Get The App

સ્ટાઇલિશ દેખાવાની સીઝન શિયાળો

Updated: Dec 13th, 2021

GS TEAM

Google News
Google News
સ્ટાઇલિશ દેખાવાની સીઝન શિયાળો 1 - image


સામાન્ય રીતે માનુનીઓ એમ માનતી હોય છે કે ઠંડીની ઋતુમાં અવનવા વસ્ત્રો પહેરવાની શું મઝા? અંતે તો તમને કોઇપણ ડ્રેસ પર સ્વેટર જ પહેરવું પડે. એમાં તમારા ડિઝાઇનર ડ્રેસ તો સ્વેટરની નીચે ઢંકાઇ જ જવાના.પરંતુ તેમની આ વાત સોએ સો ટકા સાચી નથી. ખરેખર તો તમે શિયાળામાં વધુ સ્ટાઇલિશ દેખાઇ શકો. આનું કારણ સમજાવતાં સ્ટાઇલિસ્ટો કહે છે કે ઊનાળામાં તમે ગરમીમાં હેરાન ન થાઓ એટલે સુતરાઉ અને ખુલતાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરો તે સ્વાભાવિક છે. તેવી જ રીતે વર્ષા ઋતુમાં ભીંજાઇ જઇએ ત્યારે ઝટ સુકાઇ જાય એવાં પોશાક પહેરવા પડે. જ્યારે શિયાળામાં તમે જે ચાહો તે પહેરી શકો. અને એવું કોણે કહ્યું ટાઢથી બચવા તમને દરેક વખતે સ્વેટર જ પહેરવું પડે. આજની તારીખમાં બજારમાં સ્વેટરની જેમ પહેરી શકાય એવા પોશાક પણ મળી રહે છે. તેવી જ રીતે તમે સ્વેટરના સ્થાને સ્ટાઇલિશ કોટ પણ પહેરી શકો. વળી એવું પણ નથી કે  તમને મમ્મી કે દાદીના હાથે ગૂંથેલા ચોક્કસ પ્રકારના સ્વેટર જ પહેરવા પડે. આજે બજારમાં ગરમ કપડાંમાં પણ પુષ્કળ વિવિધતા આસાનીથી મળી રહે છે. તેથી ઠંડીની મોસમમાં વધુ સ્ટાઇલિશ દેખાવાની તક ઝડપી લેવી જોઇએ. શિયાળામાં વધુ સ્ટાઇલિશ શી રીતે બની શકાય તેના વિશે વિગતવાર જાણકારી આપતાં સ્ટાઇલિસ્ટો કહે છે ....,

- આ ઋતુમાં ઘેરા રંગો પહેરવા પર પસંદગી ઉતારો. જેમ કે રાતો, બ્લુ, લીલો, જાંબુડી, ઘેરો ગુલાબી,કાળો,પીળો ઇત્યાદિ. વાસ્તવમાં આવા રંગો શરીરની ગરમી જાળવી રાખતાં હોવથી આપણને ટાઢમાં રાહત મળે છે. તેવી જ રીતે આવા કલરના પોશાકમાં ચેક્સ કે ભૌમિતિક ડિઝાઇન ખૂબ જચે છે. સામાન્ય રીતે આપણે વસંત ઋતુમાં ફૂલોની ડિઝાઇનવાળા વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ. તેથી આ મોસમમાં આપણને તેનાથી અલગ ડિઝાઇન પહેરવાની તક ઝડપી લેવી જોઇએ. 

- લોંગ કોટ કે બ્લેઝર પહેરવા માટે પણ ઠંડીની મોસમ બેસ્ટ ગણાય. અલબત્ત, બ્લેઝર અન્ય સીઝનમાં પણ પહેરી શકાય. પરંતુ લોંગ કોટ તો શિયાળામાં જ પહેરાય.જોકે મુંબઇ જેવા  મહાનગરમાં લોંગ કોટ પહેરવા જેવી ટાઢ ભાગ્યે જ વાતી હોય છે.આવી સ્થિતિમાં મુંબઇવાસીઓ  કોઇક ઠંડા પ્રદેશમાં ફરવા જાય ત્યારે લોંગ કોટ પહેરી શકે. જ્યારે ગુજરાત અને ઉત્તર ભારત ઇત્યાદિમાં તો કડકડતી ઠંડી હોવાથી અહીં લોંગ કોટ પહેરીને ટાઢથી રાહત મેળવવા સાથે સ્ટાઇલિશ પણ દેખાઇ શકાય. 

