હગીને દશ હજાર પાઉન્ડનો ચેક મોકલ્યો


- મિત્ર એલનના સ્ટુડિઓમાં ભિખારી બનીને ઊભેલા કરોડપતિ બેરોને

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- જેને ભિખારી સમજી હગીએ થોડા પૈસા દાનમાં આપ્યા, એ તો વાસ્તવમાં કરોડપતિ હતો

- ''કરોડપતિ'' ભિખારીએ હગીની લગ્નની સમસ્યા એક મિનિટમાં હલ કરી નાંખી

''આના એક ચિત્રના તને કેટલા મળશે, એલાન?''

''આના મને બે હજાર મળશે.''

'બે હજાર પાઉન્ડસ?'

ના બે હજાર પાઉન્ડ નહીં ૨૦૦૦ ગીની આ ચિત્રની મને મળશે. પેન્ટર, કવિ, અને ડોકટરોને હંમેશા ગીનીમાં જ મળે છે. (એક ગીની એટલે ૧ પાઉન્ડને ૧ શિલિંગ)

મિત્રને ટોણો મારતા હગીએ કહ્યું, ''તમારા આ મોડલને ચિત્રની કિંમતના અમુક ટકા પૈસા વળતર તરીકે મળવા જોઇએ એવું મને લાગે છે. તને  ચિત્ર દોરવાનો જે શ્રમ પડે છે, એટલો જ શ્રમ આ મોડલને પણ પડે છે.''

નોનસન્સ, નોનસન્સ, હગી, તું શું આ નોનસન્સ જેવું બોલે છે. ચિત્ર દોરવું અને આરામથી ઊભા રહેવાનું કામ શું એક સરખા જેવું છે? ચાલ, હવે ખોટા લવારા કરવાનું બંધ કર, હું ચિત્ર દોરવામાં વ્યસ્ત છું. લે, આ સિગરેટ પી, અને શાંતિથી ચૂપચાપ બેસી રહે. 

થોડો વખત હગી ચૂપ બેસી રહ્યો, અને પેન્ટર મિત્ર એલન ભિખારીના તેના ચિત્રને આખરી ઓપ આપવામાં વ્યસ્ત થઇ ગયો.

થોડીવારમાં સ્ટુડિઓનો પટાવાળો અંદર આવ્યો અને ચિત્ર દોરી રહેલા એલનને વિનમ્રતાથી કહ્યું, સર, ફોટો-ફ્રેમવાળા ભાઇ તમને મળવા આવ્યા છે. તમારી સાથે થોડી વાતચીત કરવા માંગે છે એ.

''હગી, જતો ના રહેતો બેસ થોડીવાર. ફોટો-ફ્રેમવાળાને મળીને હું પાછો આવું છું.''

પેન્ટર, સ્ટુડિઓની બહાર ગયો, એ તકનો લાભ લઇ પેલો ભિખારી પ્લેટફોર્મ પર તેની પાછળ મુકેલી લાકડાની નાની બેન્ચ પર બેસી ગયો. સમાજથી તરછોડાયેલા દુઃખી અને દરિદ્ર ભિખારીને જોઇ હગીને ખૂબ દયા આવી ગઇ. ગરીબાઇની સાક્ષાત મૂર્તિ જેવા ભિખારીને થોડા પૈસા આપવાના આશયથી હગીએ પોતાની પાસે કેટલા પૈસા છે, એ જોવા પેન્ટના ખિસ્સા ફંફોસ્યા. પણ હાયરે નશીબ. એના ખિસ્સામાં થોડું પરચુરણ જ પડયું હતું. એ ગરીબ વૃધ્ધ પર તેને ફરી દયા આવી ગઇ.

હગીએ વિચાર્યૂં કે મારા કરતા એ ભિખારીને પૈસાની વધારે જરૂર છે. થોડા દિવસ હું ઘોડાગાડીમાં જવાને બદલે ચાલતો જઇ, કાંઇ વાંધો નહીં, પણ આને હું પૈસા આપું.

આમ વિચારી હગી ઉભો થઇ બેન્ચ પર બેઠેલા પેલા ભિખારી પાસે ગયો, અને તેની પાસે જે કાંઇ થોડું પરચુરણ હતું તે એના હાથમાં મુકી દીધું.

પેલા વૃધ્ધ ભિખારીએ મંદ હાસ્ય સાથે હગી તરફ જોઇ કહ્યું, 'થેન્ક યુ સર,'

થોડી વારમાં તેનો મિત્ર એલન પાછો આવ્યો, એટલે હગીએ ઊભા થઇ જવા માટે તેની રજા લીધી.

એ આખો દિવસ એણે પ્રેમિકા લોરા સાથે વીતાવી પછી તેણે ચાલતા ઘેર જવું પડયું, કારણ ભિખારીને પૈસા આપી દીધા હોવાથી ઘોડાગાડીના ભાડા જેટલા પૈસા પણ તેની પાસે બચ્યા નહોતા.

એ રાત્રે નજીકની એક કલબમાં લટાર મારવા ગયો, જયાં એક ખૂણામાં મિત્ર એલન એકલો બેઠેલો તેની નજરે પડયો.

''અરે, એલન પછી પેલા ભિખારીનું ચિત્ર તે પુરૂં કરી દીધું કે નહીં?''

''પુરૂં કરી દીધું અને તેને ફ્રેમમાં પણ મઢાવી દીધું. બાય ધ વે, હગી પેલો ભિખારી તારા ખૂબ વખાણ કરતો હતો. એટલે મેં તેને તારી બધી વાત કરી દીધી, તું કોણ છે, તું કયાં રહે છે, તારી આવક કેટલી છે, વિગેરે વિગેરે.''

