For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભવિષ્યમાં AI કદાચ માનવ જાતને લુપ્ત કરી દેશે..!

Updated: Mar 20th, 2024

Article Content Image

- AIના ભવિષ્યના જોખમો વિશે અતિ ચિંતિત ઈલોન મસ્ક વિચારે છે કે,

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-9

- AI માં વધારે ડેવલપમેન્ટ થાય તે પહેલા સેફગાર્ડસ વિચારી રાખવા પડશે

- મસ્કની આ ચિંતાને ગુગલના લેરી પેજ સેન્ટિમેન્ટલ નોનસેન્સ ગણાવે છે..

બન્ને વચ્ચે સામસામે ઉગ્ર બોલાચાલી પણ થતી રહેતી હતી અને ઝઘડાની ચરસસીમાએ જસ્ટિન, મસ્કને કહેતી કે હું તને ખૂબ જ ધિક્કારૃં છું.

મસ્ક પણ એવા જ ઉગ્ર ટોનમાં જસ્ટિનને જવાબ આપતા કે જો તું મારી કર્મચારી હોતને, તો અત્યાર સુધીમાં મેં તને કાઢી મુકી હોત. બાળપણમાં જે રીતે તેમના પિતા તેમને ખખડાવતી વખતે અવારનવાર જે શબ્દ કહેતા, તે યાદ રાખીને મસ્ક પત્ની જસ્ટિનને ઘણી વખત 'ઇડિયટ' કહીને ઊતારી પાડતા હતા.

મોટાભાઇ મસ્ક અને ભાભી જસ્ટિનને આ રીતે ઊંચા અવાજે ઝઘડતા જોઇ મસ્કના નાનાભાઇ કિમ્બલ ખુદ ડઘાઇ જતા હતા, 

જૂની ઘટનાઓ યાદ કરીને જસ્ટિન કહે છે, મસ્ક પાસે જ્યારે ખાસ કાંઇ નહોતું ત્યારે અમારી મુલાકાત થઇ હતી, પણ એ પછી તેને અઢળક સમ્પતિ અને નામના પ્રાપ્ત થઇ તેના કારણે બધા સમીકરણ બદલાઇ ગયા. મસ્ક મૂળે ખૂબ મજબૂત મનોબળવાળી વ્યક્તિ છે.

મસ્કમાં સહાનુભૂતિ, સદ્ભાવના કે સામી વ્યક્તિની લાગણી સમજવાની ક્ષમતા નહીં હોવાનો અહેસાસ પત્ની જસ્ટિનને થઇ ગયો હતો. 

જસ્ટિન કહે છે, 'મસ્ક કરોડપતિ થયો તે પહેલા જે રીતે અમે એકમેકને પ્રેમ કરતા હતા, તેવી પ્રણયની સ્થિતિ હું ઇચ્છું છું.'

પણ મસ્ક અને જસ્ટિન વચ્ચેના ઝઘડા વધતા જ ગયા એટલે છેવટે મસ્કે છૂટાછેડાનો કેસ કર્યો.

છૂટાછેડા બાદ મસ્ક વર્ષ ૨૦૦૮માં લંડનમાં રોયલ એરોનોટિકલ સોસાયટીમાં લેકચર આપવા માટે ગયા હતા. મસ્ક સાથે તેમના મિત્ર બિલ લી પણ હતા. લંડનમાં મિત્રએ લગભગ ૩૭ વર્ષના મસ્કનો પરિચય બ્રિટનની ૨૨ વર્ષની બ્યૂટિફૂલ એકટ્રેસ તાલુલા રિલે સાથે કરાવ્યો. ટૂંકી મુલાકાતમાં જ મસ્ક તાલુલાના પ્રેમમાં પડી ગયા અને પંદર દિવસમાં તો તેમના એન્ગેજમેન્ટ પણ થઇ ગયા. 

