વાર્તા : ઘર વાપસી .

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
વાર્તા : ઘર વાપસી                                                       . 1 - image


-  ''બહારથી તમે જ્યારે પણ ઘરમાં આવો ત્યારે તમારાં બૂટ-મોજાં  બહાર જ ઉતારીને આવવું, અંદર આવીને સીધા બાથરૂમમાં  જવું, કપડાં ધોવા માટે પાણીમાં બોળીને પછી નહાઈ લેવું.  નહાયા-ધોયા બાદ શરીર ઉપર સારી પેઠે પાઉડર લગાવવો અને ત્યાર  પછી જ મારી  પાસે આવવું. મને દુર્ગંધ પ્રત્યે સખત એલર્જી છે.  

ડોરબેલ વાગી નહીં, પણ ચીસ પાડી ઊઠી, ત્યારે ઉલ્કા રસોડામાં ચા બનાવતી  હતી. કોણ જાણે શાથી આજે તેના મનમાં  અકળામણ વધી ગઈ હતી. એમાં ડોરબેલના કર્કશ અવાજે તેને વધારે ભયભીત કરી દીધી.

કામવાળીને બૂમ મારીને ઉલ્કાએ કહ્યું, ''મધુ જરા  જો તો કોણ છે?''

મધુ ઉંમરમાં ઘણી નાની હતી. હાથમાં પકડેલું ઝાડું એક બાજુ મૂકીને તેણે બારણું ધીમેથી થોડું ખોલ્યું. બહાર ઊભેલા માણસને જોઈને ડરી ગઈ. એકદમ કોલસા જેવો ચહેરો, ને ઓછું હોય તેમ આંખ ઉપર કાળા ચશ્માં, કેટલાયે દિવસોની વધી ગયેલી દાઢી અને શરીરમાંથી આવતી દુર્ગંધ... મધુએ તરત બારણું બંધ કરી દીધું. આથી મુલાકાતીએ એ જ  ઢંગથી ઘંટડી ફરી વગાડી.

''અરે કોણ છે?'' ઉલ્કાએ પૂછ્યું.

''બહેન, કોઈ ભૂત જેવો માણસ છે...''

''પણ  તેં નામ પૂછ્યુ?''

મધુએ કશો જવાબ ન દીધો. ઉલ્કાએ જઈને બારણું ખોલ્યું તો સામેની વ્યક્તિને  જોઈએ  ચમકી ગઈ.

''તમે?'' ઉલ્કાના ગળામાંથી જાણે ચીસ નીકળી. ''ફોન નહોતો કરાતો?'' હું તો બીકથી અધમૂઈ થઈ ગઈ.''

''અંદર આવું?' મુલાકાતીએ હાસ્ય વેરતાં પૂછ્યું પણ તેનું હાસ્ય વધેલી દાઢીમાં અટવાઈ ગયું.

ઉલ્કાનું ગળું રૃંધાઈ  આવ્યું અને અવાજ અંદરને અંદર અટવાઈ રહ્યો.

કેપ્ટન શિવાંગના ગઈ સાલ લગ્ન થયાં હતાં. પત્નીની પસંદગી બાબતનો સઘળો નિર્ણય તેણે આંજ્ઞાાકિત અને  ડાહ્યા દીકરા તરીકે મા-બાપને લેવાની  છુટ્ટી આપી દીધી હતી. જો કે  તેની માતાએ અવારનવાર સીધી કે આડકતરી રીતે શિવાંગને તેની પસંદગી અંગે પૂછી જોયું હતું. ઉપરાંત મનમાં  કોઈ અન્ય છોકરી હોય તો પણ વિનાસંકોચ જણાવવા આગ્રહ કર્યો, વધારામાં એમ પણ જણાવ્યું  કે  તારા માટે હું છોકરી શોધીને લાવીશ, તો અમારો વિરોધ નહીં હોય, પણ શિવાંગ તો આસામનાં જંગલોમાં એટલો કામમાં રહેતો હતો કે તેને આ બધી પસંદ-નાપસંદની ક્રિયામાં ભાગ લેવાનો જરા પણ સમય નહોતો. તેની મમ્મી તેને જેટજેટલા ફોટા જોઈને પસંદ કરવા માટે મોકલતી હતી, તે  તમામ ફોટોગ્રાફ કોઈ જાતના મત કે ટીકા વિના શિવાંગ પાછા મોકલી  આપતો.

