mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કોકુરા શહેર પર એટમબોમ્બ ફેંકવાની વ્યૂહરચના

Updated: Jun 5th, 2024

કોકુરા શહેર પર એટમબોમ્બ ફેંકવાની વ્યૂહરચના 1 - image


- હિરોશીમા પર પહેલો અણુબોમ્બ ઝીંકાયો, તેની જાપાનને કળ વળે તે પહેલાં જ ઝડપથી

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- પહેલા પછી વહેલી તકે બીજો અણુબોમ્બ ફેંકી જાપાનને ગભરાવી મુકવાની અમેરિકી ચાલ

- કોકુરા પર અણુબોમ્બ ફેંકવા જતા બોમ્બર પ્લેનને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ

(વાચકોની જાણ માટે, અમેરિકાએ એટમબોમ્બ બનાવવા માટેનો જે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, તેનું ''મેનહટ્ટન પ્રોજેક્ટ'' નામ અપાયું હતું. આ પ્રોજેક્ટ હેઠળ એટમબોમ્બ બનાવવા માટે નામાંકિત ફિઝિસિસ્ટ જે રોબર્ટ ઓપનહાઈમરની રાહબરી હેઠળ અગ્રણી વૈજ્ઞાનિકોની ટીમની રચના કરાઇ હતી અને પ્રોજેક્ટના ડાયરેક્ટર તરીકે અમેરિકી લશ્કરના લેફટેનન્ટ જનરલ લેસ્લી ગ્રોવ્સની વરણી કરાઇ હતી.)

જાપાન પર વહેલામાં વહેલી તકે બીજો એટમબોમ્બ ફેંકાઇ જાય તે માટે લેસ્લી ગ્રોવ્સની પણ પુરેપુરી સંમતિ હતી એટલું જ નહીં પણ લેસ્લી ગ્રોવ્સે એટમબોમ્બ ઝીંકવાની તારીખ બે દિવસ વહેલી કરી દીધી હતી.

બીજો એટમબોમ્બ વાસ્તવમાં તારીખ ૧૧ ઓગસ્ટે નાંખવાનું વિચારાયું હતું પણ હવામાન ખાતાએ નવમી ઓગસ્ટથી હવામાન સારૃં હોવાની અને આકાશ વાદળ રહિત ચોખ્ખું હોવાની આગાહી કરતા લેફ. જનરલ ગ્રોવ્સે મોકાનો ફાયદો ઉઠાવી બીજો બોમ્બ ૧૧મી ઓગસ્ટના બદલે બે દિવસ વહેલા એટલે કે નવમી ઓગસ્ટે નાંખવાનો ઓર્ડર કર્યો હતો.

જનરલ ગ્રોવ્સ માટે સારા હવામાનની અર્થાત વાદળ રહિત ચોખ્ખા આકાશની આગાહીનું સૌથી વધારે મહત્વ હતું. પહેલા અણુબોમ્બથી હિરોસીમા શહેરની જે ખાનાખરાબી થઇ ગઇ, તે વિનાશક ઘટનાનો જાપાન વળતો કેવો અને ક્યારે જવાબ આપશે કે નહીં આપે? એ પ્રશ્ન જનરલ માટે સ્હેજેય મહત્વનો નહોતો.

આઠમી ઓગષ્ટની સાંજે જ જનરલ ગ્રોવ્સે કોકુરા શહેર પર બોમ્બ ઝીંકવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવાના આદેશ આપી દીધા હતા.

જાપાનના એક શહેર હિરોસીમા પર તા.૬ઠ્ઠી ઓગષ્ટ, ૧૯૪૫ની સવારે પહેલો એટમબોમ્બ નાંખ્યા પછી, વધુ સમય ગુમાવ્યા વિના બીજા શહેર પર બીજો એટમબોમ્બ ફેંકવાનો ખુદ જનરલ ગ્રોવ્સનો આઇડિયા હતો, આની પાછળ આર્મી જનરલની ગણતરી ઊંચી (!) હતી.

જનરલની ખતરનાક વ્યૂહરચના એવી હતી કે પહેલો એટમબોમ્બ છઠ્ઠી ઓગષ્ટે નંખાયો, હવે બીજો એટમબોમ્બ ઝડપથી નાંખી દેવાય તો પહેલા બોમ્બની વિનાશકારી તબાહીથી જાપાનમાં જે ભારે ખળભળાટ મચી ગયો હતો અને બે-ત્રણ મિનિટમાં જ હજારો હિરોસીમાવાસીઓના લેવાયેલા ભોગથી આખા જાપાનમાં જે ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું, તેમાંથી જાપાનને કળ વળે તે પહેલાં જ બીજો એટમબોમ્બ બીજા શહેર પર ઝીંકી દેવો જોઇએ.

બીજો બોમ્બ ઝડપથી ફેંકવા પાછળનું ''બોમ્બ એસેમ્બલિ ટીમ''નું બીજું લોજિક એ હતું કે પહેલો બોમ્બ  નાંખ્યાના ત્રણેક દિવસમાં જ બીજો એટમબોમ્બ ફેંકીએ તો જાપાનીઓમાં એવી બીક પેસી જાય કે અમેરિકનો પાસે મોટી સંખ્યામાં એટમબોમ્બ હશે. વાસ્તવિકતા એ હતી કે અમેરિકા પાસે એ વખતે માત્ર બે જ એટમબોમ્બ હતા, એક હિરોસીમા પર નાંખી દીધા પછી હવે અમેરિકન લશ્કર પાસે બીજો માત્ર એક જ અણુબોમ્બ બચ્યો હતો, પણ ઉપરાછાપરી બે બોમ્બ નાંખવાથી સ્વાભાવિકરીતે જ ખૂબ ગભરાઇને જાપાનીઓ એવું માનતા થઇ જાય કે અમેરિકન લશ્કર પાસે બહું બધા એટમબોમ્બ હશે...(માટે, હવે આપણે વહેલી તકે બિનશરતી શરણાગતિ સ્વીકારી લેવી પડશે, નહીં તો અમેરિકન એરફોર્સવાળા આપણા બીજા શહેરો પર પણ એટમબોમ્બ ફેંકશે, તો આપણા લોકોની જાનહાનિનો આંકડો મોટો થઈ જશે.)

