વર્ષાઋતુ : છત્રી-રેઇનકોટ અને રોમાંસની મોસમ
એક સાથે પલળવાની અને ભીના થવાની ભાવના તમારી વચ્ચેના અંતરને પણ દૂર કરી નાખે છે. છેવટે કાંઇ ન કરવું હોય તો વરસાદમાં ભીનાં થાઓ અને એ જ ભીનાં કપડે પોપકોર્ન ખાતાં ખાતાં એકબીજાને ચીટકીને એકાદી ફિલ્મ જુઓ...
ફરી આવી વરસાદની ઋતુ. મેઘ વરસેને યુવાનોના હૈયામાં ઉમંગ હિલોળા લેવા માંડે. બાળકો પહેલાં વરસાદમાં નહાવા કલબલાટ કરતાં હોય તો મોટેરાંઓ માટીની સુંગંધની મહેક માણતા હોય, પણ હવે વરસાદ માત્ર કવિતાઓ કરવા માટે નથી. બધાંને વરસાદની મજા લેવી છે અને ભીનાં પણ નથી થવું. તો શું થયું? આ વર્ષે વરસાદની આખી એક ફેશન ઉભી થઇ છે. ભારતના ડ્રેસ ડિઝાઇનરોની અચાનક આ બાબતે ઊંઘ ઉડી ગઇ છે.
લોકોમાં વરસાદી કપડાંની મોટી માંગ છે. બધી દુકાનો ખાસ પ્રકારના ફેશનેબલ વસ્ત્રોથી ઊભરાવા માંડી છે. હજી તો આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળા વરસવાની શરૂઆત કરે તે પહેલાં જ ડિઝાઇનર સંગીતા ક્રિષ્નાની અને કે પ્રકાશે ઝડપથી સૂકાય તેવાં 'વોશ એન્ડ વેર' કપડાંની રેન્જ બજારમાં મૂકી દીધી છે.
ક્રિષ્નાની (૧૯૮૨ની મિસ ઇન્ડિયા અને હાલમાં કપડાના નિકાસનો મોટો બિઝનેસ ધરાવે છે) કદાચ ચોમાસાનાં ખાસ કપડાનું કલેક્શન બહાર પાડનાર ભારતની પ્રથમ ડિઝાઇનર ગણી શકાય. એનાં કપડામાં વધુમાં વધુ ભારતીયતાની છાંટ છે. ક્રેપ (સેન્ડ અને મેટ) રંગનાં અને જોર્જેટ (બટ અને સેન્ડ રંગના) કપડાઓમાં ગળા અને બાંયના ભાગમાં એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. આવા કપડાને બહુ જાળવવાની જરૂર પડતી નથી.
એમ્બ્રોઇડરીમાં વપરાયેલું રેશમ પણ મજબૂત રંગનું છે. ક્રિષ્નાનીને એ વાતની ખાતરી છે કે આ વસ્ત્રો ભાતીગળ છાંટ ધરાવે છે એટલે મોટાભાગની ભારતીય સ્ત્રીઓને જરૂર ગમશે. એનાં વસ્ત્રોનાં કલેક્શનમાં આછા અને ઘેરા રંગની એટલી બધી વિવિધતાઓ છે કે રૂ. ૯૦૦થી વધુમાં મળતાં આ વસ્ત્રો ઓફિસ કે ખાસ પ્રસંગોએ પહેરવા માટે પણ બંધબેસતા રહેશે.
પ્રકાશે પણ ભારતીય ડિઝાઇનો પર પસંદગી ઉતારી છે. હાથેથી પ્રિન્ટ કરેલાં સાડી અને સલવાર સૂટમાં સાટીનનું પણ વણાટકામ થયેલું છે. હેન્ડપ્રીન્ટ કરાયેલી સાડીઓ (રૂ. ૩,૦૦૦થી વધુ) ખરેખર ભારતીય પરંપરાને ધ્યાનમાં લઇને બનાવાયેલી છે. જેમાં ભૂમિગત રંગોના આધારે બાંધણી અને મંદિરની કોતરણી જેવી ડિઝાઇનો બનાવવામાં આવેલી છે.
