Sahiyar

તમને સત્ય ખબર છે છતાં કોઈ ખોટું કહે ત્યારે?

By GS Team
29 Jun 20267 mins read
તમને સત્ય ખબર છે છતાં કોઈ ખોટું કહે ત્યારે?
  • રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
  • પૈસા સાચવવાનો અને સંબંધોને વાપરી કાઢવાનો અનોખો સમય ચાલી રહ્યો છે. લોકો હવે પોતાના મિત્રો, પરિવારજનો, સ્નેહીજનો અને સાથીઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલાં લોકો વસ્તુનો ઉપયોગ કરતા અને સંબંધ સાચવી લેતા હતા પણ હવે તો વસ્તુ અને પૈસા અને સંબંધ બધાનો જ ઉપયોગ થવા લાગ્યો છે.
    જી બહુત ચાહતા હૈ સચ બોલેં
    ક્યા કરેં હૌસલા નહીં હોતા

થોડા સમય પહેલાં જ આ ફાની દુનિયાને અલવિદા કહેનારા ઉત્તમ શાયર અને અદ્વિતિય વ્યક્તિ એવા બશીર બદ્ર સાહેબે સત્ય વિશે ખૂબ જ સુંદર શેર કહ્યો છે. ઉપરોક્ત શેર આ સમાજની, આ દુનિયાના અને માણસજાતની વાસ્તવિકતા બતાવી જાય છે. આપણે સત્યની વાતો કરીએ છીએ પણ ખરેખર ક્યારેય સંપૂર્ણ સત્ય બોલીએ છીએ… નથી જ બોલતા… ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ પ્રસંગે આપણે અસત્ય અથવા તો યુધિષ્ઠિર જેવું અધુરું સત્ય બોલતા હોઈએ છીએ. કોઈ બાબત સાબિત કરવા માટે બોલાતા સત્ય કે અસત્યની વાત નથી. અહીં વાત જીવનના સત્યની થાય છે. આપણે તે સ્વીકારતા નથી, બોલતા નથી અને સમજતા પણ નથી.
એક સમય હતો જ્યારે માણસ સંબંધ સાચવી લેવા ગમે તે પ્રયાસ કરતો હતો. પોતાની સાથે જોડાયેલી વ્યક્તિ દુ:ખી ન થાય, તેને આઘાત ન લાગે, તેની સાથે વિશ્વાસઘાત ન થાય તેવી સમજ આ સમાજમાં હતી. હવે તો સિન્થેટિક લાગણીઓ અને ડિસ્પોઝેબલ રિલેશન્સ થઈ ગયા છે. દરેક વ્યક્તિ બીજાને વાપરીને ફેંકી દેવાની અથવા તો છેતરવાની વૃત્તિ કે રસ્તા શોધતા જ હોય છે. સ્વાર્થના બજારમાં લાગણીઓનું ચલણ બંધ થઈ ગયું છે. જુઠ્ઠુ બોલવું અને ખોટું કરવું તે સામાન્ય બાબત થઈ ગયા છે. આ વિશે કેટલાક કિસ્સા ખરેખર જાણવા જેવા છે.
દર્શન અને દિવ્યેશ બંને એક પાર્ટીમાં મળ્યા હતા. દિવ્યેશ સારો લેખક હતો અને તેની પાસે વિષય અને ભાષાનું વૈવિધ્ય હતું. દર્શન અને તેના મિત્રો ફાઈનાન્સનો ધંધો કરતા હતા. તેણે એક ફિલ્મ બનાવવા માટે દિવ્યેશને ઓફર મૂકી. દિવ્યેશ તેની સાથે જોડાવા રાજી થઈ ગયો. તેણે ફિલ્મનું વનલાઈનર લીધીને દર્શનને બતાવ્યું. તેમણે વિષયની ચર્ચા કરી. ફિલ્મ બનાવવાના વાયદા થવા લાગ્યા. મહિના પછી, બે મહિના પછી, માર્ચ જાય એટલે, નવા વર્ષે કરીએ જેવા ઘણા વાયદા થવા લાગ્યા. તેમાં એકાદ વર્ષ તો એમનેમ નીકળી ગયું. આ દરમિયાન એક વખત દર્શનનો દિવ્યેશ ઉપર ફોન આવ્યો. દિવ્યેશભાઈ તમે ગાંધીનગર રહો છો ત્યાં મારા સાળાને હોસ્પિટલમાં રોકડાની જરૂર પડી છે. હું જુનાગઢ આવ્યો છું તો તમે આપી દેશો. હું તમને ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દઈશ. દિવ્યેશે બિચારાએ ભલમનસાઈમાં જઈને પૈસા આપ્યા. તેણે હોસ્પિટલની મદદના નામે ૩૫૦૦૦ની રકમ આપી દીધી. એક અઠવાડિયું થવા આવ્યું પણ દર્શન તરફથી પૈસા પાછા આપવા અંગે કોઈ વાત કરાતી નહીં. દિવ્યેશ ફોન કરે ત્યારે દર્શન વિવિધ બહાના કાઢે. યુપીઆઈ બંધ છે. આજના ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા છે. ફોન અચાનક બગડી ગયો છે. આવી રીતે બહાના કાઢીને તેણે એક મહિને ૨૦ હજાર આપ્યા પણ હજી પંદર હજાર લેવાના બાકી હતી.
