mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોસાદના જાસૂસોના ત્રણ-ત્રણ પ્લાન ફ્લોપ ગયા

Updated: Nov 16th, 2022

મોસાદના જાસૂસોના ત્રણ-ત્રણ પ્લાન ફ્લોપ ગયા 1 - image


- પડોશી આરબ દેશમાંથી મીગ-21 ઉઠાવી લાવવાના

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- મોસાદના એજન્ટે પડોશી દેશ  ઈરાકના વધુ એક પાઈલોટને ફોડવાની પેરવી શરૂ કરી

- ઈરાકના એક યહૂદીએ મોસાદનો જાસૂસ ખુશ થાય તેવી અત્યંત ઉપયોગી બાતમી આપી

હવાઇ દળના વડાની આવી જબરદસ્ત જોખમી માંગણી સાંભળીને મોસાદના વડા મીર ચમકી ઊઠયા. રશિયાન બનાવટનું મીગ-૨૧ પ્લેન વિદેશના હવાઇ દળના એરપોર્ટ પરથી ઉઠાંતરી કરીને મેળવવું એ કાંઇ ખાવાના ખેલ નહોતા. લોખંડી ચણા ચાવવા જેટલું અતિ કઠિન અને મોતની સામે ઝઝુમીને જીત મેળવી પાછા આવવા જેવું અશક્ય કામ હતું.

રશિયા તો ઇઝરાયલને એ ફાઇટર પ્લેન આપે જ નહીં, મોં માંગી કિંમતે વેચાતુય ન આપે. પડોશી આરબ દેશોને રશિયાએ મિંગ-૨૧ વિમાનો આપ્યા હતા, પણ એ બધા આરબ દેશો તો ઇઝરાયલના જાની દુશ્મનો હતા, અને એ પૈકીના એકાદ દેશમાંથી મીગ-૨૧ ઉઠાવી લાવવાના અત્યંત અઘરા કામની હવાઇ દળના વડાએ મોસાદના વડા પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી.

 વધારામાં રશિયાએ ઉસ્તાદી એવી કરી હતી કે એણે ઇજીપ્ત, ઇરાક અને સિરીયાને ફાઇટર મીગ-૨૧ વિમાનો ભલે આપ્યા, પણ તેમાં એક એવી કડક શરત લાદી કે જે જે આરબ દેશોને મીગ-૨૧ પ્લેન અપાયા હતા તે વિમાનોની સિક્યુરિટી અને મેઇન્ટેનન્સની કામગીરી રશિયનો જ સંભાળશે. એટલે આરબ દેશોમાં મીગ વિમાનના પાયલોટો અને અન્ય સ્ટાફ ભલે આરબ-મુસ્લિમો હોય પણ તેમના પર ચકોર નજર રાખવા માટે ત્યાં રશિયન નિષ્ણાતોની ટીમો તૈનાત કરાઇ હતી.

આટલી જડબેસલાક વ્યવસ્થા વચ્ચેથી મીગ વિમાનને ઉઠાવી ઇઝરાયલના હવાઇ દળને આપવાનું કામ મોસાદના એજન્ટો માટે ભારે પડકારરૂપ કામ હતું.

છતાં મોસાદના વડા મીરે આ પડકાર ઝીલી લીધો.

મોસાદના ખુફિયા એજન્ટોએ આરબ દેશોમાં મીગ વિમાનોના પાઇલોટોને ફોડવાનું શરૂ કર્યું, પણ એ માટેનો સમય હજી પાક્યો નહી હોય, મોસાદના જાસૂસોનું નસીબ હજી બે ડગલા પાછળ હતું.

ઇરાકથી રશિયન લડાકુ વિમાન મીગને ઉઠાવવાના બે પ્લાન ફ્લોપ ગયા તે પછી મોસાદે ઇજીપ્ત તરફ નજર દોડાવી પણ ત્યાંથીય મીગ ઉઠાવી લાવવાના પ્લાન પર પાણી ફરી વળ્યું, ત્યાં સુધી તો ઝાઝો વાંધો નહોતો પણ એથીય આગળ વધીને મોસાદના આ જાસૂસી કાવતરાના ત્રણ વચેટિયાઓ પકડાઇ ગયા અને એ ત્રણેયને ઇજીપ્તમાં ફાંસીએ લટકાવી દેવાયા.

મોસાદ સમક્ષ મીગ-૨૧ પ્લેન લાવી આપવાની માંગણી મુકનાર ઇઝરાયલી હવાઇ દળના મોરટેકલ હોદે આ સમય દરમિયાન નિવૃત્ત પણ થઇ ગયા અને તેમના સ્થાને નવા કમાન્ડર  જનરલ આઝેન વેઇઝમેનની નિમણૂંક કરાઇ.

તેમણે પણ કમાન્ડર જનરલનો હોદો સંભાળતાની સાથે જ મોસાદના વડા મીર સમક્ષ માંગણી મુકી ઃ પ્લીઝ, ગેેટ મી વન મીગ-૨૧.

ત્રણ-ત્રણ પ્લાન ફ્લોપ ગયા પછી પણ હતાશ ન થનાર કે હિંમત નહીં ગુમાવનાર મીરે મીગ ઉઠાંતરી માટે વળી એક નવો પ્લાન ઘડવાની તૈયારી શરૂ કરી, અને તેમાંથી સર્જાઇ મોસાદના જાસૂસોની એક એવી દિલધડક દાસ્તાન કે જે દાયકાઓથી જાસૂસી દુનિયામાં ગજબનાક પ્લાન તરીકે ચર્ચાતી રહેવાની હતી.

