For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓપરેટરે એન્જિનિયરની ચેતવણી હળવાશથી લીધી

Updated: Jan 3rd, 2024

Article Content Image

- ચેર્નોબિલના રિએક્ટર-1માં કોઈક ક્ષતિનો એન્જિનિયરને અણસાર આવી ગયો, પણ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- રિએક્ટર-1માંથી રેડિએશન 14 કિ.મી. સુધીના વિસ્તારમાં ફેલાઈ ગયું હતું

- સોવિયેત યુનિયનની સરકારે આ દુર્ઘટનાની માહિતી પણ દબાવી દીધી હતી

ઓફિસમાં બેઠા બેઠા તેણે જોયું તો વેન્ટ સ્ટેકના ટોપમાંથી વરાળ નીકળી રહી હતી. તેને તુરત ખ્યાલ આવી ગયો કે જરૂર ક્યાંક કશી ગરબડ છે. રિએકટરની અંદરની પાઇપ કદાચ તૂટી ગઇ હોવી જોઇએ અને એટલે જ વાયુસ્વરૂપે રેડિએશન બહાર આવી રહ્યું છે.

નિકોલાઇ હાલમાં તો યુનિટ-૩ અને યુનિટ-૪ ના ટર્બાઇન ડિપાર્ટમેન્ટનો હેડ હતો. યુનિટ-૧ અને ૨ સાથે તેને પ્રત્યક્ષ રીતે કોઇ નિસ્બત નહોતી અને તેમાં કશી સમસ્યા ઊભી થાય તો તેના માટે નિકોલાઇની કોઇ જવાબદારી પણ બનતી નહોતી. પરંતુ તે એક નિષ્ઠાવાન કર્મચારી હતો; એટલે યુનિટ-૧ અને ૨ માટેની વેન્ટ સ્ટેકમાં કશી ગરબડ સર્જાઇ હોવાનો તેને અણસાર આવી જતાં તેણે તુરત ફોન ઉપાડયો. પણ યુનિટ-૧ના કન્ટ્રોલરૂમના ઓપરેટરને જેવો ફોન લાગ્યો કે તુરત ઓપરેટરે નિકોલાઇની વોર્નિંગ હળવાશથી લઇ ફોન મુકી દીધો. નિકોલાઇએ ફરી ફોન લગાડયો. યુનિટ-૧ના કન્ટ્રોલ રૂમનો ઓપરેટર કંટાળ્યો. નિકોલાઇ ફરીવાર ફોન ના કરે એટલે તેણે ફોનનું રિસિવર જ બાજુ પર મુકી દીધું..!

નિકોલાઇ ઓપરેટરને એવી સૂચના આપવા માંગતો હતો કે રિએકટર-૧માં કશીક ગરબડ છે માટે તું સત્વરે રિએકટર શટ ડાઉન કરી દે. પણ બેદરકાર ઓપરેટરે ફોનનું રિસિવર જ બાજુએ મુકી દીધું; કે જેથી નિકોલાઇ તેને સૂચના જ ન આપી શક્યો.

નિકોલાઇએ તેના સ્ટાફને બોલાવી લીધો અને ઇમરજન્સિ કોલની રાહ જોઇ બધા ઓફિસમાં બેસી રહ્યા.

પણ કોઇ કોલ ન આવ્યો. લગભગ છ કલાક પછી મધરાતે તેમની ફરજનો સમય પુરો થયો ત્યાં સુધી કોલની રાહ જોઇ કંટાળ્યા બાદ નિકોલાઇ અને તેમનો સ્ટાફ સૌ સૌની કારમાં ઘરે જવા નીકળી ગયા...

બીજે દિવસે સવારે નિકોલાઇ ઓફિસમાં આવ્યો ત્યારે તેને સાંભળવા મળ્યું કે યુનિટ-૧માં ગઇકાલે પ્રોબ્લેમ ઊભો થયો હતો પણ નિકોલાઇ આટલો સિનિયર હોવા છતાં તેમજ આ ક્ષેત્રનો તેને બહોળો અનુભવ હતો છતાં કોઇ વધુ માહિતી/જાણકારી તેને ન અપાઇ..!