દિવ્યેશ બિચારો ફિલ્મ કરવાની લાલચે પૈસા માગી શકતો નહોતો. દર્શન ફિલ્મના નામે ઈમોશનલ બ્લેકમેલ કરીને પૈસા આપવાનું ટાળતો હતો. આ સમયે દિવ્યેશને વિચાર આવ્યો કે જે વ્યક્તિ પાસે ૩૫,૦૦૦ જેટલી રકમ નથી તે ૩ કરોડ રોકીને ફિલ્મ કેવી રીતે બનાવશે. તેણે જ્યારે આ વાત દર્શનને મોઢે કહી દીધી ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો અને દર્શને તાત્કાલિક તેને પૈસા આપી દીધા અને ફિલ્મ નથી કરવી કહી દીધું. દિવ્યેશને ખબર જ હતી કે, આનો અંત આવો જ આવવાનો છે. તેને સત્ય ખબર હતી પણ તે દર્શનના અસત્યને પારખતો જતો હતો અને તેનો આનંદ લેતો જતો હતો. હાલમાં સમાજમાં આવું જ ચાલ્યા કરે છે.
આપણે પોતાની જાતને હોંશિયાર સાબિત કરવામાં એ ભુલી જઈએ છીએ કે સંબંધોમાં આવી કળા અને કારીગરી જોખમી હોય છે. જો કોઈ વ્યક્તિ એમ કહે કે હું નથી કરતો અથવા નથી કરતી તો તે જુઠ્ઠું બોલે છે અથવા તો દંભી છે. આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક જાણે-અજાણી આવા તરકટ કર્યા જ હોય છે. આમ થવા કે કરવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. ક્યારે પૈસા કે કોઈ વસ્તુ માટે થયેલો અનુભવ આપણને આમ કરવા પ્રેરતો હોય તે સ્વાભાવિક છે. આપણે બીજી વખત સતર્ક થઈ જ જઈએ. જ્યારે કોઈને મદદ કરવાની આવે અથવા તો મદદ માટે માત્ર ભલામણ કરવાની આવે ત્યારે પણ જો ગલ્લાંતલ્લાં જ કરવામાં આવે તો તે ખોટું છે. સામેની વ્યક્તિ નિષ્ઠાથી તમારી આશાએ સ્વપ્ન સેવતી હોય અને તમે માત્ર વાયદાની વાતો કર્યા કરો તો આવા સંબંધો ક્યાં સુધી ખેંચી શકાય.
સહકર્મી કે પડોશી હોય તો સંબંધ તો ટકી જશે પણ તેમાં રહેલી ઉષ્મા, આત્મિયતા, લાગણી અને ખાસ કરીને વિશ્વાસ ધીમે ધીમે ભુંસાતા જશે. જ્યારે સંબંધોમાં વિશ્વાસ અને લાગણી ભુંસાવા લાગે ત્યારે સમજવું કે આ સંબંધ લાંબું નહીં ટકે. કેન્સરના રોગીની જેમ ધીમે ધીમે તેના પ્રાણ નીકળી જશે. આ સમયે સમજાવટ કે ખુલાસાની કિમો થેરાપી પણ લાંબું કામ નથી કરતી. કારણે કે તમે આ થેરાપી આપવા જાવ ત્યારે ખ્યાલ આવ છે કે સંબંધોને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. તે છ-બાર મહિનાથી વધારે ટકવાનો જ નથી.
સત્ય અને અસત્ય સંબંધોમાં ખૂબ જ મહત્વના છે કારણ કે તે સ્થિતિના કારણે જન્મેલા હોય છે. કોઈ બે વ્યક્તિ પોતાના સંબંધો માટે જે સત્ય માનતી હોય છે કે શોધતી હોય છે તે તેમના વૈયક્તિક સ્તરે અલગ અલગ પણ હોઈ શકે. અર્જુનને પક્ષની આંખ દેખાતી હતી તે તેનું સત્ય હતું અને બીજાને ઝાડ, પાંદડા, ફળો, ફુલો દેખાતા હતા તે તેમનું સત્ય હતું. આ સંજોગોમાં કોઈ અસત્ય બોલતા હતા તેવું ન કહી શકાય. ચાર અંધ વ્યક્તિને હાથી પાસે ઉભા રાખ્યા અને તેઓ હાથીનું જે રીતે વર્ણન કરે તે રીતે આપણા સત્યો હોય છે. સંબંધોમાં કડવાશ સત્ય બોલવાથી નહીં પણ પોતાનું સત્ય સાબિત કરવાથી વધતી હોય છે.
