For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રિએકટર-1માં ગમે ત્યારે દુર્ઘટનાની સંભાવના છે

Updated: Dec 27th, 2023

Article Content Image

- ચેર્નોબિલ અણુમથકના સંદર્ભમાં મોસ્કોના રિસર્ચ સેન્ટરની આગોતરી ચેતવણી

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- રિએક્ટર ઓપરેટ કરવાના મેન્યુઅલ્સમાં ઓપરેટર્સ માટે કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ

- ચેર્નોબિલની મોટી દુર્ઘટના અગાઉ ચાર વર્ષ પહેલાં નાની દુર્ઘટના સર્જાઈ હતી

મોસ્કોના આ રિસર્ચ સેન્ટરમાં થયેલા સંશોધનોના આધારે રશિયાએ ૫૦થી વધુ સબમરિનો બનાવી હતી. અણુ ઊર્જા મથકની ડિઝાઇન પણ આ સેન્ટરમાં તૈયાર કરાઇ હતી, જેના આધારે ચેર્નોબિલના RBMK પ્રકારના રિએકટરો બનાવવામાં આવ્યા હતા.

ચેર્નોબિલ અણુ મથકના રિએકટર નંબર-વનમાં સંખ્યાબંધ ખામીઓની જાણકારી મોસ્કોના આ સેન્ટરને થતાં સેન્ટરના સિનિયર સાયન્ટિસ્ટોએ ખાનગી રાહે ચેર્નોબિલ અણુ મથકના રિએકટરની તપાસ હાથ ધરી, અને તેના પરથી એક ગુપ્ત રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં રિએકટરની ડિઝાઇનમાં રહી ગયેલી નવ મોટી ખામીઓની યાદી અપાઇ હતી. આ રિપોર્ટમાં એ પણ નોંધ કરાઇ હતી કે આ ક્ષતિઓના કારણે RBMK રિએકટરની સેફટી જોખમમાં મુકાવાની સંભાવના છે. 

રશિયામાં અણુ ઊર્જા ક્ષેત્રે મોટાપાયે સંશોધન હાથ ધરતા આ સેન્ટરના ખાનગી અહેવાલમાં ગંભીર ચેતવણીરૂપ એક સીધી ને સટ એ પણ સ્પષ્ટતા કરાઇ હતી કે આ રિએકટરમાં જવલ્લે જ કે કોઇ  અસાધારણ સંજોગોમાં જ અકસ્માત થવાની શક્યતા છે એવું નથી પણ રોજેરોજ રિએકટર ઓપરેટ કરતી વખતે પણ અકસ્માત થવાની શક્યતા છે. 

પણ આપખુદીશાહી સરકારોની એક મહા જોખમી આદત કે અપલક્ષણ એ હોય છે કે વિજ્ઞાાન-ટેકનોલોજીના પ્રખર વૈજ્ઞાાનિકો કે અર્થશાસ્ત્ર અથવા કેળવણી ક્ષેત્રના પ્રકાંડ પંડિતો તેમના અગાધ જ્ઞાાન અને અનુભવના આધારે દેશના વિકાસ માટે કે જનહિત માટે કોઇ મહત્વનું દૂરંદેશી સૂચન કરે તો પણ સરમુખત્યારો એવા સૂચનને ગણકારતા તો નથી પણ ઊલ્ટાનું  એ સૂચન સમાજમાં વહેતું  ન થાય એની લોખંડી તકેદારી રાખે છે.

રશિયાની ચુસ્ત સામ્યવાદને વરેલી આપખુદ સરકારે પણ આવું જ કર્યૂં. મોસ્કોના અગ્રણી અણુ સંશોધન કેન્દ્રના સિનિયર સંશોધકોના ઉપરોક્ત રિપોર્ટ પછી પણ રિએકટરની ત્રુટિઓ સુધારવાના કોઇ પગલા ન લીધા, રિએકટરની ખામી ભરેલી ડિઝાઇન તો ન સુધારી એટલું જ નહીં કિ'તું અણુ ઊર્જા મથકના ઓપરેટરોને સંભવિત જોખમો વિશે આગોતરી જાણકારી આપી સતર્ક રહેવાની તેમને ચેતવણી પણ અપાઇ નહોતી.

