For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અન્ય જ્ઞાનની તુલનામાં આત્મજ્ઞાન સૌથી ઉચ્ચ પ્રકારનું જ્ઞાન છે

Updated: Jan 4th, 2023

Article Content Image

- ઈન્ફોસિસના સ્થાપક અને સાદગીના હિમાયતી નારાયણ મૂર્તિના મતે

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- જીવનમાં પ્રગતિ માટે 'ગ્રોથ માઈન્ડ સેટ'ની મનોવૃત્તિ કેળવવા યુવાનોને શિખામણ

- મોટી વાતો કરીને ઊતરતું આપવા કરતાં ઓછું બોલીને વધુ સારૂં પરિણામ આપો

જીવનના અનુભવોમાંથી બીજી શીખવા જેવી વાત આપણા જીવનમાં બનતી કેટલીક અણધારી કે અચાનક બનતી ઘટનાઓના મહત્વ વિશેની છે. આવી ઘટનાઓ ક્યારેક  કેટલી બધી શક્તિશાળી હોય છે તે પણ સમજવા જેવી વાત છે.

અકસ્મિક ઘટનાઓ સામે તમે કેવો અને કઇરીતનો પ્રતિભાવ આપો છો, તે વાત તમારા જીવનમાં ઘણી નિર્ણાયક પુરવાર થઇ જાય છે. કેટલાકના જીવનમાં નવો અને પ્રગતિશીલ વળાંક પણ સાવ અચાનક જ આવી જાય છે. ટૂંકમાં તમારા જીવનમાં અણધારી બનતી ઘટના તરફનો તમારો પ્રતિભાવ મહત્વનો બની રહે છે.

ત્રીજી વાત તમારા માનસિક વલણની છે. તમે કેવી માનસિકતા સાથે તમારૂં કાર્ય હાથ પર લો છો, એ પણ જીવનમાં ઘણું અગત્યનું પાસું છે. સાયકોલોજિસ્ટ કારોલ વેકના તાજેતરના સંશોધનમાં એવો નિષ્કર્ષ આવ્યો છે કે તમે તમારી પોતાની કાર્યક્ષમતા જન્મજાત છે એવું માનો છો? કે તમે તમારી કાર્યક્ષમતા 'ડેવલપ' કરી શકો છો, એવું માનો છો ?આ બેમાંથી તમે કઇ માન્યતા ધરાવો છો તે બહુ મહત્વનું બની રહે છે. સાદી ભાષામાં કહીએ તો, પહેલી જે માન્યતા છે, તે ''ફિક્સ માઇન્ડસેટ'' ની છે. આ પ્રકારની માનસિકતા તમને પડકારોનો સામનો કરતા અટકાવશે, વળી આ પ્રકારની મનોવૃત્તિ તમને ઉપયોગી નકારાત્મક ફિડબેક તરફ આંખ આડા કાન કરવાનું કે આવા ફિડબેક અવગણવા તરફ દોરી જશે.

આ પ્રકારની માનસિકતાવાળા લોકો તેમની જે ક્ષમતા છે, તેનો સો ટકા ઉપયોગ કરી શકતા નથી. અર્થાત તેમની જે આંતરિક તાકાત છે, તે મુજબની સિધ્ધિ તેઓ પ્રાપ્ત કરી શકતા નથી, (આ એવા પ્રકારના લોકો છે જે મૂળભૂત રીતે એવું માનતા હોય છે કે ભગવાને દરેકને જન્મજાત જેટલી ક્ષમતા આપી છે તેમાં કોઇ વધારો-ઘટાડો કરી શકાતો નથી, માટે બહુ માથાકૂટ કે વધારે પડતી મથામણ અથવા મહેનત કરવાની જરૂર નથી.)

જે લોકોની બીજા પ્રકારની માનસિકતા છે, એ 'ગ્રોથ માઇન્ડસેટ' છે. આ મનોવૃત્તિ ધરાવતા લોકો પડકારોનો હસતા મોઢે સામનો કરે છે. તેમના ટીકીકારોની ટીકામાંથી તેઓ બે વાત શીખે છે, ટીકા પાછળનો મર્મ સમજી જાય છે અને આવા લોકો જ ઉચ્ચ પ્રકારની સિધ્ધિ હાંસલ કરતા રહે છે.

ચોથી જે વાત છે એ ભારતીય આધ્યાત્મિક પરંપરાની આધારશિલા છે : સ્વજ્ઞાન અથવા આત્મજ્ઞાન, એવું કહેવાય છે કે આત્મજ્ઞાન એટલે કે સ્વ. વિશેનું જ્ઞાન  એ સૌથી ઉચ્ચ પ્રકારનું જ્ઞાન છે.

હું માનું છું કે સ્વ. વિશેની આ અધિક  માત્રાની સભાનતા કે જાગૃતિ અને આત્મજ્ઞાન વ્યક્તિને પોતાનામાં આત્મ શ્રધ્ધા જગાવે છે, વ્યક્તિમાં હિંમત અને દ્રઢનિર્ધાર ઉપરાંત વિનમ્રતા વિકસાવે છે.

મારા જીવનના અનુભવોના આધારે હું એટલું જરૂર કહીશ કે જીવનના અનુભવોમાંથી શીખવાની મારી ધગશ, 'ગ્રોથ માઇન્ડ સેટ', જીવનની અણધારી ઘટનાઓની તાકાત, અને સ્વ-જાગૃતિ કે સ્વ. વિશ્લેષણે જ મને આજની સિધ્ધિ સુધી લઇ જવામાં સહાય કરી છે.

