Get The App

મહિલાઓની આંખની સમસ્યા માટે જવાબદાર બાયોલોજિકલ ઉપરાંત સામાજિક કારણો

Updated: Apr 15th, 2024

GS TEAM

Google News
Google News
મહિલાઓની આંખની સમસ્યા માટે જવાબદાર બાયોલોજિકલ ઉપરાંત સામાજિક કારણો 1 - image


- પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આંખની અમુક સમસ્યાનું જોખમ વધુ રહે છે. આથી જ  તેમની આવી વિશિષ્ટ જરૂરીયાતને અનુરૂપ ચોક્કસ સારવારની ખાસ જરૂર રહે છે. 

આપણી પાસે રહેલી પાંચ જ્ઞાાનેન્દ્રિયોમાંથી દ્રષ્ટિ સૌથી મહત્વની જ્ઞાાનેન્દ્રિય છે,પણ ડિજિટલ આંખ તણાવના વધતા કેસોને કારણે મોતિયા, વય સંબંધિત મેક્યુલર ડિજેનરેશન અને ડાયાબીટીક રેટિનોપેથી જેવી સમસ્યા વધુ વકરી છે. પરિણામે આ સમસ્યા વિશ્વભરમાં અંધાપા અને દ્રષ્ટિમાં ખામી માટે સૌથી મોટું કારણ બની છે.

નોંધનીય છે કે આંખની આવી સમસ્યાનો મહિલાઓ વધુ પ્રમાણમાં શિકાર બને છે અને તેના માટે બાયોલોજિકલ ઉપરાંત સામાજિક કારણો પણ એટલા જ જવાબદાર છે. સમયસરની સારવારથી મહિલાઓ દ્રષ્ટિમાં ખામી અથવા અંધાપાની સમસ્યાથી બચી શકે છે.

નિષ્ણાંતોના મતે મહિલાઓમાં આંખની સમસ્યા માટે બાયોલોજિકલ અને સામાજિક બંને કારણોને જવાબદાર ઠેરવી શકાય. મેનોપોઝ, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન હોર્મોનમાં થતા ફેરફાર જેવા બાયોલોજિકલ ફેરફારો આંખની સમસ્યા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

ઉદાહરણ તરીકે એસ્ટ્રોજેન આંખ માટે એક રક્ષણાત્મક આવરણનું કામ કરે છે જેના પરિણામે મેનોપોઝ પછી આંખની સમસ્યા માટે મહિલાઓ વધુ નબળી સાબિત થાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન પણ પેશીઓની સ્થિતિસ્થાપક્તામાં ફેરફાર થાય છે જેના કારણે મહિલાઓમાં નજીકની દ્રષ્ટિની ક્ષમતાને હાનિ પહોંચે છે. ઉપરાંત સગર્ભાવસ્થા દરમ્યાન થતા ડાયાબીટીસમાં પણ ડાયાબીટીક રેટિનોપેથીની સંભાવના વધી જાય છે.

આવા બાયોલોજિકલ પરિબળો તો બદલી શકાતા નથી, પણ મહિલાઓમાં જાગૃક્તા વધારીને તેમજ સમયસરની સારવારથી આ સમસ્યામાં નોંધપાત્ર રાહત જરૂર મેળવી શકાય છે.

બીજી તરફ સામાજિક પરિબળોમાં ગરીબી, જાતીય ભેદભાવ, અપૂરતુ પોષણ અને શિક્ષણ તેમજ આરોગ્ય સેવાનો અભાવ જેવા જટિલ પરીબળોની શ્રુંખ્લા આવા જૂથની મહિલાઓના જીવન પર વરવી અસર કરે છે.

જાતીય અસમાનતાને કારણે શિક્ષણની તકમાં અવરોધ થવાથી મહિલાઓના આવા પડકારોનો ગુણાકાર થાય છે અને અનેકવિધ પરિણામોની શ્રુંખ્લા સર્જાય છે. સ્વતંત્રતાના અભાવે મહિલાઓએ આર્થિક મુશ્કેલી અને પછી કુપોષણનો સામનો કરવો પડે છે. વધુમાં ઘણી મહિલાઓને તેમના સ્વાસ્થ્ય માટે યોગ્ય પસંદગી કરવાનો પણ અધિકાર નથી હોતો.

