મુગ્ધાવસ્થાની મૂંઝવણ: કેવા વસ્ત્રો પહેરું?


જૂનાગઢ ઘણાં વર્ષ પહેલાના એક શૉમાં એક ટીનએજર મોડલ સંભાવના શેઠ  અને તે પહેલાં પૂણેમાં રાખી સાવંતના સ્ટેજ શોમાં તેનાં કપડાંને કારણે ખાસ્સી બબાલ થઈ ગઈ. પોલીસને રાખી સાવંત સામે કેસ દાખલ કરવો પડયો. સંભાવનાને મીડિયા સામે સ્પષ્ટતા કરવી પડી. આઈટમ ગર્લ્સના સ્ટેજ શૉમાં લોકો એમનાં કપડાંને ખમી શકે છે, કારણ કે ત્યાં માહોલ બીજો હોય છે, પણ પ્રશ્ન એ છે કે સામાન્ય જીવનમાં ટીનએજર્સે કેટલાં અંગપ્રદર્શનવાળાં કપડાં પહેરવાં જોઈએ?

સ્કૂલમાં તો યુનિફોર્મ પહેરવાનો જ હોય છે, પરંતુ સ્કૂલની બહાર કે સ્કૂલનાં કોઈ ફંક્શનમાં એકથી એક ચઢિયાતાં કપડાં પહેરવાની જાણે હરિફાઈ લાગી જાય છે.

સ્કૂલનું શિક્ષણ પૂરું થતાં જ જ્યારે કોઈ કૉલેજ કે અન્ય સંસ્થામાં પ્રવેશ થાય છે ત્યારે તો પોતાનાં પર લાગેલાં તમામ બંધનોને તોડવાનું જાણે સર્ટિફિકેટ ન મળી જતું હોય! કૉલેજનાં પુસ્તકોની ખરીદી પછી થશે, પણ પહેલાં તો ફેશનેબલ કપડાંનો સ્ટોક ભેગો થશે. ફેશનેબલ કપડાં પહેરવાં એ કંઈ ખોટી વાત નથી, એ તો ટીનએજર્સનો હક છે. તેઓ નહીં પહેરે તો ભલા કોણ પહેરશે? પરંતુ આ હકનો પણ તેને સાચો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. તેઓ ફેશન એવી કરે જે પ્રદર્શનમાં ન ખપે, પરંતુ તેમનાં શરીર પર શોભે.

ફિગરનું રાખો ધ્યાન

કપડાં પહેરતાં પહેલાં પોતાનાં ફિગરને ચકાસો. દરેકનું શરીર અલગ હોય છે. દરેક ફેશનેબલ વસ્ત્ર દરેકને નથી શોભતું. જો એક સ્કિન ફિટિંગવાળું જીન્સ તમારા સ્થૂળ નિતંબને કારણે તમને આકર્ષક નહીં, પણ કુરૂપ બનાવી રહ્યું હોય, તો તે યોગ્ય ન કહેવાય. ફેશન ડિઝાઈનરોનું કહેવું છે કે ફેશનેબલ કપડાં તમારાં આકર્ષક દેખાવ માટે હોય છે તમને કુરૂપ બનાવવા માટે નહીં.

આજકાલ સ્લીવલેસ પોશાકોની ફેશન છે. દરેક ટીનએજર તે પહેરવા માગે છે. યોગ્ય કટવાળો સ્લીવલેસ ડ્રેસ કે ટોપ સુડોળ બાવડાં વાળી યુવતીને આકર્ષક બનાવે છે, પરંતુ ડીપ કટવાળી સ્લીવલેસ પહેરો અને તેના પર પીઠ પરના બેગના પટ્ટાને ચુસ્ત રીતે બંને ખભા પર નાખો તો પાછળ રહેલાં પુસ્તકોના ભારથી એ સ્વીલેસમાંથી છાતીનો ભાગ દેખાયા કરશે.