અણુ ઊર્જા પ્લાન્ટના ડાયરેકટર વિકટર બુ્રખાનોવ અને પ્લાન્ટના ચીફ એન્જિનિયર નિકોલાઇ ફોમિને સતત એવી જ વાત ચલાવી કે ગઇકાલે યુનિટ-૧માં જે કાંઇ તકલીફ ઊભી થઇ તે દૂર કરી દેવાઇ છે. પણ તે દરમિયાન કોઇ રેડિએશન (કિરણોત્સર્ગ) ફેલાયું નથી.

રિએકટર-૧માં ગઇરાત્રે જે કોઇ તકલીફ ઊભી થઇ કે જે કોઇ નાની દુર્ઘટના સર્જાઇ તેની વાત બહાર ન ફેલાય; આ ઘટના વિશે મીઠું-મરચું ભભરાવીને અફવાઓ ન ફેલાય, કે કોઇ તત્વો ખોટી ઉશ્કેરણીજનક વાતો અણુ ઊર્જા પ્લાન્ટમાં કે પ્લાન્ટ બહાર ન ફેલાવે તે માટે KGB ના સ્થાનિક અફસરો અને એજન્ટોએ કડક વ્યવસ્થા ગોઠવી દીધી હતી.

વાંચકોની જાણ માટે KGB સોવિયેત યુનિયનની ખુંખાર જાસૂસી સંસ્થા છે. જેના એજન્ટો સર્વત્ર ફરીને શાસકો વિરૂધ્ધની વાતો કરનારાને પકડી લેતા હોય છે. સામ્યવાદી દેશમાં આવા એજન્ટોની ધાક એટલી બધી હોય છે કે લોકો ઘરમાં પણ સરકાર વિરૂધ્ધની કોઇ વાત કરતા ફફડતા હોય છે. રિએકટર-૧ ના પ્રોબ્લેમની વાત એટલે જ કડકાઇથી દબાવી દેવાઇ હતી અને એટલે જ નિકોલાઇ જેવા ટર્બાઇન ડિપાર્ટમેન્ટના હેડ કે જેમણે પોતે વેન્ટ સ્ટેકમાંથી વરાળ નીકળતી જોઇ હતી અને જેમને પ્લાન્ટમાં કશીક ગરબડની સૌ પહેલી આશંકા ગઇ હતી, એવા અનુભવી અને સિનિયર અધિકારીને પણ આ દુર્ઘટનાની બીજી કોઇ વિગતો જાણવા મળી નહોતી.

વાસ્તવમાં હકીકત એ હતી કે રિએકટર-૧માં લિકેજના કારણે રેડિએશન માત્ર ચેર્નોબિલ અણુ પ્લાન્ટ નજીકના પ્રિપીઆટ નગર સુધી જ નહીં, પણ ૧૪ કિલોમીટર આગળના વિસ્તાર સુધી ફેલાઇ ગયું હતું. 

રિએકટર-૧માં થોડું નુકસાન થયું હોવાથી આયોડિન-૧૩૧, યુરેનિયમ ડાયોકસાઇડ તેમજ ઝીન્ક-૬૫, ઝારકોનિયમ-નિઓબિયલમ-૯૫ જેવા રેડિઓએક્ટિવ મટિરિયલ પ્લાન્ટથી દૂર સુધીના વિસ્તાર સુધી ફેલાઇ ગયા હતા.

પ્લાન્ટથી પાંચ કિલોમીટર દૂરના ચિસ્ટોગાલોવ્કા નામના ગામમાં રેડિએશનનું લેવલ સામાન્યરીતે હોવું જોઇએ તેના કરતાં ત્રણસો-ચારસો ગણું વધારે થઇ ગયું હતું.