આથી જ પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આંખની અમુક સમસ્યાનું જોખમ વધુ રહે છે. આથી જ  તેમની આવી વિશિષ્ટ જરૂરીયાતને અનુરૂપ ચોક્કસ સારવારની ખાસ જરૂર રહે છે.

ગર્ભાવસ્થા દરમ્યાન દ્રષ્ટિમાં થતા ફેરફાર હોય કે ડ્રાય આંખ જેવી સમસ્યાની વધતી સંભાવના હોય, મહિલાઓની આંખની સમસ્યા વિશિષ્ટ ધ્યાન માગી લે છે. આંખની નિયમિત ચેકઅપ અને સમયસરની સારવારથી આવી સમસ્યા વધુ બગડતા અથવા અસાધ્ય બનતા અટકાવીને મહિલાઓના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. મહિલાઓમાં આંખની સંભાળના મહત્વ વિશે જાગૃક્તા ફેલાવીને તેમને દ્રષ્ટિનું રક્ષણ કરવા સક્ષમ કરી શકાય છે.

હોર્મોનલ વધઘટ, જીવનશૈલીની પસંદગીઓ અને આનુવંશિક વલણ જેવા પરિબળ પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવો સ્ત્રીઓમાં આંખની વિવિધ સમસ્યા માટે અસરકારક સારવાર આપવા મહત્વનો છે.

દ્રષ્ટિમાં ખામી દૈનિક ક્રિયાઓ, ભાવનાત્મક સુખાકારી અને સ્વતંત્રતાને કેવી રીતે અસર કરે છે તેની સમજદારી કેળવવી તેમજ  મહિલાઓની આંખના આરોગ્યને સુધારવા માટે વ્યાપક અને જાતીય ભેદભાવ રહિત સમયસરની સારવારને પ્રાથમિક્તા આપવી મહત્વની છે.

નિષ્ણાંતોના મતે આંખ પણ શરીરનું જ એક અંગ હોવાથી તેના આરોગ્ય માટે આહાર પણ એટલો જ મહત્વનો છે. મહિલાઓને આંખની સમસ્યા વધુ થવાની સંભાવના હોવાથી તેના આહારમાં ખાસ કાળજી લેવી જોઈએ અને પૂરતો પોષણયુકત આહાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. મહિલાઓએ પણ આ બાબતે સજાગ રહેવું જોઈએ.

ઉપરાંત આજના સમયમાં મહિલાઓમાં કરચલી દૂર કરતી કોસ્મેટિકના ઉપયોગનું પ્રમાણ વધ્યું છે. નિષ્ણાંતોના મતે આવા કોસ્મેટિક આંખથી દૂર લગાડવા જોઈએ. કેટલાક અભ્યાસમાં તેનાથી આંખની સમસ્યા થતી હોવાનું સિદ્ધ થયું છે.

આંખની ચોક્કસ સમસ્યા સાથે સંકળાયેલા સામાન્ય જોખમી પરિબળો વિશે મહિલાઓને વાકેફ કરવાથી તેમને આંખની સંભાળ લેવાની માહિતીસભર પસંદગી કરવાની તક મળી રહે છે.

અભ્યાસથી સિદ્ધ થયું છે કે આંખની બીમારીમાં જાતીય તફાવત છે. પુરુષોની સરખામણીએ મહિલાઓ વય સંબંધિત મેક્યુલર ડિજેનરેશન, મોતિયા અને ગ્લોકોમા જેવી દ્રષ્ટિ સંબંધિત સમસ્યાનો વધુ શિકાર બને છે. 

આવી સમસ્યાથી પીડાતા દર્દીઓ પૈકી મહિલાઓની સંખ્યા ૬૫ ટકા છે. ગ્લોકોમા અને મોતિયાના કેસો પૈકી મહિલાઓની સંખ્યા ૬૧ ટકા જ્યારે અંધાપામાં ૬૬ ટકા છે. આથી આંખની અમુક સમસ્યા માટે મહિલાઓએ પુરુષો કરતા વધુ સતર્ક રહેવું જરૂરી છે. ડ્રાય આંખની સમસ્યાનો દર પણ પુરુષો કરતા મેનોપોઝ પછીના તબક્કામાં મહિલાઓમાં બમણો છે.

- ઉમેશ ઠક્કર

Tags :