- વિદેશમાં ફરવાળા કોટ પહેરવાની ફેશન સાવ સામાન્ય છે. પરંતુ ભારતમાં બરફીલા પ્રદેશો સિવાય ક્યાંય એટલી ટાઢ નથી હોતી કે ફરવાળા કોટ પહેરવાનો મોકો મળે. આવી સ્થિતિમાં  તમે બરફીલા પ્રદેશોમાં ફરવા જાઓ ત્યારે ફરવાળા કોટ પહેરી શકો. તેની સાથે વાળ ખુલ્લાં રાખીને માથે ઊનની ટોપીને ફોલ્ડ કરીને પહેરો. આમાં તમે એકદમ સ્ટાઇલિશ દેખાશો. 

- ઘણી છોકરીઓને હંમેશાં ટૂંકા ડ્રેસ પહેરવાની ટેવ હોય છે. તેમને પેન્ટ પહેરવાનું પણ નથી ગમતું. 

આવી સ્થિતિમાં તેઓ પંજાબી સુટ, લેગિંગ કે મેક્સી ડ્રેસ પહેરે એવી તો કલ્પના પણ ન કરી શકાય. પરંતુ શિયાળામાં ટૂંકા વસ્ત્રો પહેરવાથી તેમને વધુ ટાઢ લાગે તે સ્વાભાવિક છે. જોકે  તેઓ શિયાળામાં પણ ટૂંકા વસ્ત્રો પહેરી શકે. ચાહે તે વન પીસ હોય, શોર્ટ્સ હોય કે પછી મીની  સ્કર્ટ. આવા પોશાક સાથેતેઓ ઘૂંટણ સુધી કે તેનાથી પણ ઉપર સુધી આવતાં લેધર શૂઝ પહેરી શકે. આમ કરવાથી તેમને ટાઢ સામે રક્ષણ મળવા સાથે તેઓ એકદમ સ્ટાઇલિશ પણ દેખાશે.આવા પરિધાન સાથે હાથમાં બોક્સ ક્લચ રાખો.વાસ્તવમાં આ રીતે તેઓ પરફેક્ટ પાર્ટી લુક બનાવી શકે. 

- ટાઢમાં વસ્ત્રોના રંગોની જેમ તેનું ફેબ્રિક પણ મહત્વનું બની રહે છે. ઊન કે વૂલ તો સીઝનલ ફેબ્રિક ગણાય. પરંતુ તમે તેમાં વૈવિધ્ય ઇચ્છતા હો તો વેલ્વેટ પર હાથ અજમાવો. મઝાની વાત એ છે કે વેલ્વેટ હુંફાળું લાગવા છતાં સુંવાળું અને વૈભવી પણ  લાગે છે.ઇવનિંગ પાર્ટી માટે વેલ્વેટ ડ્રેસ બેસ્ટ ચોઇસ ગણાશે. ચાહે તે વન પીસ હોય કે પછી પેન્ટ ઉપર પહેરાતો કોટ અથવા બ્લેઝર.

- છેલ્લા ઘણાં સમયથી ફ્લેર પેન્ટની ફેશને જોર પકડયું છે. અને આ શિયાળામાં પણ તેની ફેશન જારી  છે. ફરક માત્ર એટલો કે ઊનાળામાં તમે તેના ઉપર ખુલતું ટોપ પહેરતાં હતાં. અને શિયાળામાં તેના ઉપર ટર્ટલ ટોપ પહેરો.મહત્વની વાત એ છે કે ટર્ટલ ટોપ તમે ચુસ્ત ડેનિમ,વેલ્વેટ પેન્ટ,મીની સ્કર્ટ અને લોંગ શૂઝ પર પણ પહેરી શકો. 