''મા, તું જેને વહુ તરીકે અંતરથી સ્વીકારે, તેવી પત્ની મારે જોઈએ છે.'' શિવાંગ તરફથી કાયમ આ જ જવાબ મળતો, ''હા, લગ્ન પહેલાં એક વખત મળવાની સગવડ કરી આપજે...''

આ બહુ મોટી વાત નહોતી.  માએ આખરે ઉલ્કા  ઉપર પસંદગી ઉતારી. પિતાએ પણ સંમતિ આપી. સગાઈનુ ં મુહુર્ત પણ નક્કી થઈ ગયું. શિવાંગને મહામુશ્કેલીમાંથી પાંચ દિવસની રજા મળી હતી. સ્પોર્ટ્સ ક્લબમાં કન્યાપક્ષના વડીલોને મળીને ઉલ્કા સાથે વાતચીત  કરવાની  ગોઠવણ પણ થઈ ગઈ.

 શિવાંગે શરીર બરાબર ચોળીને નહાઈને જંગલની દુર્ગંધ પૂરેપૂરી દૂર કરી. બગલમાં ડિઓડરન્ટ લગાવ્યા પછી તૈયાર થઈને એ સ્પોર્ટ્સ ક્લબમાં પહોંચ્યો ત્યારે ઘડીભર સુગંધનો દરિયો છલકાઈ આવ્યો હોય  તેમ લાગ્યું.

ઉલ્કાનું સપનું હતું કે પતિ સૈનિક હોવો જોઈએ. હવે અત્યારે શિવાંગને સામે ઊભેલો જોઈને આકાશમાંથી એકસામટા તારલાઓ તૂટીને પગમાં આળોટવા લાગ્યા હોય તેમ અનુભવાયું. ઘણીબધી વાતો કરવાની મનમાં યોજના હતી પણ બધું જ ભૂલી ગઈ. મોઢા ઉપર જાણે સવા  મણનું તાળું દેવાઈ ગયું ન હોય!

મૌનની પાંચ મિનિટ પણ પાંચ  યુગ જેટલી લાગતી હોય છે. આખરે શિવાંગે જ મૌન તોડતાં  કહ્યું, ''મારું નામ કેપ્ટન શિવાંગ  છે! તમારું નામ શું છે?''

''ઉલ્કા...'' તે ધીમેથી ગણગણતી હતી.

''આજે સવારે તમે મીઠાવાળા ગરમ પાણીના કોગળા શા માટે નહોતા કર્યા?''શિવાંગે એકદમ નિર્દોષ ભાવે પૂછ્યું.

''શું ...?!'' ઉલ્કાના સ્વરમાં અચંબો હતો. 

''તમારું  ગળું બેસી ગયું છે, તેથી મારે પૂછવું પડયું!'' આ સાંભળીને ઈચ્છા ન હોવા છતાં ઉલ્કા ખડખડાટ હસી હતી.

''તમે સુંદર લાગો છો... હમેશાં આટલું  મજાનું હસો છો...?''

''હા,'' ઉલ્કાએ સહજપણે કહ્યું. પછી આગળ બોલી, ''સુગંધ સરસ આવે છે. તમે હમેશાં ખૂશ્બુથી આટલા તરબતર રહો છો?''

''રોજ તો નહીં, પરંતુ  ક્યારેક ખરો...''

શિવાંગે હસીને કહ્યું, ''આજે તો પાછો સ્પેશિયલ દિવસ ન ગણાય?''

આમ વાતોની થયેલી શરૂઆત ક્યાંય સુધી  ચાલ્યા જ કરી પછી તો લગ્ન પણ થઈ ગયાં, પરંતુ હનીમૂનનો સમય ન મળ્યો. તેથી પોતાની નવપરિણીત પત્નીને શિવાંગ પોતાની સાથે યુનિટમાં  લઈ ગયો. સૈન્યમાં નવપરિણીતને આવકારવાની અનોખી રીતો હોય છે. ઉત્સાહ અને આવેશમાં ઉલ્કાને એ યાદ ન રહ્યુ કે એ એક નવું  જીવન આરંભી રહી છે.

છેક સવારના ત્રણ વાગ્યે ઉલ્કા અને શિવાંગને પોતાના ઘેર જવા મળ્યું હતું. અંદર જઈને શિવાંગ પોતાની સીંગલ  બેડ પર ફસડાઈ પડયો.તેના શરીરમાં  થાક ઉપરાંત નશો પણ ફેલાઈ ગયો  હતો.

