For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નારાયણ મૂર્તિની વિચારધારા બદલી નાખનાર અણધારી ઘટનાની વાત

Updated: Dec 21st, 2022

Article Content Image

- ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિને સામ્યવાદી દેશમાં થયેલો અતિ કડવો અનુભવ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- ઇન્ફોસિસની સ્થાપના પહેલા નારાયણ મૂર્તિ ચુસ્ત સામ્યવાદમાં માનતા હતા...

- યુરોપના એક રેલ્વે સ્ટેશને 72 કલાક અંધારી કોટડીમાં પુરાયા પછી વિચારધારા બદલાઇ

ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના દીક્ષાંત પ્રવચનમાં ઇન્ફોેસિસના સ્થાપક નારાયણ મુર્તિએ તેમના જીવનના ત્રણ-ચાર મહત્વના પ્રસંગો વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવીને પછી એ પ્રસંગોએ તેમના જીવનમાં કેવો સારો વળાંક લાવી દીધો તેની શીખામણ વિદ્યાર્થીઓને આપી હતી. તેમના જ શબ્દોમાં તેમના જીવનના યાદગાર પ્રસંગો વાંચો..

મારા જીવનમાં કેટલીક આકસ્મિક ઘટનાઓ બની હતી અને મને એમાંથી કાંઇક શીખવા મળ્યું હતું.

અહીં આવતા અગાઉ મેં વિચાર કર્યો કે હું મારા જીવનમાં જે કાંઇ પાઠ શીખ્યો તે પૈકીના કેટલાક મારે તમને કહેવા છે. મારા જીવનની શરૂઆતમાં કારકિર્દીના સંઘર્ષમય સમયમાં અને તે પછી જીવનમાં આકસ્મિકરીતે બનેલી કેટલીક ઘટનાઓમાંથી હું મારા જીવનના આ પાઠ શીખ્યો છું. મને આશા છે કે આ પાઠમાંથી  મારા જીવનમાં મેં વેઠેલો સંઘર્ષ તમે સમજી શકશો. જીવનમાં અચાનક બનતી ઘટનાઓ કે જીવનમાં મોટા માણસો સાથેની અણધારી મુલાકાત મારા જીવન ઘડતરમાં અને મારી કારકિર્દી ઘડવામાં કઇ રીતે સહાયરૂપ બન્યા એ હકીકત પણ તમને જાણવા, સમજવા મળશે.

એ પછી જીવનના મહત્વના જે કોઇ પાઠ હુ શીખ્યો, તે પણ તમને કહીશ. આ બધા અનુભવો ક્યારેક છૂપા આશીર્વાદરૂપ બની રહે છે, એ વાત પણ તમે તમારા જીવનમાં યાદ રાખો એવી હું આશા રાખું છું.

સૌ પહેલી ઘટના હું કાનપુરની આઇ.આઇ.ટી. માં ''કંન્ટ્રોલ થિયરી''માં સ્નાતકનો અભ્યાસ કરતો હતો ત્યારની છે. વર્ષ ૧૯૬૮ માં અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટિના કોમ્પ્યૂટર સાયન્સના એક વૈજ્ઞાાનિક ત્યાં છૂટ્ટી ગાળવા આવ્યા હતા.

એક રવિવારે બ્રેકફાસ્ટના સમયે અચાનક એ મળી ગયા. કોમ્પ્યૂટર સાયન્સના ક્ષેત્રે કેવા નવા પરિવર્તનો આવી રહ્યા છે, તેના વિશે તેઓ વિદ્યાર્થીઓના એક મોટા ગુ્રપ સાથે ચર્ચા કરી રહ્યા હતા. કોમ્પ્યૂટર ક્ષેત્રે થઇ રહેલા નવા નવા સંશોધનો કઇ રીતે આપણું ભાવિ બદલી નાંખશે તેની અત્યંત રોચક વાતો આ વૈજ્ઞાાનિક કરી રહ્યા હતા.

તેમની વાતો સાંભળવી ગમે તેવી  હતી. જે ઉત્સાહથી, જે દાખલા-દલીલોથી અને જે ઊંડા તર્કથી તેઓ તેમની વાત સમજાવતા હતા એ સાંભળીને હું અત્યંત પ્રભાવિત થઇ ગયો. મારા મનમાં તેમની વાતોએ એટલી તો ગાઢ અસર કરી કે બ્રેકફાસ્ટ પતાવીને હું સીધો લાઇબ્રેરીમાં ગયો અને પેલા વૈજ્ઞાાનિક મહોદયે જે ચાર-પાંચ સંશોધન પેપરની વાત કરી હતી એ બધાજ પેપર મેં ધ્યાનપૂર્વક વાંચી નાંખ્યા.

સંશોધન પેપરો વાંચીને લાઇબ્રેરીમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં મારૂ મન બનાવી દીધું હતું કે મારે હવે કોમ્પ્યૂટર સાયન્સમાં જ આગળ અભ્યાસ કરવો છે.

મિત્રો, આજે જ્યારે  હું એ કમ્પ્યૂટર વૈજ્ઞાાનિક સાથેની મહત્વની મિટિંગ વિશે વિચારૂં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે કોઇ રોલ મોડલ (અર્થાત તમને ગમતું કોઇ આદર્શ, તેજસ્વી અને પ્રખર વ્યક્તિત્વ) યુવા વિદ્યાર્થીના ભવિષ્યને કેવી સુંદરરીતે બદલી નાંખી શકે છે.