-  શિયાળો એટલે લગ્નસરા. તેથી વિવાહ જેવા પ્રસંગોમાં તમે પાશ્ચાત્ય પોશાક માત્ર લગ્ન સાથે સંકળાયેલા અન્ય કાર્યક્રમોમાંની કોકટેલ પાર્ટીમાં જ પહેરી શકો. અહીં તમે ફર કોટ, ટર્ટલ ટોપ કે લોંગ કોટ પહેરવાની તક ઝડપી શકો. પરંતુ પરંપરાગત કાર્યક્રમોનું શું? અહીં તમે લહેંગા કે સાડી સાથે ઝીરો નેકના બ્લાઉઝ પહેરો. તેવી જ રીતે ઘરેણાંમાં ગળામાં ચોકર, એટલે કે હાંસડી ધારણ કરો. ચાહે તે સોનાની હોય કે પછી મોતીની. આ ટૂંકુ અને ટાઇટ ઘરેણું તમને હૂંફાળું લાગશે. 

- શિયાળાની સાંજે વૉક કરવા જતી વખતે હુડી પહેરો. તે સ્ટાઇલિશ દેખાવા સાથે તમને ટાઢથી રક્ષણ પણ આપશે. હુડી પ્રત્યેક શિયાળાની ફેવરિટ ફેશન છે. 

- જેમને ઊનના કે વૂલના સ્વેટર,જેકેટ કે કોટ પહેરવાનું ન ગમતું હોય તે ડેનિમનું જેકેટ પણ પહેરી શકે. તમે ડેનિમ ઓન ડેનિમ પણ પહેરી શકો. અથવા તમારી અન્ય કોઇ ટાઇટ અને સ્ટેચેબલ પેન્ટ પર પણ ડેનિમનું જેકેટ કે શર્ટ પહેરી શકો.

- ઇવનિંગ પાર્ટીમાં તમે ચાહો તો હાથને હૂંફ આપતાં સુંદર ગ્લવ્ઝ પહેરી લો.તેની સાથે મીની ડ્રેસ, સ્ટૉકિંગ્સ,ડ્રેસથી એકાદ ઇંચ ટૂંકો કોટ અને સ્કાર્ફ પરફેક્ટ વિન્ટર લુક બની રહેશે.

- આજની તારીખમાં ઊનના નહીં, છતાં ઊનના સ્વેટર  જેવો લુક આપતાં હુંફાળા ટોપ પણ આસાનીથી મળી રહે છે. આવા ટોપ તમને ટાઢથી બચાવવા સાથે સ્ટાઇલિશ પણ દેખાશે.વધુ આકર્ષક દેખાવા તમે તેની સાથે ગળામાં સ્કાર્ફ પણ વીંટાળી શકો. 

- જમ્પ સુટ પણ શિયાળા માટે ઉત્તમ પરિધાન ગણાય. આમાં તમે શોર્ટ અને લોંગ બંને પ્રકાર અજમાવી શકો. પસંદ તમારી. 

- ટાઢથી બચવા ઘણી મહિલાઓ આખી બાંયના ટોપ પહેરવાનું પસંદ કરે છે. આવી બાંયને એક્સ્ટ્રા લોંગ બનાવડાવો.તમે ચાહો તો એકદમ ખુલતી લાંબી ફુગ્ગા બાંયના ટોપ પણ પહેરી શકો.

- સ્કાર્ફ પણ ઘણી અલગ અલગ રીતે પહેરી શકાય. જો તમને જુદી જુદી રીતે સ્કાર્ફ બાંધવાની ફાવટ હોય તો તમારા વિવિધ પોશાક સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય એવા થોડાં સ્કાર્ફ ખરીદી રાખો. અને અવારનવાર અવનવી સ્ટાઇલમાં સ્કાર્ફ બાંધીને સ્ટાઇલિશ દેખાઓ.

- વૈશાલી ઠક્કર

Tags :