''સાંભળ....'' શિવાંગે ઘેઘૂર સ્વરે કહ્યું, ''મારા બૂટ ઉતાર...''

''શું?! '' ઉલ્કા ચમકી ઊઠી. પતિના બૂટ કાઢતાં તેણે કદી પોેતાની  મમ્મીને જોઈ નહોતી. 

''મેં  કહ્યું, મારા બૂટ કાઢ...' શિવાંગે દમામથી કહ્યું, ''તું મારી દાસી છે અને હું તારો માલિક છું.''

શિવાંગના આવા સ્વરૂપની તો તેને કલ્પના જ નહોતી.  તેનું મન ખળભળી ઊઠયું. તેણે જૂની અનેક ફિલ્મોમાં  પતિના બૂટ કાઢતી પત્નીને જોઈ હતી, પણ પોતાનાથી એવું થઈ શકશે? આ બધું તો તેની ગણતરી વિરુધ્ધનું હતું.

વિલંબ થતો જોઈને શિવાંગ ગરજ્યો,

''સાંભળ્યું નહીં? ઓબે માય  ઓર્ડર્સ...''

ઉલ્કા ડરી ગઈ. રડુ ંરડું થઈ ગઈ ત્યાં શિવાંગના ચહેરા  પર  તોફાની સ્મિત જોતાં  એને સમજાઈ ગયું કે એ નાટક  કરે છે. પછી તો એ પણ નાટકમાં સામેલ થઈ ગઈ.

''જી સરકાર!'' કહેતી ઉલ્કા બૂટ-મોજાં ઉતારવા લાગી. એટલામાં એકાએક દુર્ગંધનું મોજું આવ્યું. આ દુર્ગંધ તેના બૂટ-મોજામાંથી આવતી હતી. આ દુર્ગંધથી ઉલ્કાને ઉબકા  થવા લાગ્યા.

''શું થયું?'' ચિંતાભર્યા સ્વરે બોલતો શિવાંગ બેઠો થઈ ગયો અને ઉલ્કાને સાચવીને પકડી લીધી.  પછી બોલ્યો, ''આવું તો તારે રોજ સહન કરવું પડશે. એની ટેવ પાડતી જા.''

''એ  નહીં બને.'' ચહેરા ઉપર પાણી છાંટતા ઉલ્કા બોલી, ''આ દુર્ગંધ મારાથી નહીં સહેવાય.''

''આ પણ એક લડાઈ જ  ગણાય.'' શિવાંગે હસી પડતાં કહ્યું.

શિવાંગે પછી જ્યારે પોતાનું શર્ટ ઉતાર્યું ત્યારે પરસેવાની વાસ ચોપાસ ફેલાઈ ગઈ. ઉલ્કાએ તરત જ નાક આડે હથેળી મૂકી દીધી. આવી પરિસ્થિતિમાં જીવન ગુજારવું તેને દોહ્યલું લાગ્યું. તેનું મન ચિંતાથી ભરાઈ ગયું.

શિવાંગે અટ્ટહાસ્ય કરતાં કહ્યું, ''આ તો સૈનિકની ખરી મહેનતનો પરસેવો  છે. અમારા પરસેવાના એક ટીપાની કિંમત  એક બોટલ લોહી જેટલીગણાય છે અને સૈનિકના આ જીવનમાં તમારું હાર્દિક સ્વાગત છે....!''

''એ  બધું પછી, પણ પહેલાં એ કહો કે તમારું ડિઓડરન્ટ ક્યાં પડયું છે? તમારે એ ડઝનબંધ લાવી રાખવું પડશે.'' પોતાના નાકે સાડીનો છેડો દબાવી રાખતાં ઉલ્કા બોલી.

''આ તો હજી શરૂઆત જ છે. હજી આગળ શું થાય છે, એ તો જો...!'' શિવાંગે બાથરૂમ તરફ જતાં કહ્યું.

વળતા દિવસથી ઉલ્કાએ  ઘરમાં લશ્કરી હુકમો લાદી દીધા, ''બહારથી તમે જ્યારે પણ ઘરમાં આવો ત્યારે તમારાં બૂટ-મોજાં  બહાર જ ઉતારીને આવવું, અંદર આવીને સીધા બાથરૂમમાં  જવું, કપડાં ધોવા માટે પાણીમાં બોળીને પછી નહાઈ લેવું.  નહાયા-ધોયા બાદ શરીર ઉપર સારી પેઠે પાઉડર લગાવવો અને ત્યાર  પછી જ મારી  પાસે આવવું. મને દુર્ગંધ પ્રત્યે સખત એલર્જી છે. પહેલેથી જો ખબર હોત તો...