ચેર્નોબિલ અણુ ઊર્જા પ્લાન્ટમાં નવી સેફટી સિસ્ટમ ઊભી કરવાના બદલે RBMK રિએકટરને ઓપરેટ કરવા માટેની ઓપરેટિંગ ઈન્સ્ટ્રક્શન્સમાં સુધારા-વધારા કરીને સંતોષ માન્યો હતો.

દાયકાઓ સુધી રશિયાના મિલિંટ્રી રિએકટરોમાં કોઇ અકસ્માત થયો ન હોવાથી મોસ્કોની એટમિક રિસર્ચ સંસ્થાના અગ્રણી સંશોધકોએ કદાચ એવું માની લીધું કે રિએકટર ઓપરેટ કરવા માટેના મેન્યુઅલ્સમાં સુધારા-વધારા કર્યા છે, તે ન્યૂક્લિઅર સેફટી માટે પર્યાપ્ત છે.

વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે રિએકટર ઓપરેટ કરવા માટે જે નવા મેન્યુઅલ્સ અપાયાં તેમાં જે સૂચનાઓ અપાઇ હતી તે પણ સંદિગ્ધ કે અસ્પષ્ટ હતી અને ઓપરેટરોેને તેમાં કોઈ સવિસ્તાર સમજ નહોતી અપાઇ. 

રશિયામાં અણુ ઊર્જા પ્લાન્ટનો સ્ટાફ અપુરતા કે ખામીયુક્ત સાધનોથી કામ ચલાવતો હતો અને આવા વિકટ સંજોગો વચ્ચે તેમને સત્તાધિશો વધુને વધુ  પ્રોડકશનના ઊંચા ટાર્ગેટ આપતા હતા, એટલે જેમ તેમ કરીને ટાર્ગેટ પુરા કરવા ઓપરેટરો રિએકટર ઓપરેટ કરવાના મેન્યુઅલ્સની સૂચનાઓનો અમલ કરવાના બદલે આડેધડ રિએકટર  ઓપરેટર કરતા હતા.

અણુ રિએકટર ઓપરેટ કરવા માટેના મેન્યુઅલ્સ તો મોસ્કોના રિસર્ચ  સેન્ટરે મોકલ્યા, પણ તેમાંની સૂચનાઓનું પાલન જો ઓપરેટર નહીં કરે તો કેવા પ્રકારના ગંભીર પરિણામો આવી શકે તેમ છે, તેવી કોઇ ચેતવણી મેન્યુઅલ્સમાં અપાઇ નહોતી.

નિયમોનું મહત્વ અને તેનો ભંગ કરવાથી સર્જાનારી દુર્ઘટના વિશે મેન્યુઅલ્સમાં કોઇ ઝાઝી સ્પષ્ટતા કરાઇ ન હોવાથી ઓપરેટરો બિન્દાસરીતે પોતાને ફાવે તે રીતે રિએકટર ઓપરેટ કર્યા કરતા હતા.

આના કરતાં વધારે ચોંકાવનારી અતિ ગંભીર વાત તો એ હતી કે સોવિયેત યુનિયનના અણુ ઊર્જા મથકમાં જે કોઇ નાના-મોટા અકસ્માતો થતા, એને સ્ટેટ સિક્રેટ ગણીને ગુપ્ત રાખવામાં આવતા હતા. આટલું ઓછું હોય તેમ આપખુદ શાસકો, જે અણુ ઊર્જા મથકમાં અકસ્માત થાય ત્યાંના ઓપરેટર કે સિનિયર એન્જિનિયરોને પણ એની સવિસ્તર માહિતી ન મળે એવી કડકાઇ રાખતા હોવાથી અણુ મથકનો મોટા ભાગનો સ્ટાફ અકસ્માત કેમ થયો? કેટલું નુકસાન થયું? શેના લીધે અણુ મથકમાં દુર્ઘટના સર્જાઇ, એની વિગતોથી સાવ જ અજાણ રહેતા હતા.

