- વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં નિસ્તેજ બનતાં કેશ-ચામડી પરત્વે ધ્યાન આપવું જરૂરી
વર્ષા ઋતુનું આગમન થતાં જ કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. વરસાદના કારણે પ્રસરેલી ઠંડક તન-મનને પણ શાતા આપે છે. પરંતુ આ સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધતાં શારીરીક સૌંદર્યનું રખોપું કરવું થોડું મુશ્કેલ બને છે. ભેજને કારણે પરસેવો અને તૈલી ગ્રંથિમાંથી ઝરતો સ્ત્રાવ ત્વચા પર ચીપકી રહે છે અને ત્વચા નિસ્તેજ દેખાય છે. ત્વચા અને માથામાં રહેલા પરસેવો વાતાવરણમાં રહેલી રજકણ અને અન્ય પ્રદૂષિત તત્વોને આકર્ષે છે. શેમ્પૂ કર્યાના થોડા સમય બાદ વાળ ચમક ગુમાવે છે. આથી ચોમાસામાં વાળ અને ત્વચાની ખાસ સંભાળ લેવી જરૂરી છે.
વાળની સંભાળ : વાળના છેડા એકદમ શુષ્ક અને બેમોઢાળા (સ્પિલટ્સ) થઈ ગયા હોય તો તેને નીચેથી થોડા કાપી નાંખવા જોઈએ. ચોમાસામાં વાળને વધુ સમય રબરબેન્ડથી બાંધી રાખવાનું કે હેરડ્રાયર અને હેર બ્રશનો ઉપયોગ કરવાનું ટાળવું. સપ્તાહમાં બે વખત નારિયેળના તેલને ગરમ કરી વાળમાં લગાડવું. આખી રાત વાળને તેલવાળા રાખી પછી બીજે દિવસે ધોઈ નાંખવા. યાદ રાખો કે, તમામ ઋતુ માટે જુદો જુદો શેમ્પૂ વાપરવો. જેમ કે, ઉનાળામાં વાળને રોજ ધોવાના હોવાથી એકદમ માઈલ્ડ શેમ્પૂ વાપરવો. ચોમાસામાં વાળની ચમકને જાળવી રાખવા સ્ટ્રોંગ શેમ્પૂ વાપરવો. જ્યારે શિયાળામાં વાળ ઝડપથી શુષ્ક ન થઈ જાય તે માટે મોઈશ્ચરાઇઝિંગ શેમ્પૂ વાપરવો જોઈએ.
જો તમારા વાળ શુષ્ક હોય તો કંડિશનર લગાડી વાળમાં હળવા હાથે થોડો મસાજ કરવો. વાળના નીચના છેડા પર પણ કંડિશનર લગાડો પછી બે મિનિટ બાદ સાદા પાણીથી વાળ ધોઈ નાખવા.
શુષ્ક અને ખરાબ થઈ ગયેલા વાળ માટે ઘરગથ્થુ કંડિશનર :
બે ચમચા દિવેલનુ ંતેલ, એક લીંબુનો રસ અને એક ચમચી ગ્લિસરીન મિક્સ કરીને તેને વાળમાં મસાજ કરતાં કરતાં લગાડો. પછી અડધો કલાક રહીને વાળને ધોઈ નાંખવા.
ચોમાસામાં પણ માથામાં ખોડાની સમસ્યા જોવા મળે છે. નારિયેળ, તેલ કે ઓલિવ ઓઈલને ગરમ કરીને પછી રૂના પૂમડાં વડે તેને માથામાં ઘસો. આમ કરવાથી માથામાં રહેલી મૃત ત્વચાની પોપડીઓ ઉખડી જશે. ત્યારબાદ એક ટુવાલને ગરમ પાણીમાં બોળીને તેને માથા પર પાઘડીની જેમ વીંટાળો. પાંચ મિનિટ બાદ ટુવાલ કાઢી ફરી તેને ગરમ પાણીમાં બોેળો અને માથા પર બાંધો. આ પ્રમાણે ચાર થી પાંચ વખત કરવું. આ કારણે માથામાં તેલ પૂરેપૂરું શોેષાઈ જશે.
બીજે દિવસે એક લીંબુના રસને માથામાં લગાડી અડધો કલાક બાદ વાળીને ધોઈ નાંખવા.
ખોડાથી મુક્તિ માટે નીચેની યુક્તિ પણ અજમાવી શકાય.