માતાનો હુકમ અનુસરવા ટેવાયેલા શિવાંગને ઉલ્કાના આદેશો પાળવામાં કશી અડચણ ન પડી.

''મને લાગે છે કે હું ગમે ત્યાં જઈશ છતાં મને માની ગેરહાજરી નહીં સાલે! એ પણ મને આમ જ કહેતી હોય છે....'' શિવાંગે  હસીને કહ્યું.

''એ ખૂબ જ સમજદાર વ્યક્તિ છે!''

ઉલ્કાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું.

ત્યાર પછીના થોડા જ સમયમાં શિવાંગના નવા પોસ્ટિંગ હુકમ આવી ગયો. ભૂજ કેમ્પમાં હાજર થતાં પહેલાં તેની બે અઠવાડિયાની રજા પણ મંજૂર થઈ ગઈ, એટલે ઉલ્કા સાથે  રજાઓ ગાળવા એ વતનમાં આવ્યો, પરંતુ  હજી દસેક દિવસ પણ નહીં થયા હોય ત્યાં  કારગિલ મોરચે સરહદો સળગી ઊઠી.  સઘળા આર્મી અધિકારીઓની રજાઓ રદ થઈ ગઈ. શિવાંગના યુનિટને તત્કાળ કારગિલ મોરચે પહોંચવાની તાકીદ મળી હતી. શિવાંગે તાબડતોબ ઊપડવાની તૈયારી કરી અને બીજા દિવસે લેહ  જવા માટે રવાના થયો. 

શિવાંગના ગયાને ઘણા દિવસો વીતી ગયા હતાં છતાં તેના તરફથી ક્ષેમકુશળના કશા સમાચાર નહોતા. તેણે ઉલ્કાને આશ્વાસન આપ્યું  હતું કે પહોંચતા જ ખબર આપશે અને બનશે તો દર અઠવાડિયે પત્ર લખશે, પરંતુ ખૂંખાર લડાઈ  ચાલતી હોય, તેમાં આટલી નવરાશ કોઈને મળે ખરી!

ફિલ્મ જોવાની અતિશય શોખીન ઉલ્કા ટી.વી.ના બધા મનોરંજક કાર્યક્રમો ભૂલીને આખો વખત ટી.વી. સમાચાર જ જોયા કરતી હતી. તેને  હર ઘડીએ લાગતું હતુ કે લડાઈ જીત્યાના કે યુદ્ધવિરામના સમાચાર ગમે તે ઘડીએ પ્રસારિત થશે...

બરફીલા  પર્વતો વચ્ચે ખેલાતું ભીષણ યુદ્ધ, અવિરત ચાલુ રહેતો તોપમારો, ઘવાતાં સૈનિકો,ે ખભા પર કોફિનમાં ઢબુરાઈને આવતાં જવાન અને અધિકારીઓનાં મૃતદેહો... આ બધું જોતાં જોતાં ઉલ્કા થરથરી ઊઠતી હતી. 

જીવનમાં પહેલી  ત એને આ  બધુ જોવા મળતું હતું. સામાન્ય માણસો માટે આ કદાચ રોજના કરતાં ંકંઈક અલગ પ્રકારનું પ્રસારણ હતું, પરંતુ સૈનિકોનાં કુટુંબો પર શું વીતતું હશે, એનો કોઈ સાચો અંદાજ બાંધી શકશે? ઉલ્કાની આંખો એ તમામ દ્રશ્યોમાંથી કશુંક શોધવા હરપળે પ્રયત્ન કર્યા કરતી હતી.

ટી.વી.  પત્રકારો જ્યારે શહીદોનાં કુટુંબીઓને મળતાં, ત્યારે કુટુંબીઓ કહેતાં કે ''અમારો દીકરો કે મારા પતિ કે અમારો ભાઈ દેશનું  રક્ષણ કરતા વીરગતિને પામ્યો તે બદલ અમે ગર્વ અનુભવીએ છીએ.