પણ જસ્ટિન સાથે મસ્કનું કડવાશભર્યૂ લગ્નજીવન જોઇને ત્રાસેલા નાનાભાઇ કિમ્બલે મસ્કને સલાહ આપી કે લગ્નની ઉતાવળ ના કરીશ. એકાદ-બે વર્ષનો સમય વીતવા દે પછી લગ્ન કરજે.

બે વર્ષ બાદ સપ્ટેમ્બર ૨૦૧૦માં મસ્કે લંડનની ફૂટડી એકટ્રેસ તાલુલા સાથે પ્રભુતામાં ડગ માંડયા. જો કે માત્ર ૬ જ વર્ષના ટૂંકાગાળામાં મસ્કના નસીબમાં બીજા છૂટાછેડા લખાયા હતા. વર્ષ ૨૦૧૬માં તેમણે તાલુલા સાથે છૂટાછેડા લીધા.

પરંતુ તે અગાઉ એક ટ્રેજિક-કોમિક બનાવ બન્યો. વર્ષ ૨૦૧૨માં 

છૂટાછેડા લેવા કોર્ટ સુધી પહોંચેલા બન્ને પાછા એક થઇ ગયા. જો કે તેમનું લગ્ન જીવનનું ગાડું લાંબુ ન ચાલ્યું,  ૪ વર્ષમાં જ ૨૦૧૬ની સાલમાં છેવટે જે થવાનું હતું તે થઇને રહ્યું.

મસ્કના પારિવારિક જીવનની વાતો પછી હવે તેમના બિઝનેસની કેટલીક વાત જોઈએ.

ટેસ્લા અને ગુગલ - બંન્ને કંપનીઓ ભેગા મળીને ''ઓટોપાઇલોટ સિસ્ટમ'' ડેવલપ કરી શકે તે માટેની યોજના ઘડવા વિશે ઇલોન મસ્કે ગુગલના લેરી પેજ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ સિસ્ટમ જો સફળ થાય તો તેનાથી ડ્રાઇવર વગરની કારનું ઉત્પાદન શક્ય બને.

પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના એક પ્રોજેકટમાં મસ્ક અને લેરી વચ્ચે મતભેદ સર્જાતા બન્ને મહાશયો અલગ થઇ જવાથી મસ્ક તે પછી ટેસ્લા કારની ઓટોપાઇલોટ સિસ્ટમ ડેવલપ કરવા માટે એકલે હાથે આયોજનઆગળ વધારી રહ્યા છે.

મસ્ક અને લેરી વચ્ચે AI ના એક પ્રોજેકટમાં મતભેદ કેમ સર્જાયો તે ઘટના પણ જાણવા જેવી છે.

મૂળ વાત એમ છે કે મસ્ક અને લેરી વર્ષોથી પરસ્પરના પરિચયમાં હતા અને મસ્ક તો ઘણી વખત પાલો આલ્ટો ખાતે લેરીના નિવાસસ્થાને ઘણી વખત રાત્રે રોકાતા પણ હતા.

''આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ'' ભવિષ્યમાં કેવા જોખમો ઊભા કરી શકે અને તેનાથી માનવજાત  કેવી મુશ્કેલીમાં મુકાઇ જઇ શકે છે તે વિશે મોડીરાત સુધી મસ્ક, લેરી સાથે ચર્ચા છેડતા હતા. મસ્ક AI ના ભવિષ્યના જોખમો વિશે સતત ચિંતિત રહે છે. તેમનો આશય AI વધુ ડેવલપ થાય તે પહેલાથી જ તેનો ''મિસયુઝ'' ના થાય તેવી ટેકનોલોજી ડેવલપ કરવાનો છે.

પરંતુ મસ્ક જ્યારે લેરી સાથે આ મુદે મોડીરાત સુધી ચર્ચા છેડતા ત્યારે લેરીને મસ્કનો આ મુદ્દો એટલો બધો ગંભીર લાગતો નહોતો. તેઓ મસ્કની આ વાતને હળવાશથી લઇ ઉડાવી દેતા હતા.

