Get The App

ગરમીના દિવસોમાં કરો ટાઢકની અનુભૂતિ કરાવતી ગૃહ સજાવટ

Updated: Mar 14th, 2023

GS TEAM


Google News
Google News
ગરમીના દિવસોમાં કરો ટાઢકની અનુભૂતિ કરાવતી ગૃહ સજાવટ 1 - image


- બેડરૂમને સમર લુક આપવાનું ખાસ મુશ્કેલ નથી.તમે ગુલાબી કે રાતા ફૂલોની ડિઝાઇનવાળી સફેદ બેડશીટ કે પછી એ પ્રકારની ડિઝાઇન ધરાવતાં પડદા લગાવી શકો.જોકે બંને વસ્તુ એક જ ડિઝાઇનની ન રાખો.તેની સાથે વાઇટ લેમ્પ,વૉર્મ લાઇટ્સ સુંદર લાગશે.

મોસમ પ્રમાણે ગૃહ સજાવટમાં બદલાવ કરવાથી ઘરનું વાતાવરણ આહ્લાદક બની જાય છે. ભલે આપણે  દરેક  ઋતુમાં આખા ઘરની સજાવટ ન બદલી શકીએ, પરંતુ તેમાં વત્તાઓછા અંશે ફેરફાર કરવાથી પણ ઘણો ફરક પડે છે. હમણાં ગરમીનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઘરમાં ઠંડકનો અનુભવ કરાવે એવી  સજાવટ કરો. આને માટે શું કરી શકાય  તેની જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે....,

* ઘરની કોઇ એક દિવાલ પર સનશાઇન યેલો વૉલ પેપર લગાવડાવી લો.તમે ચાહો તો ફ્લોરલ ડિઝાઇનના વૉલ પેપર પણ લગાવડાવી શકો.

* જો દિવાલ પર કાંઇ કામ ન કરાવવું હોય તો ફ્લોરલ થીમવાળી પેઇન્ટિંગ પણ લગાવી શકાય.

* વૉલ પેપર અને પેઇન્ટ પ્લેન હોય તો ફૂલોની ડિઝાઇનવાળા પડદા લગાવો.

* પારદર્શક ફૂલદાનીમાં કલરફુલ ગ્લાસ શોપીસ નાખો.અથવા આવા ફ્લાવરવાઝમાં તાજાં ફૂલો સજાવો.

* ઘરના ખૂણે નાના નાના  ઇનડોર પ્લાન્ટ ઉગાડો.તેનો લીલો રંગ આંખોને ટાઢક આપવા સાથે ઘરમાં પ્રાણવાયુની આપૂર્તિ પણ કરશે.

* જો ઘર નાનું હોય અને ઇનડોર પ્લાન્ટની સજાવટ કરવાનું શક્ય ન હોય તો ઘરની બારીમાં હેંગિંગ પ્લાન્ટ્સનો વિકલ્પ અપનાવી શકાય.

* બેઠક ખંડના સેંટર ટેબલ પર ગુલાબ,જાસવંતી,ચમેલી જેવા તાજાં વિવિધરંગી ફૂલો ગોઠવવાથી ઓરડો મહેકી ઉઠશે.જો તમે આવા ફૂલોની સજાવટ કરો તો ટેબલક્લોથ પ્લેન રાખો.

* જો તમારા ઘરમાં લાઇબ્રેરી હોય તો તેને તાજગીભર્યો લુક આપવા ત્યાં કલરફુલ ફ્લાવર્સ ગોઠવો,ન્યુટ્રલ બેકડ્રોપ રાખો,રંગબેરંગી બોક્સ ગોઠવો.

*  બેડરૂમને સમર લુક આપવાનું ખાસ મુશ્કેલ નથી.તમે ગુલાબી કે રાતા ફૂલોની ડિઝાઇનવાળી સફેદ બેડશીટ કે પછી એ પ્રકારની ડિઝાઇન ધરાવતાં પડદા લગાવી શકો.જોકે બંને વસ્તુ એક જ ડિઝાઇનની ન રાખો.તેની સાથે વાઇટ લેમ્પ,વૉર્મ લાઇટ્સ સુંદર લાગશે.ઓરડામાં દિવસ દરમિયાન ગુલાબના ફૂલો અને સાંજે રજનીગંધાના કુસુમોની સજાવટ તનમનને ટાઢક આપશે.

* ઊનાળુ સજાવટમાં ફ્લોરલ ઉપરાંત સ્ટ્રાઇપ્સ પ્રિન્ટ પણ સુંદર લાગે છે.તેથી તમે પડદા, કુશન,બેડશીટ ઇત્યાદિ માટે સ્ટ્રાઇપ્સવાળું ફેબ્રિક પણ પસંદ કરી શકો.

* ગરમીમાં શ્વેત રંગ હંમેશાં ટાઢક આપે છે. તેથી જો તમારા ઘરની દિવાલો સફેદ અથવા ક્રીમ રંગે રંગાયેલી હોય તો તમે કોઇપણ થીમ આસાનીથી પસંદ કરી શકો છો.ખાસ કરીને સાઇટ્રસ, એટલે કે નારંગી,મોસંબી, લીંબુ, સ્ટ્રોબેરી જેવા રંગોનું ડેકોરેશન તેની સાથે ખૂબ જચે છે.

* ફ્લોરલ થીમમાં પિંક ઉપરાંત લેવેન્ડર, યેલો, એક્વા બ્લુ જેવા સોફ્ટ કલર્સ ઘરને તાજગીભર્યોલુક આપે છે.

* ઘરમાં અરોમા કેંડલ્સનો ઉપયોગ પણ વાતાવરણને મહેકાવી દેશે.

- વૈશાલી ઠક્કર

Tags :