માય ડિયર એલન, એ દરિદ્ર માણસ કેટલો બધો દુઃખી હશે, એ બીચારાને વધુ મદદ કરવાની મારી ઇચ્છા છે, જો એ મારા ઘેર આવે તો મારા ઘણાં જૂના કપડા હું એને આપી દેવાનું વિચારું છું.''

''હું તારી આ ઓફર વિશે એને વાત કરીશ.'' હવે બીજી વાત, તારી લોરા કેમ છે, એ કહે. પેલા વૃધ્ધ ભિખારીને લોરાની વાત જાણવામાં પણ ખૂબ રસ પડયો હતો.

અલા, તેં એ ભિખારીને લોરાની વાત પણ કરી દીધી..?

હાસ્તો વળી, મેં લોરાના બાપ નિવૃત્ત કર્નલની અને લોરા સાથે તારા લગ્ન કરાવવા તેના બાપે દશ હજાર પાઉન્ડની કરેલી માંગણી વિશે પણ તેને વાત કરી છે.

મિત્ર એલન પર હગી ઊકળી ઉઠયો, 'અલ્યા, એ ભિખારીને મારી આ બધી ખાનગી વાત કહેવાની શી જરૂર હતી?

રહસ્ય ખોલતા એલને હગીને કહ્યું, માય ડિયર ફ્રેન્ડ, જેને તું વૃધ્ધ ભિખારી કહે છે એ તો યુરોપનો અત્યંત ધનાઢ્ય વ્યક્તિ છે. એ ધારે તો કાલ સવારે આખું લંડન ખરીદી લે, એટલો પૈસાદાર એ માણસ છે.

અલા, તું આ શું કહે છે? 

હું જે કાંઇ કહું છું એ તદ્દન સાચું છું. મારા સ્ટુડિઓમાં તેં જે વૃધ્ધ ભિખારીને જોયો હતો એ તો બેરોન હાસબર્ગ હતો. એ મારો ખાસ મિત્ર છે અને મારા ઘણાં બધા પેન્ટિંગ ખરીદે છે. તેને ગરીબ ભિખારી તરીકે ચીતરાવાના તેણે ગયા મહિને જ મને એડવાન્સ પૈસા આપ્યા હતા. 

તારા સ્ટુડિઓમાં વૃધ્ધ ભિખારી બનીને ઊભેલો માણસ શું ખરેખર બેરોન હાસબર્ગ હતોં? ઓ બાપરે, મેં તો એને ભિખારી સમજીને થોડું પરચુરણ દાનમાં આપ્યું અને એણે એ લઇ પણ લીધું હતું. એલન તારે પહેલેથી જ મને એ ભિખારી વિશે કહી દેવાની જરૂર હતી, તો મેં એને પરચુરણ આપવાની ભૂલ કરી નહોત.

દુઃખી હૃદયે હગીએ મિત્રની વિદાય લીધી, તે વેળા એલાન તો ખડખડાટ હસતો રહ્યો હતો.

બીજે દિવસે સવારે હગી ઊઠીને બ્રેકફાસ્ટ લઇ રહ્યો હતો એ વેળા સર્વન્ટ એક કાર્ડ લઇ તેની પાસે આવ્યો. કાર્ડ પર નામ લખ્યું હતું. ''ગુસ્તાવ નૌડીન, મેસેન્જર ફ્રોમ બેરોન હાસબર્ગ.''

હગીએ એને તુરંત અંદર લઇ આવવા સર્વન્ટને સૂચના આપી.

સોનેરી ફ્રેમના ચશ્મા પહેરેલો, ભૂખરા વાળવાળો એક વૃધ્ધ માણસ અંદર આવ્યો. તેણે વિનમ્રતાથી હગીને પૂછ્યું, 'શું હું માનનીય હગી સાથે વાત કરી રહ્યો છું.'

હગીએ મસ્તક નમાવી હકારમાં જવાબ આપ્યો.

''મને બેરોન હાસબર્ગે આપની પાસે મોકલ્યો છે. બેરોને..''

પેલો કાંઇ આગળ બોલે તે પહેલાં હગીએ તેને કહ્યું, તમે એમને મારા તરફથી કહેજો કે, હું હૃદયપૂર્વક તેમની ક્ષમા માંગુ છું.

હગીએ બોલવાનું પુરૂં કરતાં, પેલાં વૃધ્ધ આદમીએ વિવેકપૂર્વક સસ્મિત ચહેરે કહ્યું., તમને એક પત્ર હાથોહાથ આપવા માટે બેરોને મને અહીં આપની પાસે મોકલ્યો છે.

આટલું કહીને વૃધ્ધ મેસેન્જરે હગીના હાથમાં એક બંધ કવર મુક્યું.

હગીએ કવર ઉપરનું લખાણ વાંચ્યુ ઃ એક વૃધ્ધ ભિખારી તરફથી હગી એર સ્કીન અને લોરા મેર્ટોનને લગ્નની ભેટ.

હગીએ કવર ખોલ્યું તો અંદરથી તેના નામનો દશ હજાર પાઉન્ડનો ચેક નીકળ્યો.!

હગી અને લોરાના લગ્નમાં મિત્ર એલન, તેનો અણવર બન્યો હતો અને કરોડપતિ બેરોન હારાબર્ગે લગ્ન વખતે ટૂંકી સ્પીચ આપી હતી.

એલને તે વેળા ટકોર કરી કે, ''મિલિયોનર મોડલ'' તો કવચિત જ હોય છે, પણ ''મોડલ મિલિયોનર'' તો ભાગ્યે જ મળે છે.

City News

Sports

RECENT NEWS