વખત આવે તો ઉલ્કા આ પ્રમાણે બોલી શકશે? તેનામાં એટલી હિંમત છે? ઉલ્કાએ જોરથી માથું ધુણાવીને પોતાના મનના તરંગો ખંખેરી નાખ્યા... અરેરે...કેવા કેવા ઊંધા ચત્તા  વિચારો આવે છે.

ટી.વી. સ્ક્રિન  પર બ્રિગેડિયર ઉમાકાંત હસતા દેખાયા. થોડા વખત પહેલાં જ તેમની ટુકડીએ ૫૧૪૦  પર્વત ઉપર કબજો કરી લીધો હતો. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, ''તમારો આ અનુભવ તમને કેવો લાગ્યો અને હવે તમે શું કરવા ઈચ્છો છો?'' તેનો જવાબ સાવ ટૂંકો હતો કે, ''યહ દિલ માંગે મોર...''

ઉલ્કાનું હૈયુ ભરાઈ આવ્યું.... આ બધામાં શિવાંગ ક્યાં હશે? તેનું રટણ એક ક્ષણ માટે પણ વિસરાતું નહોતું. આટલા સમૂહ વચ્ચે પણ તે પોતાને એકલી અનુભવતી હતી.

એવામાં એક દિવસ ઓચિંતો શિવાંગનો ફોન આવ્યો. ''હેલ્લો...હેલ્લો... '' શિવાંગનો સ્વર ઘણો ક્ષીણ જણાતો હતો.

''હેલો,  તમે કેમ છોે?'' ઉલ્કા મહાપરાણે એટલું બોલી શકી.

''હું મજામાં છું. ચિંતા ન કરશો અને તમારા સહુનો ખ્યાલ રાખજો...'' લગભગ ચીસ જેવા અવાજે શિવાંગે કહ્યું. આજુબાજુના ઘણા અવાજો   વચ્ચે તેનો અવાજ કંઈક દબાઈ જતો હતો.

''અમે બધાં અહીં મજામાં છીએ... તમે તમારો ખ્યાલ રાખજો...'' ઉલ્કાએ પણ બૂમ પાડીને જવાબ આપ્યો, એટલામાં ફોેન અચાનક કપાઈ ગયો. ત્યાર પછીથી તેના કોઈ સમાચાર ન આવ્યા. યુદ્ધ લગભગ અટકી ગયું હતું. તેમ છતાં ક્યાંય સુધી તેના સમાચાર ન આવ્યા. તેના યુનિટના ઓફિસર કમાન્ડિંગને પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ શિવાંગનો કશો પત્તો ન મળ્યો.

ઉલ્કાએ તપાસ કરવાના  તમામ પ્રયત્નો કર્યા પણ તેને ક્યાંયથી કશી સફળતા નહોતી  જણાતી. આજે અચાનક એ તેની સામે હાજરાહજૂર હતો.  બરફીલા પર્વતોના હવામાનથી તેના શરીર પર ઠેર ઠેર અસર થઈ હતી. ઊજળો રંગ સાવ કાળો મેશ થઈ ગયો હતો. શરીર પણ કૃષ થયેલું લાગતું હતું. યુદ્ધના સમયે ક્યારેય કોઈ સૈનિકના ખાવાનું  ઠેકાણું ન રહેતું હોય, વળી ખોરાકમાં ચણા, ગોળ, સાથવો અને ક્યારેક ક્યારેક ચોકલેટ કે બિસ્કિટ આપવામાં આવતાં હતાં.

ઉલ્કા બારણું વટાવીને આગળ વધી તે સાથે જ શિવાંગે તેન ેદૂરથી અટકાવી દીધી અને કહ્યું, ''હમણાં ઊભી રહે, છેલ્લાં પંદર દિવસથી હું નાહ્યો જ નથી કે  દાઢી પણ નથી કરી.  વળી કપડા પણ એકના એક જ પહેરી રાખેલાં છે. મને પોતાને મારા શરીરમાંથી અસહ્ય દુર્ગંધ  આવે છે. હું નહાઈ-ધોઈ લઉં, થોડો તાજો-માજો થઈ જાઉં, પછી ઘણી બધી વાતો કરવાની છે...''

પણ ઉલ્કા  કશું સાંભળવા તૈયાર ન હોય તેમ દોડીને શિવાંગની છાતીએ વળગી પડી. પછી શિવાંગના પણ બંને હાથ તેની આજુબાજુ  ભીંસ વધારતા ગયા. 


Google NewsGoogle News