* મેથીના દાણા : એક ચમચો મેથીના દાણાનો ભૂકો કરી તેને બે કપ ઠંડા પાણીમાં આખી રાત પલાળવો. બીજે દિવસે આ પાણીને ગાળીને વાળ ધોવાઈ ગયા બાદ છેલ્લે તેને માથામાં રેડવું.
* લીમડાના પાન : બે મુઠ્ઠી લીમડાના પાનને ચાર કપ ગરમ પાણીમાં આખી રાત પલાળી રાખવા. બીજ દિવસે સવારે પાણીને ગાળી લઈને વાળ ધોવાઈ ગયા બાદ છેલ્લે તેને રેડવું. આનાથી ખોડો દૂર થશે તથા માથામાં કોઈ ચેપ લાગશે નહીં.
* એક મગ પાણીમાં એક લીંબુનો રસ અને અડધો કપ ગુલાબજળ મિક્સ કરી વાળ ધોવાઈ ગયા બાદ છેલ્લે આ મિશ્રણને માથા પર રેડો.
* એક ચોખ્ખા કપડા પર કોલોન નાંખો. આ કપડાંને બ્રશ પર વીંટાળો અને તે બ્રશથી વાળ ઓળો. આનાથી વાળમાં રહેલી રજકણ અને તેલ દૂર થશે તથા સુગંધ આવશે.
* વાળમાંથી દુર્ગંધ અને તેલ દૂર કરવા માટે એક મગ પાણીમાં થોડા ટીપાં કોલોનનાં ઉમેરી છેલ્લે તેને વાળ પર રેડવું. આનાથી એકદમ ઠંડક પણ લાગશે.
વાળમાં તેલ, ગૂંચ તથા ખોડો હોય ત્યારે ક્રીમી હેર કંડિશનર વાપરવાને બદલે ઉપર જણાવેલી રીતે છેલ્લે વાળ પર પ્રવાહી રેડવું. આનાથી વાળ ચમકીલા બનશે. તૈલી વાળમાં છેલ્લે લીંબુનો રસ ધરાવતું પાણી રેડવામાં આવે તો વાળમાં રહેલું એસિડ-અલ્કલાઈનનું પ્રમાણ જળવાય છે.
આઠ ભાગ પાણી અને એક ભાગ વિનેગરને મિક્સ કરી વાળ ધોવાઈ ગયા પછી છેલ્લે રેડવું. વિનેગરથી પણ વાળમાં એસિડ-અલ્કલાઈનનું પ્રમાણ જળવાઈ રહેશે તથા માથામાં કોઈ ચેપ લાગશે નહીં.
એક મુઠ્ઠી ગલગોટાના તાજાં અથવા સુકા ફૂલોને ત્રણ કપ ગરમ પાણીમાં એક કલાક પલાળી રાખવા. પછી આ પાણીને ગાળીને વાળ ધોયા પછી રેડવું. તે જ પ્રમાણે ચાની ભૂકીને પાણીમાં ઉકાળો. આ પાણીને ગાળીને ઠંડુ કરવું અને વાળ ધોવાઈ ગયા પછી છેલ્લે રેડવુંં. ચામાં ટેનિન હોય છે. આથી વાળની ચમક વધશે અને તે મુલાયમ બનશે.
ત્વચાની સંભાળ : ભેજવાળા વાતાવરણમાં ત્વચા પરના રોમછિદ્રો સ્વચ્છ રહે તે જરૂરી છે. આથી મોઢું ધોવાઈ ગયા પછી ક્લિન્સીંગ ગ્રેન્સને સ્કિન ટોનિક સાથે મિક્સ કરી ચહેરા પર લગાડી હાથને વર્તુળાકાર ફેરવો. ફેસિયલ સ્ક્રબનો પણ આ જ રીતે ઉપયોગ કરવો. પછી સાદા પાણીથી ચહેરો ધોઇ નાંખવો. ચોમાસામાં અનેક વેળા સાદાપાણીથી ચહેરો ધોઈ શકાય છે તે વાત હંમેશા યાદ રાખવી.
હોમ ફેસિયલ સ્ક્રબ : તૈલી ત્વચા માટે ચોખાના ભૂકામાં ગુલાબજળને મિક્સ કરવું.
સામાન્યથી શુષ્ક ત્વચા માટે બદામના ભૂકામાં દૂધ અથવા ગુલાબજળ મિક્સ કરવું.
