખોરાક એ ઝેર બની જાય છે. આમ કોઇપણ બાબતમાં અતિશયતાથી અવળુ વિપરીત થઇ જાય છે.

તમે ગાંડાની જેમ પૈસા ભેગા કરવા પાછળ પડો તો અંતે તમે ભિખારી જેવા જ ખાલીખમ્મ રહેશો, કારણ ગમે તેટલા પૈસા તમારી પાસે હશે તમે તો સતત ઓછપ, અભાવ કે ખાલીપણું જ મહેસૂસ કરશો, તમારી પાસે કરોડો રૂપિયા હશે છતા હજી વધુને વધુ રૂપિયા કમાવાની લ્હાયમાં તમે જીવન માણવાનું, જીવન જીવવાનું, જીવનમાં કાંઇક નક્કર પામવાનું જ ભૂલી જશો.

એવું જ સુખનું છે. વધારેને વધારે સુખ મેળવવાની લાલસામાં તમે આખી જિન્દગી દુ:ખ જ અનુભવ્યા કરશો, તમને સુખનો ઓડકાર ક્યારેય નહીં આવે. સુખી થવા માટે કોઇએ સુખ મેળવવાની અતિશય મથામણમાં ના પડવું જોઇએ, નહીં તો હજી પુરતું સુખ નહીં મળ્યાની લાગણીમાં તમારૃં મન સતત ગ્લાનિ અનુભવ્યા કરશે. તમારૃં મન શોકમય રહેશે, હંમેશા ગમગીનીમાં જ ડૂબેલું રહેશે અને તમે દુનિયાના સૌથી દુ:ખી માણસ બનીને રહી જશો.

સુખી થવા માટે સુખની ઘેલછા પાછળ ના દોડો. ક્યારેક માણસે સુખ વિશે વિચારવાનું જ બંધ કરવું જોઇએ, સુખને ભૂલી જવું જોઇએ, ક્યારેક માણસે દુ:ખને પણ માણવું જોઇએ, કહેવાનો  મતલબ મનમાં કોઇપણ પ્રકારની ગ્લાનિ મહેસૂસ કર્યા વગર દુ:ખને પણ સ્વીકારી લેવું જોઇએ, દુ:ખ વચ્ચે હળવાશથી જીવન જીવતા શીખી લેવું જોઇએ. જીવનનો આ પણ એક ભાગ છે, જીવનનો હિસ્સો છે- એક સુંદર હિસ્સો છે.

આ રીતે જ જીવનમાં સમતુલા જળવાય છે.

તમે ચોવીસેય કલાક બસ હસ્યા જ કરો તો તમે 'ન્યુરોટિક' થઇ જશો, અર્થાત જ્ઞાાનતંતુ કે મજ્જાતંતુની વિકૃતિવાળા બની જશો, માનસિક બીમારી તમને લાગુ પડી જશે. તમારૃં હાસ્ય પછી નિર્ભેળ હાસ્ય રહેવાના બદલે ગાંડા માણસનું હાસ્ય બની જશે.

તમારા નિર્ભેળ હાસ્યને જીવંત રાખવા, એને સમજદાર માણસનું હાસ્ય રાખવા, સતત હાસ્યને બદલે વચ્ચે વચ્ચે અશ્રુઓ, આંસુ પણ જરૂરી છે. તમે ચોવીસેય કલાક હાસ્ય ફેલાવ્યા કરો એ કાંઇ સારૃં નથી.

એ જ રીતે તમે ચોવીસેય કલાક કાયમ સુખમાં ન રહી શકો, જીવનમાં સુખ-દુ:ખની ઘટમાળ જ ચાલવાની છે.

જિન્દગી એક રિધમ છે. તમે શ્વાસ લો છો, ઉચ્છવાસ બહાર પણ કાઢો છે. એકલા શ્વાસ લીધા કરો કે સતત ઉચ્છવાસ બહાર કાઢયા કરો તો તમારા જીવન પર પૂર્ણવિરામ મુકાઇ જશે. તમારે શ્વાસ-ઉચ્છવાસમાં સમતુલા જાળવવી પડશે.

જ્યારે કોઇ શાણો માણસ ભૂલ કરે ત્યારે આ ભૂલ કેમ થઇ? એ પ્રશ્ને આંતરખોજ કરે છે, અને પોતાના અંતર આત્મામાં આ પ્રશ્નનો જવાબ મળ્યા પછી ભૂલનો સ્વીકાર કરી, એ ભૂલ સુધારે છે. અને ભવિષ્યમાં આ કે એના જેવી બીજી ભૂલ ન થાય તે માટે સતત સજાગતા રાખે છે.

શાણા માણસને કોઇ તેની ભૂલ દેખાડે તો એ 'અપસેટ' થવાના બદલે ભૂલ તરફ અંગુલી નિર્દેશ કરનાર  વ્યક્તિને પોતાનો શિક્ષક-ગુરૂ ગણે છે.

સામી વ્યક્તિના વર્તાવથી શાણો માણસ ક્યારેય ઉશ્કેરાતો નથી કે મગજનું સમતુલન નથી ગુમાવતો.

શાણપણનો તો આપણા મનમાં ત્યારે જ ઉદય થાય જ્યારે આપણે એ વાત પ્રત્યે સભાન થઇએ કે આપણી જરૂરિયાતની, (નહીં કે આપણા અમર્યાદ/શોખ અને સ્વછંદતાની) બધી જ વસ્તુઓ આપણા પહોંચની અંદર છે. તમારી પાસે જે કાંઇ છે, તેમાં તમે પુરતો સંતોષ અનુભવો અને જીવનમાં કોઇ વસ્તુનો અભાવ છે એવું મહેસૂસ ના કરો, ત્યારે તમારા જીવનનો એ સમય શરૂ થાય કે જાણે આખી દુનિયા તમારી જ છે...!

આ દુનિયામાં કુદરત જ એક એવું મજબૂત પરિબળ છે કે જેને શાણો માણસ શાનમાં સમજી જાય છે કે કુદરતના પરિબળ સામે લડી શકાય નહીં.

તાઓવાદ એ ચીનનો પરંપરાગત પ્રાચીન ધર્મ કે ચીનની પ્રાચીન ફિલોસોફી છે. સ્વ. વિકાસ દ્વારા શ્રેષ્ઠતા હાંસલ કરવાનું તાઓવાદ શીખવે છે. સદીઓથી ચીની સંસ્કૃતિ પર તાઓવાદનો પ્રચંડ પ્રભાવ પડયો છે.

(ક્રમશ:)

Gujarat