વર્ષ ૨૦૧૩માં નાપા વેલી ખાતે મસ્કની બર્થ-ડે પાર્ટીમાં લેરી અને મસ્ક વચ્ચે બધા મહેમાનોની હાજરીમાં આ જ પોઇન્ટ પર ઘણી ચર્ચા ચાલી હતી. મસ્કની દલીલ એવી હતી કે આપણે જો સાવચેતીના યોગ્ય પગલાં નહીં લઇએ તો એક દિવસ એવો આવશે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ આપણું એટલે કે માનવજાતનું સ્થાન લઇ લેશે.  કદાચ AI  માનવજાતનો અંત પણ આણી દઇ શકે છે. 

પરંતુ લેરીએ મસ્કની આ વાત હસી કાઢતા કહ્યું, બુધ્ધિમત્તામાં AI  મશિન્સ એક દિવસ ધારો કે માનવજાતથી આગળ પણ નીકળી જાય તોય એનાથી શો ફરક પડશે? એ તો માનવજાતની ઉત્ક્રાંતિનું એક આગળનું પગથિયું હશે. લેરીએ મસ્કની વાતો ''સેન્ટિમેન્ટલ નોનસેન્સ'' ગણાવીને ઉડાવી દીધી. 

વર્ષ ૨૦૧૩ના અંતમાં મસ્કે જ્યારે સાંભળ્યું કે લેરી પેજ અને ગુગલ ''DeepMind'' ખરીદી લેવાની યોજના ઘડી રહ્યા છે, ત્યારે તેમના મનમાં મોટી ફાળ પડી હતી, કારણ મસ્ક માને છે કે લેરીના હાથમાં AI નું ભવિષ્ય સલામત નથી. 

જો કે તે પછી પણ મસ્ક અને તેમના ફ્રેન્ડ લુક નોસેક બન્નેએ ભેગા મળી 'DeepMind'  ખરીદી લેવાનો લેરીનો પ્લાન નાકામિયાબ થાય તે માટે પ્રયાસ કર્યા હતા.

પણ તેમનો આ પ્રયાસ સફળ ન થયો અને ૨૦૧૪ના જાન્યુઆરીમાં  ગુગલે 'DeepMind'  હસ્તગત કરી લીધાની સત્તાવાર જાહેરાત કરી દીધી.

જો કે તે પછી પણ મસ્કને સાથે રાખવાની કોશિશના ભાગરૂપે લેરી પેજે 'સેફટી કાઉન્સિલ' ની રચના કરીને તેમાં મસ્કને સભ્યપદ પણ આપી દીધું.

પણ આ બધું દેખાડા પુરતું જ હતું. આ સેફટી કાઉન્સિલની પહેલીને છેલ્લી મિટિંગ મસ્કની કંપની SpaceX માં યોજાઇ હતી.

મસ્કની કંપનીના ચીફ ઓફ સ્ટાફ  સામ ટેલરનું કહેવું છે કે ગુગલના આ લોકોનો AI ની સેફટી વિશે કાંઈ કરવાનો કોઇ જ ઇરાદો નથી. વળી AI ના ડેવલપમેન્ટ ક્ષેત્રમાં તેમની સત્તા પર કોઇપણ પ્રકારનો કાપ મુકાય એવું કશું પણ કરવાની ગુગલવાળાની જરાય ઇચ્છા નથી.

ટૂંકમાં સામ ટેલરનો કહેવાનો મતલબ એ હતો કે મસ્ક જેમ ઇચ્છે છે કે AI ક્ષેત્રમાં સેફટી માટે કોઇ પગલાં ભરવા જોઇએ, પણ તેમ કરવાથી ગુગલવાળાની સત્તા પર નિયંત્રણ આવી જાય અને આવા નિયંત્રણ  સ્વીકારવાની ગુગલવાળાની તૈયારી નથી.

(સંપૂર્ણ)

Gujarat