મિસિસ વ્યાસ પોતાના પુત્ર કંદર્પના બી.ટેક.ના કાઉન્સિલિંગ સમયે એની સાથે હતાં. કંદર્પની આગળ એક છોકરીનો નંબર હતો. તેણે સૂટ પહેર્યોં હતો, પણ તેની સ્લીવલેસ શોર્ટ કુરતી ગળા અને બાવડાંના ભાગથી ડીપ કટવાળી હતી, જેનાથી તે સુંદર હોવા છતાં કુરૂપ દેખાતી હતી. તેને પણ કંદર્પવાળી કૉલેજમાં એડમિશન મળ્યું.

ઘણા મહિનાઓ પછી મિસિસ વ્યાસને એ છોકરી યાદ આવી તો તેમણે કંદર્પને પૂછ્યું કે એ છોકરી ભણવામાં કેવી છે? કંદર્પે જે જવાબ આપ્યો તે મિસિસ વ્યાસની એ છોકરી વિશે બાંધેલી ઈમેજ સાથે મળતો આવ્યો. તે બોલ્યો, ''મમ્મી, એ તો બહુ ચાલુ છોકરી છે. મોટાભાગે ક્લાસ બંક કરે છે. પાછળથી છોકરાઓને પટાવીને નોટ્સ લઈ લેતી હોય છે.''

આ એક ઉદાહરણ છે કે કોઈપણ પહેરવેશમાં તમે એના કેરેક્ટરને બરાબર માપી લો છો. કહે છે ને, 'ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન'. પહેલી ઈમ્પ્રેશન તમારાં કપડાંને જોઈને જ બંધાતી હોય છે એટલે કપડાંનો કટ એવો હોવો જોઈએ જેનાથી તમારી શાલીનતા ઝળકે, તમારું સાચું વ્યક્તિત્વ ઊભરી આવે અને એ ડ્રેસ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે.

સહજ બની રહો

ઘણીવાર 'હટકર' દેખાવાનાં ચક્કરમાં ઘણી ટીનએજ છોકરીઓ એવા કઢંગા દેખાતા કે બહુ જ ટાઈટ ડ્રેસ પહેરતી હોય છે. પછી આખો દિવસ અસહજ બની રહેતી હોય છે.

કપડાં એવાં હોવાં જોઈએ કે જેમાં તમે સહજતા અનુભવો. શિષ્ટ ડ્રેસ હશે તો દરેક વ્યક્તિ સારાં કોમ્પિલમેન્ટ આપશે અને તમારું કોમ્પિલમેન્ટ લેવલ ખાસ્સું વધી જશે. ઉત્તેજક કે અંગપ્રદર્શન કરતા ડ્રેસ પહેરવાથી તમને રસ્તે ચાલતા લોકો 'હાય સેક્સી', 'ક્યા લગ રહી હૈ' જેવાં વાક્યો કહેશે. કોચિંગ ઈન્સ્ટ્ટિયૂટ કે કૉલેજ જતી વખતે શિષ્ટ કપડાં પહેરો તો તમને પણ અસહજ નહીં લાગે  અને જોનારને પણ નહીં.

આજકાલ ઈન્સ્ટિટયૂટ કે કૉલેજમાં છોકરાછોકરીઓ સાથે સાથે ભણતાં હોય છે. ક્યારેક ક્યારેક ગુ્રપમાં બેસીને મસ્તી કરતા હો કે વાંચી રહ્યા હો ત્યારે તમારું શોર્ટ ટોપ પાછળથી ઉપર થઈને હિપ લાઈન દર્શાવી રહ્યું હોય અથવા ટેન્ક ટોપ તમારી છાતીનો ભાગ દેખાડતું હોય તો સારું નહીં લાગે.

સમય અને પરિસ્થિતિનું ધ્યાન

તમે ક્યાં જઈ રહ્યા છો અને શેમાં જઈ રહ્યા છો, એ હિસાબે પણ કપડાંની પસંદગી થવી જોઈએ. જો તમે દિલ્હીની બ્લ્યૂ લાઈન બસોમાં જઈ રહ્યા હો તો અંગપ્રદર્શન કરતાં કપડાં ક્યારેય ન પહેરો. ટીનએજર લજ્જા ગાઝિયાબાદથી દિલ્હી એકલી પોતાનાં મામાનાં ઘરે મિડી પહેરીને આવી તો આવતાવેંત તેના મામાએ તેને ધમકાવી કે તારાથી યોગ્ય કપડાં નહોતાં પહેરાતાં.