જે અણુ મથકમાં અકસ્માત થયો હોય, તેના સ્ટાફને; જો પુરતી માહિતીથી વંચિત રખાતો હોય તો દેશના અન્ય અણુ મથકોના એન્જિનિયરો અને ઓપરેટરોને તો સ્વાભાવિક રીતે કોઇ જ ખબર ના પડી હોય. 

આના કારણે સ્થિતિ એવી સર્જાય કે અણુ મથકોમાં બધુ રાબેતા મુજબ સબસલામત ચાલી રહ્યું છે, એટલે ઊર્જા મથકનો સ્ટાફ વોહી રફતાર બેઢંગી મુજબ જ કામ કરતા રહે, પછી મેન્યુઅલ્સની ઇન્સ્ટ્રકશનનો ચોકસાઇથી અમલ કરવાની કોઇ દરકાર શા માટે કરે?

ચેર્નોબિલના અણુ ઊર્જા મથકમાં દબાવી દેવાયેલી અને તે પછી પણ કોઇ સુધારાત્મક પગલાં ન લેવાયા હોય તેવી એક ગંભીર ઘટના જાણવા જેવી છે.

ઘટના રસપ્રદ છે.....

૯મી સપ્ટેમ્બર, ૧૯૮૨ની એક ઢળતી સાંજે ચેર્નોબિલના રિએકટર નંબર-૧ અને રિએકટર નંબર-૨ ની વચ્ચે ત્રીજા માળની ઓફિસમાં નિકોલાઇ સ્ટેનબર્ગ બેઠો હતો. યુનિટ-૧ અને ૨ માટેની વેન્ટ સ્ટેક તેને ઓફિસમાં બેઠા બેઠા દેખાતી હતી. અણુ મથકમાં વાયુ સ્વરૂપના રેડિઓ એકિટવ વેસ્ટના નિકાલ માટે જે પાઇપલાઇન નાંખવામાં આવે છે તેને વેન્ટ સ્ટેક કહેવાય છે.

૩૪ વર્ષનો સ્ટેનબર્ગ છેલ્લા લગભગ ૧૨ વર્ષથી ચેર્નોબિલ અણુ ઊર્જા મથકમાં કામ કરતો હતો. હેન્ડસમ સ્ટેનબર્ગના ચહેરા પરની ફ્રેન્ચકટ નાનકડી દાઢી તેને વધારે સોહામણો બનાવતી હતી. મોસ્કોની પાવર એન્જિનિયરિંગ ઇન્સ્ટિટયૂટમાંથી ન્યૂક્લિઅર થર્મલ હાઇડ્રોલિક્સમાં સ્નાતકની પદવી મેળવીને તે સીધો ચેર્નોબિલ ન્યૂક્લિઅર પાવર સ્ટેશનમાં જોડાયો હતો. કોલેજમાં  નિકોલાઇએ બે વર્ષ સુધી RBMK રિએકટરની ટેકનોલોજી અને રિએકટરને ઓપરેટ કરવાની સિસ્ટમનો ઊંડો અભ્યાસ કર્યો હતો.

તે ચેર્નોબિલમાં જોડાયો તે વખતે પ્લાન્ટમાં RBMK રિએકટર-૧ અને ૨ ઊભા થઇ રહ્યા હતા. હાલમાં તે યુનિટ-૩ અને ૪ ના ટર્બાઇન ડિપાર્ટમેન્ટનો હેડ હતો.

(ક્રમશઃ)

Gujarat