મિશ્ર ત્વચા માટે ઓટમીલમાં દહીં મિક્સ કરીને ત્વચા પર લગાડવું. ૨૦ મિનિટ બાદ ત્વચાને પાણીથી થોડી ભીની કરી હળવા હાથે ઘસવી અને પછી પાણીથી ધોઈ નાખવી. સ્ક્રબને કારણે ચહેરા પર રહેલા બ્લેકહેડ્સ પણ દૂર થઈ જાય છે.
તૈલી ત્વચા ધરાવતી માનુનીએ દરરોજ સ્ક્રબનો ઉપયોગ કરવો. શુષ્ક ત્વચા ધરાવનારે સપ્તાહમાં એક કે બે વખત જ સ્ક્રબનો ઉપયોગ કરવો. સ્ક્રબને ખીલ કે ફોડલીઓ પર લગાડવું નહીં.
ભેજવાળા વાતાવરણમાં ત્વચાને સાફ અને રીફ્રેશ રાખવા માટે સારા સ્કિન ટોનીકનો ઉપયોગ કરવો જરૂરી છે. રોઝ કે લવેન્ડરની સુગંધ ધરાવતું હળવું સ્કિન ટોનિક લેવું. આનાથી ત્વચા પર તાજગીસભર અહેસાસ થશે. આનાથી રોમછિદ્રો પુરાઈ જશે, ત્વચા ટાઈટ થશે અને રુધિરાભિસરણ પણ સુધરશે.
રોઝ વૉટર એટલે કે ગુલાબજળ ઉત્તમ સ્કિન ટોનર છે. આનાથી ત્વચાને ઠંડક અને તાજગી લાગે છે. ત્વચાને ક્લિન્સ કર્યા પછી રૂના પૂમડાં વડે ગુલાબજળ લગાડો. ગુલાબજળ ઠંડુ હોય તો વધુ સારું ગણાય છે. ચોમાસામાં ચહેરા પર વારંવાર ઠંડુ ગુલાબજળ લગાડો.
ચોમાસામાં ત્વચા પર ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આ કારણે ત્વચા પર ફોડલીઓ અને ખીલ ઉપસી આવે છે. ત્વચા પર ખીલ થતાં હોય તો :
* ચહેરાને ક્લિન્સ કરીને લીંબુના રસ અને ગુલાબજળને સરખા ભાગે લઈને ચહેરા પર લગાડો. ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો.
* ચંદનની પેસ્ટને ગુલાબજળમાં મિક્સ કરી ફોડલીઓ કે ખીલ હોય ત્યાં લગાડો. અડધા કલાક બાદ તે ભાગને પાણીથી ધોઈ નાંખો.
* મેથીના પાનની પેસ્ટને પણ ચહેરા પર લગાડી શકાય છે.
ચોમાસામાં પગ સ્વસ્થ રાખવા માટે પા બાલ્દી ગરમ પાણીમાં અડધો કપ આખું મીઠું અને ૧૦ ટીપાં લેમન અથવા ઓરેન્જ એસેન્શીયલ ઓઈલના નાંખવા. જો એસેન્શિયલ ઓઈલ ન હોય તો લીંબૂ કે સંતરાનો રસ નાંખવો. જો તમારા પગમાં ખૂબ પરસેવો થતો હોય તો આ પાણીમાં થોડા ટીપાં ટી ટ્રી ઓઈલના નાંખવા. પછી આ પાણીમાં પગને ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખવા. ત્યારબાદ પગને ધોઈને ફૂટ લોશન લગાડવું.
*હેન્ડ એન્ડ ફૂટ લોશન : ત્રણ ચમચા ગુલાબજળ બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી ગ્લિસરીનને મિક્સ કરો. આ લોશનને હાથ અને પગ પર લગાડી અડધો કલાક રહેવા દેવું.
*કુલીંગ ફૂટ બાથ : ઠંડા પાણીમાં ગુલાબજળ, લીંબુનો રસ, અને થોડાં ટીપાં કોલોનના મિક્સ કરવા. આ પાણીમાં પગ રાખવાથી ઠંડકનો અહેસાસ થશે અને પરસેવાની દુર્ગંધ દૂર થશે.
*સિલ્કી હેન્ડ : બે ચમચા સનફ્લાવર તેલ, બે ચમચા લીંબુનો રસ અને ત્રણ ચમચા સાકરને મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ વડે હાથ પર મસાજ કરો અને ૧૫ મિનિટ બાદ હાથ ધોઈ નાંખો.
- રેણુ