તમે જ વિચારો કે આપણી પત્ની, માતા, પ્રેમીકા કે પછી મિત્ર અથવા તો બોસ હોય અને આપણને એમ કહે કે તું જે હોય તે સાચું કહી દે હું તને માફ કરી દઈશ… આ વાતને સ્વીકારીને આપણે ખરેખર સત્ય બોલીએ છીએ. જવાબ તમને અને મને ખબર જ છે. ક્યારેક પતિ ઘરે આવે અને પત્ની હાજર ન હોય અને પાછી આવીને કહે કે, કોલેજકાળનો એક મિત્ર માર્કેટમાં મળી ગયો તો કોફી પીવા ગયા હતા તો આ સત્ય કેટલા પુરુષો પચાવી શકશે. બીજી તરફ આ જ સ્થિતિ પુરુષની ગણીએ કે, તે મોડા આવવાનું કારણ પોતાની સ્ત્રી મિત્ર સાથેની મુલાકાત ગણાવે તો પત્ની તેને કેટલી સહજતાથી સ્વીકારશે. પહેલી વખત સિગારેટ પીતા કે દારૂ પીતા પકડાઈ ગયેલા સંતાનો કે પછી લગ્ન પહેલાંના પ્રેમ વિશે લગ્ન બાદ થતાં ખુલાસા મોટાભાગે માફીને પાત્ર હોતા જ નથી… તેના કારણે જ વ્યક્તિ પોતાના સત્યો પોતાની જાત સુધી સિમિત કરી રાખે છે.
સિદ્ધાર્થને તેના પિતાએ જીવનના સત્ય સુધી પહોંચવા જ નહોતો દીધો અને તેના કારણે તે રાજકુમાર તરીકે જીવતો હતો. જે દિવસે તેને આ સત્યનું ભાન થયું તેણે સામનો કર્યો તે દિવસે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ થઈ ગયા. તેમણે આ સત્યને સ્વીકારવાની સાથે તેની પેલે પાર જઈને તેને પામવાનો પ્રયાસ કર્યો. ઘણા લોકો હોય છે જે જીવનમાં સત્યો શોધવા મથતા હોય છે પણ સ્વીકારવા તૈયાર નથી હોતા. આ લોકો વધારે દુ:ખી થતા હોય છે.
આપણે સત્ય બોલાવા કે નહીં બોલાવા માટે તેના પરિણામની ચિંતા કરીએ છીએ. સત્ય હંમેશા કડવું હોવાના સત્ય સાથે આપણે જીવીએ છીએ અને તેટલે જ તેને પામી શકતા નથી. આપણે લોકો ખરેખર તો ખંડિત સત્યો સાથે જીવતા થઈ ગયા છીએ. આજના સમયમાં સાચુ કહેનારા લોકોનો કોઈ જલદી વિશ્વાસ કરતું નથી, તેની મજાક ઉડાવે છે. સત્ય આજે વ્યક્તિત્વ અને વિચારો કરતાં પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયું છે. વ્યસન કરતા પકડાનારા સંતાનને આપણે તમાચો મારીને સજા કરીએ છીએ પણ તે વ્યસનથી થતાં નુકસાન અંગે સત્ય નથી જણાવી શકતા. પ્રિયજનને ખોઈ બેસવાના ડરથી સત્ય નથી બોલતા. સત્ય બોલવામાં વાંધો નથી પણ તેને સ્વીકારવામાં વાંધો હોય છે. સત્યની કેટલીક શરતો હોય છે, કે બોલનારે ખરેખર સત્ય બોલવું અને સાંભળનારે ગમે તેવો આઘાત લાગે તે સ્વીકારીને સામેની વ્યક્તિને માફ કરી દેવી. હકિકતમાં સત્ય મોત જેવું છે. આપણે મૃત્યુને જેટલી સહજતાથી સ્વીકારી નથી શકતા તેટલી જ સહજતાથી સત્યને પણ સ્વીકારી નથી શકતા. તેનાથી બચવાના કે દૂર રહેવાના બહાના કરતા હોઈએ છીએ.
પૈસા સાચવવાનો અને સંબંધોને વાપરી કાઢવાનો અનોખો સમય ચાલી રહ્યો છે. લોકો હવે પોતાના મિત્રો, પરિવારજનો, સ્નેહીજનો અને સાથીઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલાં લોકો વસ્તુનો ઉપયોગ કરતા અને સંબંધ સાચવી લેતા હતા પણ હવે તો વસ્તુ અને પૈસા અને સંબંધ બધાનો જ ઉપયોગ થવા લાગ્યો છે. માણસ સત્ય અને સંબંધનો મલાજો પણ જાળવતા નથી. અસત્ય, અસંતોષ અને અન્યાયના એવા આટાપાટા ઊભા કરે છે અને પોતાને હોંશિયાર અને અનુભવી માને છે. તેઓ એ સમજતા નથી કે, સમાજમાં હજી પણ લોકો સંબંધ અને સ્નેહને મહત્ત્વ આપે છે તેથી તેમના કપટ ચલાવી લેવાય છે. બાકી તેઓ જે કરતા હોય છે તેના વિશે સામેની વ્યક્તિને ખબર જ હોય છે. કદાચ એટલા માટે જ કહેવાયું છે કે,
It's always fun listening to someone's lie when you already know the truth…