શેવિંગ કર્યા વિના પણ સ્ત્રીઓ સહેલાઈથી દૂર કરી શકે દાઢીના વાળ

માનુનીની દાઢી પર ઉગી આવતા સાવ પાંખા કે નજીવા વાળ પણ તેના સૌંદર્યના શત્રુ બની જાય છે. કોઈપણ મહિલા માટે દાઢી પરના વાળ શરમ-સંકોચનું કારણ હોવાના. સ્વાભાવિક રીતે જ તે યેનકેન પ્રકારેણ આ વાળ કાઢવાના પ્રયાસ કરે. પણ કેટલીક પામેલાઓની ત્વચા અત્યંત સંવેદનશીલ હોવાથી દાઢીના વાળ કાઢવા જતાં ચામડી છોલાઈ જાય કે ત્વચાને અન્ય પ્રકારનું નુકસાન પહોંચે એવું બને. આવી સ્થિતિમાં એવું શું કરી શકાય કે વાળ દૂર કરવા જતાં ત્વચાને હાનિ પહોંચવાને બદલે તે ઝળકી ઉઠે? આના જવાબમાં ત્વચા નિષ્ણાતો કહે છે..,
હળદરની પેસ્ટ :
એક ચમચી દળેલી હળદર અને એક ચપટી લોટ મિક્સ કરી તેમાં દૂધ અથવા પાણી નાખીને ઘટ્ટ (ચહેરા પર લગાવી શકાય એવી) પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણ દાઢી પર લગાવીને ૧૫ થી ૨૦ મિનિટ સુધી રહેવા દો. સામાન્ય રીતે આ પેસ્ટ ૧૫ થી ૨૦ મિનિટમાં દાઢી પર સુકાઈ જશે. તે એકદમ સુકાઈ જાય ત્યાર પછી તે હળવા હાથે, ગોળાકારમાં દાઢી પર ઘસો.
હળદરમાં રહેલા દાહ-વિરોધી અને બેક્ટેરિયા-વિરોધી ગુણો ત્વચાને કોઈ પ્રકારની હાનિ નહીં પહોંચાડે. અને અવારનવાર આ પ્રયોગ કરવાથી દાઢીના વાળ દૂર થતાં રહેશે. એટલું જ નહીં, વાળ ઉગવાની પ્રક્રિયા ધીમી પડશે અને ચહેરો ચમકી ઉઠશે તે છોગામાં.
ખાંડ-લીંબુ-મધનું વેક્સ :
ખાંડ-લીંબુનો રસ અને મધ સરખા ભાગે લઈને તેને સહેજ ગરમ કરો. આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાર પછી તે દાઢી પર લગાવી ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો. હવે તે વાળ ઉગવાની ઉંધી દિશામાં હળવા હાથે ઘસો. આ પ્રક્રિયાથી દાઢી પરના વાળ દૂર થવા સાથે ત્વચા પણ એક્સફોલિએટ થશે. વળી તે ઘરમાં બનાવેલું હોવાથી તેમાં ચામડીને નુકસાન કરે એવા કોઈ રસાયણો પણ નહીં હોય.
થ્રેડિંગ : દાઢી પરના વાળ કઢાવવા માટે મહિલાઓ થ્રેડિંગ સૌથી વધુ પસંદ કરે છે. આઇબ્રો કરાવવા જતી સ્ત્રીઓ બિલકુલ આઇબ્રોની જેમ જ દાઢીના વાળ પણ થ્રેડિંગ દ્વારા દૂર કરાવી લે છે. આ પ્રક્રિયા એકદમ ઝડપી અને સહેલી છે. તેમાં દાઢી પર ન તો કાંઈ લગાવવાની જરૂર પડે છે કે ન તેને ઘસીને કાઢવાની. સ્વાભાવિક રીતે જ સંવેદનશીલ ત્વચા માટે આ ઉપાય ઉત્તમ ગણાય છે.
પપૈયા-હળદરનું મિશ્રણ :
કાચા પપૈયાને સમારીને છૂંદી લો. હવે તેમાં એક ચપટી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટ વડે દાઢી પર હળવા હાથે મસાજ કરો. બેથી ત્રણ મિનિટ સુધી મસાજ કર્યા પછી આ મિશ્રણ પંદરેક મિનિટ સુધી દાઢી પર રહેવા દો. ત્યાર બાદ સાદા પાણી વડે ચહેરો ધોઈ લો.
પપૈયામાં રહેલું પેપિન નામનું એન્ઝાઈમ વાળ દૂર કરવામાં મદદ કરશે. વળી તે દાઢી પરના વાળને કુદરતી રીતે નબળાં પાડશે. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી દાઢીના વાળ ઉગવાની પ્રક્રિયા ધીમી પડતી જશે.
ડેપિલેટરી ક્રીમ :
જો તમારી પાસે સમયનો અભાવ હોય તો સંવેદનશીલ ત્વચા માટે મળતી ડેપિલેટરી ક્રીમનો ઉપયોગ કરી શકાય. દાઢી પર આ ક્રીમનું પાતળું પડ લગાવીને ઉત્પાદન પર આપવામાં આવેલી સૂચના અનુસાર દાઢી પર રહેવા દો. (સામાન્ય રીતે આ ક્રીમ પાંચથી સાત મિનિટ રાખવામાં આવે છે.) ત્યાર પછી હળવા હાથે ક્રીમ દૂર કરો.
આ પ્રકારની ક્રીમ વાળને ત્વચાના ઉપરના પડ પરથી ખેરવી નાખે છે. જોકે ડેપિલેટરી ક્રીમ દાઢી પર લગાવવાથી પહેલા પેચ ટેસ્ટ કરવાનું ન ભૂલો. પેચ ટેસ્ટ દરમિયાન ત્વચાને કોઈ હાનિ ન પહોંચે તો જ તેનો પ્રયોગ દાઢી પર કરો. અને તેનો ઉપયોગ કરી લીધાં પછી ત્વચા પર દાહ-બળતરા ન થાય એટલા માટે દાઢી પર મોઇશ્ચરાઇઝર લગાવો.

