Updated: Mar 13th, 2023
લગ્નની વાતો થવા માંડે એટલે સૌથી પહેલાં ઘરેણાની ખરીદી પર ધ્યાન જાય. લગ્નના તમામ ખર્ચમાં ઘરેણાં ખરીદવા માટે એક અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. દરેક ઘરમાં લગ્નના ઘરેણાં ખરીદવા માટે અગાઉથી જ એક નિયત રકમ નક્કી કરવામાં આવતી હોય છે. અને તે ઘરેણાં ખરીદાઈ ગયા બાદ જ બીજા ખર્ચનો વિચાર કરવામાં આવે છે. જેવી લગ્નતિથી નક્કી થઈ જાય કે તરત જ ઘરેણાં ખરીદવા વિશે ઘરમાં ચર્ચા કરી એક જુદુ લીસ્ટ બનાવી દેવું જોઈએ. કારણ ઘરેણાં તમારી મનગમતી ડિઝાઈન જેવા ઘડવા આપવાના હોય તો તેને ઘડાતા સમય લાગે છે. અથવા જુના ઘરેણાં પર તમારે કંઈ નવું ઊમેરવું હોય કે ઓછું કરવું હોય તો પણ પંદરથી વીસ દિવસનો સમય લાગી જાય છે. બજેટ અગાઉથી જ નક્કી કરી રાખ્યું હોય તો સમજી વિચારીને ઘરેણાંની ડિઝાઈન, વજન વગેરે બજેટ પ્રમાણે નક્કી કરી શકાય છે.
પહેલેથી ઘરેણાં ખરીદાઈ ગયા હોય તો લગ્ન પોશાકની નેકલાઈન તે ઘરેણાંને યાદ રાખીને બનાવડાવો. જેથી કરીને પોશાક અને ઘરેણાંનો સુમેળ બરાબર જામે.
સર્ટીફાઈડ જ્વેલરી ખરીદો. તે સર્ટીફિકેટ તમારા ઘરેણાંની ગુણવત્તાની ઓળખ બનતું હોય છે જે વેચવાના સમયે ખૂબ કામ આવે છે.
ભારેખમ ઘરેણાં લગ્નમાં પહેરાયા બાદ ક્યારેક જ એકાદવાર ફરીથી પહેરાય છે અને લોકરમાં પડી રહેતાં હોય છે. ભારેખમ ઘરેણાં ખરીદવા કરતાં એટલી જ કિંમતમાં બે થી ત્રણ પ્રકારના ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા સેટ બનાવડાવો. અથવા ડીટેચેબલ ડિઝાઈન કરાવો જે બીજા ઘરેણાંઓ સાથે મિક્સ મેચ થઈ શકે.
કર્ણફૂલ ખરીદતી વખતે કે લટકણીયા ખરીદતા સમયે તમારી લગ્નટાણેની હેરસ્ટાઈલને ધ્યાનમાં રાખીને ખરીદો જેથી તમારો ચહેરો તે દિવસે સુંદર દેખાય.
ઘરના પરંપરાગત ઘરેણાંઓને તોડાવ્યા વગર તેના એથનીક લુકને બરકરાર રાખતો નાનકડો ફેરફાર કરી પરંપરાગત ઘરેણાં પહેરો જૂની ડિઝાઈનો ખૂબ જ સુંદર લાગતી હોય છે અને ચીલાચાલુ તૈયાર ઘરેણાંઓ કરતા અલગ તરી આવતી હોય છે.
વેવિશાળ પ્રસંગે બધાનું ધ્યાન વીંટી અને પાયલની જોડ પર વધારે હોય છે. વેવિશાળ પ્રસંગે વિંટી અને પાયલની ડિઝાઈન પર વધુ ધ્યાન આપો. બીજા આછાં ઘરેણાં પહેરવા જેથી વિંટી અને ઝાંઝર વધુ ધ્યાન ખેંચશે.
મહેંદીના પ્રસંગે કાનના લટકણીયા અને ગળાના નેકલેસની સુંદર કળાત્મક ડિઝાઈન પસંદ કરો. તે દિવસે હાથમાં બંગડી કે વિંટી પહેરવાની ન હોવાથી લટકણીયાં અને નેકલેસ ધ્યાન ખેંચશે.
લગ્ન પ્રસંગે તમારા ઘરેણાં દમદાર અને સરસ ડિઝાઈનવાળા હોવા જરૂરી છે. તમારા લગ્નપોશાક સાથે સરસ સુમેળ રચતાં ઘરેણાં પહેરો.
રિસેપ્શન વખતે ડાયમંડના ઘરેણાં પહેરો. કલર્ડ જેમસ્ટોન જડેલા હીરાના ઘરેણાં સુંદર ઊઠાવ આપશે. થોેડુંક સમજદારી અને સાવધાનીથી ઘરેણાંમાં કરેલું રોકાણ ભવિષ્ય માટે પણ ફાયદાકારક થવું જરૂરી છે.