જોકે, કપડાં, મોંઘા પહેરીને પણ વરસાદ આવે એટલે એને રેઇનકોટથી ઢાંકવાના જ છે. વરસાદ સાથે રેઇનકોટ અને છત્રી એટલાં બધાં ભળી ગયા છે કે એકબીજાથી અલગ કરી શકાય નહીં. આજે જાતજાતનાં રેઇનકોટ અને છત્રીઓ બજારમાં મૂકાયા છે. રેઇનકોટનું કામ માત્ર શરીરને કોરાં રાખવાનું જ નહીં, સુંદર દેખાડવાનું પણ છે. એવી માન્યતા લોકોમાં દ્રઢપણે છવાઇ છે. સુંદર અને રંગબેરંગી ડિઝાઇનો ધરાવતાં રેઇનકોટથી માંડીને તદ્દન પારદર્શક રેઇનકોટ પણ ઉપલબ્ધ છે.
આમાંના ઘણાં વજનમાં હલકાં અને પહેરવામાં સરળ છે તથા તેમાં હવાની અવરજવર રહેવા છતાં ભીનાં થવાતું નથી, અમુક પ્રકારના રેઇનકોટ તો તમે પહેરેલાં જિન્સ સાથે પણ મેચ થાય તેવા હોય છે. આજ પ્રકારની વિવિધતા છત્રીઓમાં જોવા મળે છે. આયાતી નાયલોન કપડાં અને ફેમની બનેલી છત્રીઓમાં જોવા મળે છે. આયાતી નાયલોન કપડાં અને ફેમની બનેલી છત્રીઓ કાટ ન ખાય તેવી અને ગમે તેટલાં પવનમાં પણ 'કાગડો' ન થઇ જાય તેવી ગેરંટી સાથે મળે છે.
એક જાણીતી કંપનીએ આ વર્ષે એવી છત્રી બજારમાં મૂકી છે જેમાં હાથાની અંદર ટોર્ચ રખાયેલી હોય છે. અંધારી રાત્રે વરસતાં વરસાદમાં હવે તમારે ઠેબા ખાવાની જરૂર નહીં પડે કારણ કે છત્રીની અંદર સિલ્વર રંગનું અસ્તર હોવાને લીધે હાથમાં ચળકતી ટયુબલાઇટનું અજવાળું તમે ચાલતાં હો ત્યાં ફેલાય છે. આવી છત્રીથી તો ચોમાસુ પણ ચમકી ઊઠે.
પણ ચોમાસાની ઋતુ એટલે તનની સાથે મનને પણ ચમકાવવું. મનને ચમકાવવા રોમાન્સથી બીજો શ્રેષ્ઠ ઉપાય હોઇ શકે ખરો? હાથમાં હાથ નાખીને વરસતા વરસાદમાં ભીંજાવાની વાત પર તમે વરસો સુધી ધૂળ ચઢાવી દીધી હોય તો આ વરસાદમાં એને સાફ કરી નાખો. ગરમાગરમ મકાઇના ડોડા પર મીઠું, મરચું અને લીંબુ ભભરાવી ખાવાની મજાનો સ્વાદ કાંઇક ઓર જ છે. નરીમાન પોઇન્ટ પર જોરજોરથી ધસી આવતાં મોજાં અને વરસતા વરસાદમાં તમને ક્યારેય ઠંડાગાર થવાનો મોકો મળ્યો છે? નહીં ? તો તો પછી આ વર્ષે એ મોકો ચોરી જ લો અને વરસાદમાં ધીંગામસ્તી કરતાં મોજાંની સાથે તમે પણ એક થઇ જાઓ.
આપણે પણ હિંદી ફિલ્મનાં હીરો-હિરોઇન છીએ, એવું થોડીવાર માની લેવામાં શું વાંધો છે? એક સાથે પલળવાની અને ભીના થવાની ભાવના તમારી વચ્ચેના નાના અંતરને પણ દૂર કરી નાખે છે. છેવટે કાંઇ ન કરવું હોય તો વરસાદમાં નીતરીને ભીનાં થાઓ અને એ જ ભીનાં કપડે પોપકોર્ન ખાતાં ખાતાં એકબીજાને ચીટકીને એકાદી ફિલ્મ જુઓ... કેમ? શું વિચારમાં પડી ગયા?
- નીલા જોશી