આ અનુભવ પરથી હું એટલું તો જરૂર શીખ્યો કે કેટલીક વખત અણધાર્યા વ્યક્તિ પાસેથી ઘણી કીમતી સલાહ મળી જાય છે અને બીજી વાત કે ક્યારેક અણધારી ઘટના આપણા માટે જીવનના નવા દ્વાર ખોલી આપે છે.

મારા જીવનમાં અમીટ છાપ છોડી જનાર બીજો પ્રસંગ વર્ષ ૧૯૭૪માં બન્યો હતો. આ ઘટના નિસ નામના નગરમાં બની હતી. પૂર્વના યુગોસ્લાવિઆ પણ હાલમાં સર્બિઆ તરીકે ઓળખાતા દેશ અને બલ્ગેરિઆ દેશની સરહદ પર આ નગર આવેલું છે.

હું ફ્રાન્સના પાટનગર પેરિસથી ભારતના મારા વતન મૈસુર પાછો ફરી રહ્યો હતો ત્યારના સમયની આ ઘટના છે.

એક માયાળુ સ્વભાવના ડ્રાયવરે મને રાતના નવના સુમારે નિસ ટાઉનના રેલ્વે સ્ટેશને ઊતાર્યો ત્યારે સ્ટેશન પરનું રેસ્ટોરન્ટ બંધ થઇ ચૂક્યું હતું. એ શનિવારની રાત હતી. રાતે તો હું ભૂખ્યો ભૂખ્યો જ સ્ટેશન પર સુઇ રહ્યો. બીજે દિવસે રવિવાર હોવાથી બેન્ક બંધ હતી અને મારી પાસે સ્થાનિક કરન્સી નહોતી એટલે બીજો આખો દિવસ સ્ટેશન પર જ હું ભૂખ્યો બેસી રહ્યો.

રાત્રે ૮.૩૦ વાગે સોફિઆ એક્સપ્રેસ ટ્રેન આવતા હું તેમાં બેેસી ગયો. ડબ્બામાં મારી સાથે એક યુવતી અને એક યુવાન એમ કેવળ બે જ પેસેન્જર્સ હતા.

એ યુવતી સાથે મેં ફ્રેન્ચ ભાષામાં વાત શરૂ કરતા જ યુવતીએ Iron Curtain Country એટલે કે ચુસ્ત સામ્યવાદી દેશમાં રહેતા લોકોએ કેવી કેવી મુશ્કેલીઓ  સહન કરવી પડે છે અને કેવા ચુસ્ત નિયંત્રણો હેઠળ જીવવું પડે છે એની આપવીતી કહેવા માંડી.(ચુસ્ત સામ્યવાદી દેશમાં માહિતીની મુકતરીતે આપ-લે કરી શકાતી નથી. કેવળ સરકારી પ્રસાર માધ્યમો જે ન્યૂઝ આપે તેજ વાંચવાના કે સાંભળવાના હોય છે. એટલે આવા દેશો Iron Curtain Country કહેવાય છે. ટૂંકમાં ખબર/માહિતીના મુકત પ્રસાર આડે લોખંડી પડદો સામ્યવાદી દેશમાં હોય છે.)

વાત હજી થોડી આગળ વધે એટલામાં તો અચાનક બે પોલીસવાળા ત્યાં આવી પહોંચ્યા. અમારી વાત ત્યાં જ અટકી પડી.

એક પોલીસવાળો પેલી છોકરીને પકડીને લઇ ગયો. બીજાએ મારી બેકપેક અને સ્લિર્પિંગ બેગ જપ્ત કરી લીધી. પછી મારો હાથ ખેંચીને મને પ્લેટફોર્મ પરની ૮X૮ ફૂટની એક નાનકડી આંધારિયા કોટડીમાં પુરી દીધો. કોટડીના એક ખૂણામાં પેશાબ-પાણી માટે નાનકડો ખાડો ખોદેલો હતો. એ સાવ જ નાનકડી ઓરડીના ભોંય તળિયાના પથ્થર તદ્દન ઠંડાગાર હતા. કાંઇ પણ ખાવા-પીવાનું આપ્યા વગર એ અતિશય ઠંડી અંધારી ઓરડીમાં મને ખાસ્સા ૭૨ કલાક પુરી રાખ્યો.

ફરી બહારની દુનિયા જોઇ શકવાની મારી બધી જ આશા નષ્ટ થઇ ગઇ. હું તદ્દન હતાશ થઇ એ કોટડીમાં પડયો હતો તેવામાં અચાનક ઓરડીનું બારણું ખૂલ્યું. કોઇએ અંદર આવી મને કોટડીમાંથી બહાર ઢસડયો અને પ્લેટફોર્મ પર ઊભેલી ગુડસ ટ્રેનના ગાર્ડના ડબ્બામાં પુરી દીધો.

પાછળથી મને ખબર પડી કે ડબ્બામાં અમારી સાથે બેઠેલા યુવાને અમે બલ્ગેરિઆની સામ્યવાદી સરકારની ટીકા કરીએ છીએ એવું સમજીને એણે પોલીસને ફોન કરી દીધો હોવાથી પોલીસ આવી ગઇ હતી.

ગાર્ડના ડબ્બામાં મને પૂરતી વખતે પોલીસે કહ્યું કે ૨૦ કલાક પછી આ ગુડ્સ ટ્રેન ઇસ્તંબુલ પહોંચશે ત્યારે તને ત્યાં છોડી મૂકવામાં આવશે.

(ક્રમશઃ)

Gujarat