વિવિધ પેટર્નના બ્લાઉઝ સાથે પહેરો પરંપરાગત સાડી
Updated: Nov 20th, 2023
આધુનિક માનુનીઓને સાડી પહેરવાનું તો ગમે છે. પરંતુ સંપૂર્ણ પરંપરાગત રીતે નહીં. તેમને તેમાં કાંઇક આધુનિક ખપે છે. તેથી તેઓ વિવિધ રીતે સાડી પહેરવા સાથે અલગ અલગ પ્રકારના બ્લાઉઝ પહેરવાના પ્રયોગો પણ કરે છે. વળી ફેશન ડિઝાઇનરો તેમને વિવિધ પ્રકારના બ્લાઉઝના આઇડિયા પણ આપે છે. તમે પણ વૈવિધ્યસભર બ્લાઉઝ પહેરીને તમારી સાડીને નવો લુક આપી શકો છો.જેમ કે....
તાજેતરના એક ફેશન વીકમાં એક મોડેલે વિવિધરંગી સાડી સાથે બ્લાઉઝ તરીકે ડેનિમનું શર્ટ પહેર્યું હતું. હળવા બેકગ્રાઉન્ડની કલરફુલ સાડી સાથે ભૂરા રંગનું ડેનિમનું ગાંઠવાળું બ્લાઉઝ ખૂબ જચતું હતું. તેની સાથે તેણે ભૂરા રંગની સ્લિંગ બેલ લીધી હતી. સાડીના પલ્લુને નિયમિત રીતે લેતા હોઇએ એ રીતે ખભા પર લેવાને બદલે પાટલીની બાજુમાં ખેંચીને પછી ખભા પર લેવામાં આવ્યો હતો તેથી ડેનિમના બ્લાઉઝનું સૌંદર્ય ઉડીને આંખે વળગતું હતું.
અન્ય એક પેટર્નમાં સ્લીવલેસ જેકેટ જેવા બ્લાઉઝ પર કેરીની ડિઝાઇનવાળી સાડી પહેરવામાં આવી હતી. આ બ્લાઉઝમાં એકદમ બારીક વર્ક કરવામાં આવ્યું હોવાથી તેની સાથે પેસલી પ્રિન્ટની સાડી ખૂબ સરસ લાગતી હતી.
ફેશન ડિઝાઇનરો કહે છે કે જરૂરી નથી કે તમે વર્ક કરેલું બ્લાઉઝ જ પહેરો. તમે પ્રિન્ટેડ બ્લાઉઝ પણ પહેરી શકો. જેમ કે પ્લેન સાડી ઉપર જેકેટ પેટર્નનું પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરો. સાડીનો છેડો જેકેટ નીચેેથી પસાર કરો. આમ કરવાથી આખી જેકેટ અને સાડીની બ્યુટી બંને એકસમાન રીતે દેખાશે. વળી જો તમારી કટિ એકદમ પાતળી હોય તો તમે જેકેટ પર કમરપટ્ટો અથવા ફૂમતાવાલી દોરી પણ પહેરી શકો. આ પ્રકારની પેટર્નમાં રેડ, મજન્ડા, પર્પલ, ગ્રીન જેવા ઘેરા રંગો ખૂબ સુંદર લાગશે.
વી નેકના બ્લાઉઝમાં તમે પુરુષોના શર્ટ જેવી બાંયમાં પ્લીટ્સની પેટર્ન કરાવીને અનોખો લુક મેળવી શકો. જોકે બાંયની લંબાઇ કોણીથી થોડે નીચે સુધીની રાખવી. અને તેમાં ઝીણી પ્લીટ્સ મૂકાવવાથી તે ખૂબ સુંદર લાગશે. ખાસ કરીને ઊંચી અને પાતળી મહિલાઓને આ પેટર્ન વધુ સારી લાગશે. ઘેરા રંગના પોતમાં હળવા રંગની પ્રિન્ટવાળી સાડી સાથે આવી પેટર્નનું લાઇટ કલરનું બ્લાઉઝ ઉડીને આંખે વળગશે.
છેલ્લા ઘણાં સમયથી બેલ, એટલે કે ઘંટીના આકારની બાંયવાળા ડ્રેસની ફેશન પૂરબહારમાં ખીલી છે. ૭૦ના દશકમાં બ્લાઉઝમાં તેની ફેશને માનુનીઓને ઘેલી કરી હતી. અને હવે ફરીથી આવી જ પેટર્નના બ્લાઉઝ ઇન છે. તમેે ચાહો તો એક જ બેલને બદલે અલગ અલગ કલરની બેલ લગાવડાવીને નોખા તરી આવી શકો છો.
જ્યોર્જટ કે પછી શિફોનની પ્લેન સાડી સાથે જરદોશી વર્ક કરેલું બ્લાઉઝ પ્રસંગોપાત પણ પહેરી શકાય. તમે ચાહો તો ભરચક વર્ક કરેલું ઝીરો નેક અથવા હાઇ નેકનું બ્લાઉઝ પણ આવી સાડી સાથે પહેરી શકો.
સામાન્ય રીતે આપણે ઓરગેન્ઝાની સાડી પહેરતાં હોઇએ છીએ. પરંતુ તમે કોઇપણ પ્લેન સાડી સાથે ઓરગેન્ઝાનું એમ્બ્રોઇડરી કરેલું બ્લાઉઝ પહેરી શકો છો. તમે ચાહો તો બ્લાઉઝ જેવી એમ્બ્રોઇડરી સાડીના ચોક્કસ ભાગમાં કરાવી શકો. આવી સાડી ચુડીદાર સાથે પણ ખૂબ જચશે.
ચુડીદાર સાથે સાડી પહેરવાની વાત ચાલી રહી છે ત્યારે જો તમે બીચ પાર્ટી કે બીચ થીમ વેડિંગમાં જતાં હો તો ચુડીદાર પર સાડી સાથે બિકિની પેટર્નનું બ્લાઉઝ પહેરો.
શક્યત: બીચ પર નેટની કે પછી પારદર્શક સાડી પહેરો. ઇવનિંગ પાર્ટીમાં ઓફ શોલ્ડર કે વન શોલ્ડર બ્લાઉઝ ઓલ ટાઇમ ફેવરિટ ગણાય છે. તેથી આવા બે-ચાર બ્લાઉઝ સીવડાવી રાખીને તમારી કોઇપણ સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય.