Get The App

સહિયર સમીક્ષા .

Updated: Feb 17th, 2025


Google News
Google News
સહિયર સમીક્ષા                                                                        . 1 - image


- મને એક છોકરા સાથે પ્રેમ હતો. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો. 

* હું ૨૮ વરસનો છું. અને મારી નોકરી પણ સારી છે. અમારી પાડોશમાં રહેતી ૨૬ વરસની એક છોકરી સાથે મને પ્રેમ છે. પરંતુ આ છોકરીના માતા-પિતા અમારા લગ્ન માટે રાજી નથી. તેમની પુત્રી બદલ તેઓ ઘણા મહત્વાકાંક્ષી છે અને આ છોકરી તેના માતા-પિતાની મરજી વિરુધ્ધ જાય તેમ નથી. આ બાજુ મારા માતા-પિતા મારે માટે એક છોકરી શોધી રહ્યા છે. મને લાગે છે કે માતા-પિતાએ શોધેલી છોકરીને હું પ્રેમ કરી શકીશ નહીં. હું તેને અન્યાય કરવા માગતો નથી. મારે શું કરવું એ સમજાવવા વિનંતી.

એક યુવક (વડોદરા)

* તમારા આ પ્રેમસંબંધનું કોઇ ભવિષ્ય નથી. એ છોકરી તમારી સાથે લગ્ન કરશે નહીં. એની તમને ખાતરી હોય તો તેની સાથે ચર્ચા કરીને આ સંબંધનો અંત લાવવામાં જ તમારી ભલાઇ છે. ફિલ્મોની જેમ વાસ્તવિક જીવનમાં પ્રેમ સંબંધનો સુખી અંત આવતો નથી. તમારે પરિસ્થિતિ સાથે સમાધાન કરી તમારા જીવનમાં આગળ વધવું જ પડશે. અત્યારે તમને લાગે છે કે તમે એ છોકરીને ભૂલી શકશો નહીં. પરંતુ સમય દરેક દર્દની દવા છે. ધીરે ધીરે તમે એને ભૂલી જશો અને તમારી પત્નીને પ્રેમ પણ કરવા લાગશો.

* હું ૨૦ વર્ષની છું. ૨૨ વર્ષના એક છોકરા સાથે મને છેલ્લા બે વરસથી પ્રેમ છે. પરંતુ અમે છેલ્લા છ મહિનાથી જ સાથે ફરવાનું શરૂ કર્યું છે. પરંતુ મારા માતા-પિતાને આ છોકરો ગમતો ન હોવાથી મને આ સંબંધ તોડી દેવાની ફરજ પડી છે. પરંતુ મને એ છોકરા પર ઘણો પ્રેમ છે. મેં એને મારી પરિસ્થિતિ સમજાવી છે. પરંતુ તે આ બાબતની ચર્ચા કરવા પણ માગતો નથી કે આ સંબંધ તોડવાનો પણ તેનો ઇરાદો નથી. મારે શું કરવું એ જણાવવા વિનંતી.

એક યુવતી (સુરત)

* આ ઉંમરે તમારે તમારા માતા-પિતાની મરજીને માન આપવું જરૂરી છે અને આમ પણ જિંદગીનો મહત્ત્વનો નિર્ણય લેવા માટે તમારી ઉંમર ઘણી નાની છે. તમારે હજુ તમારા વિચારોમાં પરિપક્વ થવાની જરૂર છે. હમણા તમે ભણવામાં બધુ ધ્યાન આપો અને આ યુવક સાથે મૈત્રી ચાલુ રાખો. ભણી ગણીને જિંદગીમાં સ્થાયી થયા પછી જ લગ્ન જેવો મહત્ત્વનો નિર્ણય લો અને એ સમય આવશે ત્યારે તમે પણ તમારા વિચારોમાં સ્પષ્ટ થઇ જશો.

* હું ૨૧ વરસની છું. મને એક છોકરા સાથે પ્રેમ હતો. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો. પરંતુ તેણે મને છોડી દીધી હતી. હવે મારી મુલાકાત એક બીજા છોકરા સાથે થઇ છે અને અમારા બંનેના પરિવાર અમારાં સંબંધથી ખુશ છે.

 મારા આ પ્રેમીને મેં મારા ભૂતકાળની વાત કરી છે અને એને આ બાબતે કોઇ વાંધો નથી. પરંતુ હવે અચાનક જ મારો જૂનો પ્રેમી મને કહે છે કે તે મને ભૂલી શકતો નથી અને હું તેને ના પાડીશ તો તે આત્મહત્યા કરશે. શું કરવું એ મને સમજાતું નથી. મારી મૂંઝવણ દૂર કરવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

* તમારા પ્રથમ પ્રેમીની ધમકીને ગણકારો નહીં. એકવાર તમારી સાથે દગો કર્યાં પછી હવે તે સુધરશે એની શું ખાતરી છે? એને ભૂલી જઇ તમારી જિંદગીમાં આગળ વધો અને તમને પ્રેમ કરનારા અને તમારા ભૂતકાળની પરવા નહીં કરનારા છોકરાને પરણી તમારું ગૃહસ્થી જીવન શરૂ કરો.

* માસિક દરમિયાન મને ઘણી તકલીફ થાય છે. પેટમાં ઘણો દુઃખાવો થાય છે. આ વખતે તો દુઃખાવો એટલો અસહ્ય હતો કે ડૉક્ટરને બોલાવવા પડયા હતા. શું ૧૬ વરસની ઉંમરે આ સામાન્ય છે? દુઃખાવો ઓછો કરવા માટે શું કરવું.

એક યુવતી (મુંબઇ)

* ઘણી છોકરીઓને આ સમસ્યા પરેશાન કરે છે. પ્રોસ્ટાર્ગ્લાન્ડન્સ નામનાં એક કેમિકલને કારણે આ દુઃખાવો થાય છે. માસિક શરૂ થતા જ ગર્ભાશયમાં આ કેમિકલનો સ્ત્રાવ થાય છે. જેને કારણે ગર્ભાશયનું સંકુચન શરૂ થાય છે. આ માટે તમારે કોઇ નિષ્ણાતની સલાહ લઇ તેમના માર્ગદર્શન હેઠળ દવા લેવાની જરૂર છે.

* હમણા હું ઘણો વ્યાયામ કરું છું. આ કારણે મારા નિતંબ, જાંધ પર સ્ટ્રેચ માર્કસ્ થઇ ગયા છે. શું દોરડા કૂદવાથી તેમજ સ્વિમિંગને કારણે આ માર્કસ્ થઇ શકે છે? હું ૧૬ વરસની છું.

એક યુવતી (જામનગર)

* સ્ટ્રેચ માર્કસનું કારણ વ્યાયામ નથી. સ્ટ્રેચ માર્કસ્ વજન વધવાને કારણે થાય છે. જ્યારે ત્વચા તેની સામાન્ય ક્ષમતા કરતા વધુ ખેંચાય છે. એ પછી તમે ટૂંક સમયમાં વજન ઊતારી દો તો આ ડાઘા દૂર થઇ જાય છે. પરંતુ સ્ટ્રેચ માર્કસ્ પડયાના લાંબા સમય પછી એ દૂર થવાનું મુશ્કેલ છે અને કારણે વ્યાયામ કરવાનું છોડતા નહીં. સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ દવા લો.

- નયના

Tags :
Sahiyar-ReviewSahiyar-Magazine

Google News
Google News