પરંતુ રશિયન સત્તાધિશોએ આ વાતને રદિયો આપી દીધો હતો.પ્લાન્ટની આસપાસના નજીકના વિસ્તારોમાં જ્યાં રેડિએશન ફેલાયું હતું તેટલા પાસ પાસેના વિસ્તારોમાં પાણીનો ભારે છંટકાવ કરીને અમુક સ્થળોએ માટી તેમજ લીલા-સૂકા પાંદડા પાથરી દેવાયા હતા. નજીકના પ્રિપીઆટ નગરમાં ફરીને ટ્રકો દ્વારા ''ફોમ''નો છંટકાવ કરાયો હતો. નગરના અમુક વિસ્તારના રસ્તાઓ પર ડામ્મરનું નવું લેયર પાથરી દેવાયું હતું.

પ્લાન્ટમાં કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે યુનિટ-૧ નું અંશત ''મેલ્ટ ડાઉન'' થયું હતું. 

કોઇપણ અણુ ઊર્જા પ્લાન્ટમાં ''મેલ્ટ ડાઉન'' એટલે અણુ રિએકટરના આંતરિક હિસ્સામાં થયેલી ગંભીર પ્રકારની દુર્ઘટના.

અણુ ઊર્જા મથકમાં રેડિઓ એકિટવ મટિરિયલ્સમાં કન્ટ્રોલ હેઠળ ચેઇન રિએકશન (Chain reaction) ચાલે છે, જેના પગલે વીજળીનું ઉત્પાદન થાય છે. પણ અણુ ઊર્જા પ્લાન્ટમાં કોઇ ક્ષતિ કે કોઇક ખામીના કારણે આ ચેઇન રિએકશન ''કન્ટ્રોલ'' ના બદલે ''અન કન્ટ્રોલ્ડ'' થઇ જાય તો પ્લાન્ટમાં મેલ્ટ ડાઉન શરૂ થઇ જાય છે. પ્લાન્ટનું ટેમ્પરેચર અસાધારણરીતે બહુ વધી જાય છે; અને જો આ ક્ષતિને સત્વરે સુધારવામાં ન આવે તો પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાયા વિના ન રહે..

આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી પણ રિએકટર-૧નું સમારકામ કરી તેને ફરી ચાલુ કરવામાં ખાસ્સા આઠ મહિના જેટલો લાંબો સમય ગયો હતો.

આ બનાવ પછી પ્લાન્ટના ચીફ એન્જિનિયરને ડિગ્રેડ કરી દઇ તેને બલ્ગેરિયામાં બીજી જગ્યાએ મુકી દેવામાં આવ્યા હતા. પ્લાન્ટમાં થયેલા આ હાદસાને ''ટોપ સિક્રેટ'' ની કેટેગરિમાં મુકવા ઉપરાંત સદર ઘટના સાથે સીધી કે આડકતરીરીતે સંકળાયેલો સ્ટાફ અન્ય કોઇને આ વિશેની સ્હેજ સરખી વાત નહીં કરે એવા સોગંદનામા પર KGB ના અફસરોએ સહી કરવાની સ્ટાફના દરેકને ફરજ પાડી હતી.

ટર્બાઇન ડિપાર્ટમેન્ટના હેડ નિકોલાઇ સ્ટેનબર્ગ, જેને ટૂંક સમયમાં સર્જાનાર દુર્ઘટનાનો પહેલ વહેલો અણસાર આવ્યો હતો, તેને આ ઘટનાની પુરેપુરી વિગતો વર્ષો પછી જાણવા મળી હતી. નિકોલાઇના ફોનની વાત ઓપરેટરે બરાબર સાંભળી અન્ય સિનિયરોને વાતથી વાકેફ કરીને સત્વરે પગલાં લીધા હોત તો યુનિટ-૧ને આટલું મોટું નૂકસાન થયું ન હોત અને  ૧૪-૧૪ કિલોમીટર સુધી રેડિએશન ફેલાયું ન હોત.

(ક્રમશઃ)

Gujarat