ઇન્ફોસિસ, એ નારાયણ મૂર્તિનું પહેલું સાહસ નહોતું. તે અગાઉ તેમણે સોફ્ટ્રોનિક્સ (softronics) નામની કંપની શરૂ કરી હતી પરંતુ દોઢ વર્ષના તનતોડ પરિશ્રમ પછી પણ આ કંપની નહીં ચાલતા તેઓ પૂણેની પટની કમ્પ્યૂટર્સ નામની સોફ્ટવેર કંપનીમાં માસિક રૂા.૧૦૦૦ ના પગારે નોકરીમાં જોડાયા હતા.

નારાયણ મૂર્તિએ તેમના ધર્મપત્ની સુધા મૂર્તિ પાસેથી ઇન્ફોસિસની સ્થાપના કરવા પ્રારંભે રૂા.૧૦,૦૦૦ ઉછીના લીધા હતા.

બ્રિટનના હાલના વડાપ્રધાન ઋષિ સુનક નારાયણ મૂર્તિના જમાઇ છે.

નારાયણ મૂર્તિનું જીવન અત્યંત સાદગીપૂર્ણ છે. તેઓ ભભકાદાર કે ઝાકઝમાળથી સદાય વેગળા રહે છે. વર્ષ ૨૦૦૦ માં કેન્દ્ર સરકારે પદ્મશ્રીથી અને તે પછી વર્ષ ૨૦૦૮ માં પદ્મવિભૂષણથી તેમને સન્માનિત કર્યા હતા.

ઇન્ફોસિસના ભઈર્ં તરીકે નારાયણ મૂર્તિ વર્ષ ૧૯૮૧ થી ૨૦૦૨, ૨૧ વર્ષ સુધી કાર્યરત રહ્યા હતા. તે પછી ઇન્ફોસિસના સહસ્થાપક  નંદન નિલેકાનીએ તેમના સ્થાને ઇન્ફોસિસનું સુકાન સંભાળ્યું હતું.

વર્ષ ૨૦૦૬ માં નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસમાંથી નિવૃત્તિ જાહેર કરી તે વખતે કંપનીની રેવન્યૂ ૩ બિલિયન ડોલર હતી. ૧૯૮૧ માં નારાયણ મૂર્તિએ ધર્મપત્ની સુધા મૂર્તિ પાસેથી રૂા.૧૦,૦૦૦ લઇને શરૂ કરેલી કંપની વર્ષ ૨૦૦૬ માં ૩ બિલિયન ડોલર રેવન્યૂવાળી કંપની બની ગઇ હતી.

નારાયણ મૂર્તિની વર્ષ ૨૦૧૯ ની બાંગ્લાદેશના પાટનગર ઢાકાની સ્પીચ પણ અત્યંત પ્રભાવક અને ઉત્સાહવર્ધક હતી.

એ વક્તવ્યમાં નારાયણ મૂર્તિએ ભારપૂર્વક કહ્યું હતું કે આપણે એક અસાધારણ યુગમાં જીવી રહ્યા છીએ. આ અગાઉના સમયમાં ક્યારેય આજના જેવી કટ્ટર સ્પર્ધા, આજના જેવી મોટી તકો કે આજના જેવા ભયંકર પડકારો આપણી સામે નહોતા. આ બધુ એક નોંધપાત્ર ઘટનાના લીધે છે. - ગ્લોબલાઇઝેશન

નારાયણ મૂર્તિએ એક સવાલ રજૂ કર્યો કે What is Globalization? અને પોતે જ એનો સૌથી સ્પષ્ટ અને સરળ જવાબ આપતા કહ્યું કે મારા મતે ગ્લોબલાઇઝેશન એટલે દેશની સરહદોની મર્યાદા કે અવરોધ વગર જ્યાંથી પણ મળે ત્યાંથી સસ્તી મૂડી (કેપિટલ) મેળવવી, જ્યાંથી શ્રેષ્ઠ ટેલન્ટ મળે ત્યાંથી એ મેળવવી, જયાં સૌથી સસ્તુ ઉત્પાદન થાય ત્યાં ઉત્પાદન કરવું અને જયાં સૌથી વધુ નફો મળે ત્યાં ઉત્પાદન વેચવું.

છેલ્લા ૨૦૦ વર્ષમાં વિકાસશીલ દેશોને આગળ આવવામાં આજના જેવી તક ક્યારેય મળી નથી, અને આ સોનેરી તક ગ્લોબલાઇઝેશનને આભારી છે.

નારાયણ મૂર્તિનું એક ક્વોટેશન અત્યંત ચોટદાર છે. -''મોટી મોટી વાતો કરીને પછી એનાથી ઓછું કે ઊતરતું આપવા કરતા ઓછી વાત કરીને વધારે સારૂં પરિણામ આપવું એ બહેતર છે.'' તેમનું બીજું એક કથન પણ અસરકારક છે ઃ તમે તમારા ટાઇટલ કે હોદ્દાથી સ્ટાર નથી બનતા, પણ તમે તમારી કંપનીમાં ''સ્ટાર વેલ્યૂ'' ઉમેરવાના કારણે સ્ટાર બની શકો છો.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ થોમસ જેફરસનના જીવનમાંથી નારાયણ મૂર્તિને ઘણી પ્રેરણા પ્રાપ્ત થઇ છે.

નારાયણ મૂર્તિનું કહેવું છે કે, આજે આપણને જે અશક્ય લાગે છે, એ માનવીના બ્રેઇનના કારણે આવતીકાલે હાંસલ થઇ શકે તેવી સંભાવના બની જશે. 

(સંપૂર્ણ)

Gujarat