મોસાદના  વડાએ એકાદ આરબ દેશમાંથી મીગ-૨૧ ની ઉઠાંતરી કરાવવા માટે એક નક્કર પ્લાન ઘડી કાઢ્યો. અને તેના ભાગરૂપે મોસાદના ચુનંદા એજન્ટોએ ઇરાક અને ઇજીપ્તમાં મીગ-૨૧ ફાઇટર પ્લેનના પાઇલોટો સાથે સારા સંબંધ ધરાવતા કોઇ વચેટિયા માણસને શોધવાનું કામ શરૂ કર્યું.

ઇજીપ્તમાં આવા એક વચેટિયાનો મોસાદના એજન્ટને સંપર્ક થઇ ગયો. મૂળે ઇજીપ્તમાં જન્મેલા જીન થોમસ નામના આ વચેટિયાને મીગ-૨૧ ના પાઇલોટના એક ફ્રેન્ડ સાથે સારો સંપર્ક હતો.

જીન થોમસ સાથે મોસાદના એજન્ટે ગુપ્ત બેઠક યોજીને મીગ-૨૧ ની ઉઠાંતરીનો પ્લાન સમજાવ્યો. જીન થોમસે મીગ-૨૧ ના ઈજીપ્સિયન એરફોર્સના પાઇલોટના ફ્રેન્ડ સાથે વાત કરી અને એ પાઇલોટ ઇજીપ્તથી મીગ-૨૧ ફાઇટર પ્લેન ઉડાડીને સીધો ઇઝરાયલની સરહદમાં ઘુસી જાય તો તેને ૧૦ લાખ ડોલર લાંચ આપવાની ઓફર કરાઇ પણ મોસાદના એજન્ટનો આ પ્લાન ભયંકર રીતે ઊંધો પડી ગયો. ઇજીપ્તના પાઇલોટે આ ઓફર ઠુકરાવી દીધી એટલું જ નહીં તેણે લાંચની ઓફર કરનાર પેલા વચેટિયાનું નામ પણ ખુલ્લું પાડી દીધું.

ઇજીપ્તના લશ્કરી અધિકારીઓએ થોમસ અને તેના સંખ્યાબંધ સાથીઓને પકડી પાડયા. એ તમામ સામે કોર્ટ માર્શલ થઇ અને છેવટે ૧૯૬૨ ના ડિસેમ્બરમાં થોમસ તેમજ તેના બે જોડીદારોને દેશદ્રોહના આરોપસર ફાંસીએ લટકાવી દેવાયા.

ઇજીપ્તમાં ખૂબ જ બૂરી રીતે મીગ-૨૧ ઉઠાંતરીનો પ્લાન ફ્લોપ થતાં મોસાદે ત્યાં નવો પ્લાન ઘડવાનું પડતું મુકીને પછી ઇરાક તરફ નજર દોડાવી. મોસાદના જાસૂસોએ ઇરાકમાં મીગ-૨૧ ના બે પાઇલોટોને ફોડવાનો પ્રયાસ કર્યો, પણ તેમાંય એજન્ટોને નિષ્ફળતા મળી, જો કે મોસાદના જાસૂસોનું સદનશીબ કે અહીં ઇજીપ્ત જેવું ન થયું. અહીં પ્લાન ફલોપ ગયો પણ તેમની દેશદ્રોહી પ્રવૃત્તિ ખુલ્લી ન પડી જેથી કોઇને સજા-એ-મૌત થવાની નોબત ન આવી.

બે-ત્રણ પ્લાન નિષ્ફળ જવાથી ઇઝરાયલના જાસૂસો સ્વાભાવિક રીતે જ રઘવાયા બન્યા હતા. એક પછી એક ત્રણથી ચાર પ્લાન ઘડયા છતાં એકેય પ્લાનમાં ધારી સફળતા મળી નહોતી તેમાં બે વર્ષનો સમય વીતી ચૂક્યો હતો.

પોતાના દેશના હવાઇદળની માંગણી મુજબનું એકેય મીગ-૨૧ ફાઇટર પ્લેન મોસાદ ના જાસૂસો લાવી શક્યા નહીં. હોવાથી તેમનામાં ચિંતા અને અધિરાઇ વધી રહ્યા હતા.

જાસૂસોએ ઇરાકના વધુ એક  પાઇલોટને ફોડવાની પેરવી શરૂ કરી. હવે સમયે જાણે મોસાદની તરફેણમાં કરવટ બદલી હોય તેમ એક ચમત્કાર જેવી ઘટના બની.

મોસાદનો જાસૂસ ઇરાકી હવાઇ દળના એક પાઇલોટનો કોન્ટેક શોધવાની  મથામણ કરતો હતો એ દરમિયાન ઈરાકથી એક યહૂદીનો સામેથી જ ફોન આવ્યો.

આ યહૂદીએ એવી વાત કરી કે મોસાદનો એજન્ટ ખુશીથી ઝુમી ઊઠયો.

ઇરાકમાં જન્મેલા આ યહૂદીએ મોસાદના એજન્ટને મીગ-૨૧ ઉઠાંતરીનું તેનું જાસૂસી મિશન પાર પડે તેવી ખુશીની જે ઓફર મુકી તેની વાત કરતા પહેલાં યહૂદીએ સામેથી આ ઓફર કેમ મૂકી? તેની પાછળની એક નાનકડી વાત જાણવા જેવી છે.

આ યહૂદીનું બાળપણ ઇરાકના ગરીબ કુટુંબમાં વીત્યું હતું. તે દસેક વર્ષનો થયો તે અરસામાં તેના ભાગ્ય આડેનું પાંદડું અચાનક હટી ગયું.

(ક્રમશઃ)

Gujarat