મેજર જનરલ ગ્રોવ્સ કોકુરા શહેર પર એટમબોમ્બ ફેંકવાના મતના હતા. કોકુરામાં જાપાનનો સૌથી મોટો શસ્ત્રભંડાર હતો, અને વર્ષ ૧૯૪૫માં કોકુરા શહેરની વસ્તી ૧,૬૮,૦૦૦ની હતી.

બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં કોકુરા શહેરમાં શસ્ત્ર સરંજામ ઉત્પાદનની ફેક્ટરી પણ હતી. આયર્ન અને સ્ટીલ ઉત્પાદન માટેના ઔદ્યોગિક એકમો પણ કોકુરામાં હોવાથી કોકુરા પ્રાયમરિ હીટ લિસ્ટમાં અગ્રસ્થાને મુકાયું હતું.

ત્રણેક મહિના અગાઉ એટલે કે ૧૯૪૫ના મે મહિનામાં મળેલી ટાર્ગેટ કમિટિએ પ્રાઇમરિ લિસ્ટમાં કોકુરા શહેરનું નામ લખ્યું હતું. 

કોકુરામાં જાપાનનો વિશાળ શસ્ત્રભંડાર હોવાથી એ શહેર પર એટમબોમ્બ ફેંકીને જાપાની લશ્કર માટે જરૂરી એવા સેંકડો શસ્ત્રોનો નાશ કરી દેવાનો અમેરિકી ટાર્ગેટ કમિટિનો ઇરાદો હતો.

જે શહેરો ટાર્ગેટ લિસ્ટમાં હતા તેમાં પહેલું નામ કોકુરાનું અને બીજું, ત્રીજું નામ અનુક્રમે નાગાસાકી અને નિગારા શહેરનું હતું.

નવમી ઓગષ્ટે વહેલી સવારે બોમ્બર પ્લેનના પાયલોટ, કો-પાયલોટ, ફલાઇટ એન્જિનિયર, ગનર્સ વિગેરે સ્ટાફને એરફોર્સના પાદરી પ્રેયર માટે લઇ ગયા. પ્રેયર પછી ગરમાગરમ નાસ્તા બાદ પ્લુટોનિયમ બોમ્બના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડર ફ્રેડરિક એશવર્થ, કે જેઓ આ મિશનના હેડ હતા, તેમની રાહબરી હેઠળ બોમ્બર પ્લેનના સ્ટાફના બધા સભ્યો પ્લેનમાં બેઠા...

હિરોસીમા પર જે એટમબોમ્બ ફેંકાયો તેનું 'Code Name', સાંકેતિક  નામ Little Boy, લિટલ બોય હતું. કોકુરા પર ફેંકવા માટેના એટમબોમ્બનું સાંકેતિક નામ 'Fat Boy' ફેટ બોય અપાયું હતું.

જેમાં એટમબોમ્બ મુકાયો હતો, એ બોમ્બર પ્લેનની આગળ બે પ્લેન રવાના કરાયા - (૧) રિકોનિસન્સ પ્લેન અને (૨) ઓબ્ઝર્વેશન પ્લેન.  બોમ્બર પ્લેનની આગળ જઇ રિકોનિસન્સ પ્લેન દુશ્મન દેશ એટલે કે આ કિસ્સામાં જાપાનના પ્રદેશ પર ઉડ્ડયન કરી શત્રુ દેશના હવાઇ દળ અને લશ્કરી દળનો સર્વે કરી, સહીસલામત રીતે આગળ વધી શકાય તેમ છે કે નહીં, તેની વિગતવાર માહિતી બોમ્બર પ્લેનના પાયલોટને આપે છે, અને આ બધી માહિતી મળ્યા પછી જ બોમ્બર પ્લેન દુશ્મનની હકુમતવાળા આકાશમાં પ્રવેશ કરે છે. 

ઓબ્ઝર્વેશન પ્લેન જે પ્રદેશમાં અણુબોમ્બ ફેંકવાનો હોય તે પ્રદેશના હવામાનની માહિતી બોમ્બર પ્લેનને મોકલે છે. કારણ કે જે શહેર પર અણુબોમ્બ ફેંકવાનો હોય ત્યાંનું વાતાવરણ ધુંધળું કે અત્યંત વાદળછાયું કે ધુમ્મસવાળું હોય તો બોમ્બર પ્લેનના પાયલોટને ટાર્ગેટ શહેરનું લોકેશન બરાબર ન દેખાય તો બોમ્બ ટાર્ગેટ પર ફેંકી શકાતો નથી.

બીજો એટમબોમ્બ જે બોમ્બર પ્લેનમાં મુકાયો હતો, તે પ્લેનનું નામ 'Bockscar' (બોકસ્કાર) રખાયું હતું. બોકસ્કાર પ્લેનના ઉડાન અગાઉ પાયલોટ ચાર્લ્સ સ્વીનીએ બધા સ્ટાફ મેમ્બરને પ્લેન આગળ એકઠા કર્યા અને કહ્યું, છેલ્લા એક વર્ષથી આપણે આ ઘડી, આ પળ માટે કાર્ય કરી રહ્યા હતા, એ ઘડી હવે આવી પહોંચી છે. 

(ક્રમશઃ)

Gujarat