તેણે પૂછ્યું, ''આ કપડાંમાં શું ખોટું છે?''

મામાએ જવાબ આપ્યો, ''જો તું આવાં કપડાં પહેરીને તારી કારમાં આવી હોય તો કંઈ ખોટું નહોતું. જ્યારે તું તો આવી છે યુપી રોડવેઝની ભરચક બસમાં. જો બસમાં આવવાનું હોય તો તે પ્રકારનાં કપડાં પહેરો જેનાથી કોઈને છેડતી કરવાનું મન ન થાય.''

આ વાત લજ્જીના ગળે ઊતરી ગઈ. ફેશન ડિઝાઈનર્સને પણ છોકરીઓની સમસ્યા સમજાઈ ગઈ છે. તેમણે કેપ સ્લીવ્ઝ ફેશનમાં લાવી દીધી છે, જે સ્લીવલેસ લુક આપે છે અને આર્મહોલને પણ ઢાંકી રાખે છે. તેમણે જાડાં કે પાતળાં બાવડાંવાળી છોકરીઓ માટે ૩/૪ બાંયવાળું શર્ટ ફેશનમાં લાવી દીધું. આ રીતે સ્થૂળ નિતંબને ઢાંકવા માટે કુરતી પ્રચલિત બનાવી. ફેશન ડિઝાઈનરોના કહેવા મુજબ, ''મનપસંદ ફેશનેબલ કપડાં પહેરવાનું દરેક ટીનએજર્સને મન થતું હોય છે અને તેમણે પહેરવા પણ જોઈએ કારણ કે લગ્ન પછી તેઓ પોતાને મનપસંદ પોશાક પહેરી શકશે કે કેમ, પરંતુ પોતાની મર્યાદા પોતે જ નક્કી કરે. એટલાં શોર્ટ કપડાં ન પહેરો કે અંડરગાર્મેન્ટ્સ દેખાવા લાગે અને એટલું ટાઈટ પણ નહીં કે બ્રા પણ ચમકવા લાગે. પારદર્શક કપડાં નીચે સ્લિપ પહેરો અને બ્રા ડબલ લેયરવાળી.

પોશાક ખરીદો ત્યારે માતાને સાથે લઈ જાઓ અને ડ્રેસ ટ્રાયલરૂમમાં પહેરી જુઓ. ઘણીવાર ડ્રેસ જોવામાં સુંદર દેખાય છે, પણ પહેરવાથી વલ્ગર દેખાય છે. જાતે ખરીદ્યો હોય તો પણ ઘરે જઈને તેનું ફિટિંગ જોઈ લો.

- નયના

પહેરો જરા શાનથી

* લગ્નવિવાહ કે વ્યક્તિગત પાર્ટીમાં તમે શોલ્ડરલેસ, બેકલેસ જેવા ડ્રેસ પહેરી શકો છો.

* કૉલેજમાં કે કૉલેજની પાર્ટીમાં આવાં ડ્રેસની ઉપર જેકેટ પહેરી લો તો ગ્રેસફુલ દેખાશો.

* મોડી રાતની એવી પાર્ટી કે જેમાં તમે એકલાં હો અથવા ઓછી સ્ત્રીઓ હોય ત્યાં અંગપ્રદર્શનવાળા ડ્રેસ ન પહેરો તો સારું, નહીંતર રાખી સાવંત અને મીકા જેવા બનાવો બની શકે છે.

* ઓછાં વસ્ત્રો પહેરેલી છોકરીને લોકો 'ચાલુ' સમજી લેતા હોય છે અને જબરજસ્તી 'લિપ કિસ' જેવા બનાવો બની જાય છે.

* ગ્રેસફુલ રીતે પાર્ટીમાં જાઓ અને મર્યાદામાં રહો.

એક્ટ્રેસ કોયલપુરી કહે છે, ''તમે તમને પોતાને માન આપશો તો લોકો પણ તમને માન આપશે, પછી ભલે તમે શોર્ટ સ્કર્ટમાં કેમ ન હો.''

City News

Sports

RECENT NEWS