સહિયર સમીક્ષા .
- મને મારા જ વર્ગમાં ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. પરંતુ તે બીજી છોકરીઓ સાથે વાત કરે છે એ મને ગમતું નથી.
* હું ૫૭ વર્ષનો છું. છેલ્લા કેટલાક મહિનાઓથી મારી જાતીય ઇચ્છા ઘટી ગઇ છે. તેમજ મને શિશ્નોત્થાન પણ થતું નથી. હું દિવસમાં દસથી વધુ સિગારેટ પીઉં છું અને મને અનિદ્રાની પણ તકલીફ છે. મદ્યપાનની પણ આદત છે. મારી પત્ની કેટલીક ઇમોશનલ સમસ્યાથી પીડાય છે. શું મારી આ સમસ્યા વધતી જતી ઉંમર કે પછી નસબંધીના ઓપરેશનને કારણે હોઇ શકે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક ભાઇ (મહેમદાવાદ)
* તમારા પત્રમાં તમે આપેલા બધા કારણો (નસબંધીને બાદ કરતા) તમારી આ સમસ્યા પાછળ ભાગ ભજવી શકે છે. તમારે તમારી જીવન શૈલી સુધારવાની જરૂર છે. ધુમ્રપાન અને મદ્યપાન ઓછું કરો. તમારી ચિંતા અને અનિદ્રા સાથે તમારા કામકાજ કે બિઝનેસનો સંબંધ હોઇ શકે છે. શું તમે ઑફિસની ચિંતા ઘરે લઇને આવો છો? તમને કોઇ રોગ છે કે કોઇ દવા લો છો? તમારી પત્નીને મેનોપોઝની સમસ્યા હોઇ શકે છે. તમારે બંનેએ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
* હું ૧૭ વર્ષનો છું. મારી જ ઉંમરની એક છોકરી સાથે છેલ્લા એક વરસથી મને પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી. આ બાબતે હું ઘણો શરમાળ છું. શું આ કારણે આ છોકરી મને છોડીને જતી રહેશે? શું હું પગભર થાઉં નહીં ત્યાં સુધી એ મારી રાહ જોશે?
એક યુવક (જામનગર)
* પ્રેમ બિન શરતી હોય છે. જાતીય સંબંધ કે ચુંબન જેવી સંવવન ક્રિયાના અભાવે પ્રેમી કે પ્રેમિકા એકબીજાને છોડી જતા રહે એ શક્ય નથી. હા, માત્ર વાસનાને કારણે સંબંધ બંધાયો હોય તો વાત અલગ જ છે. અને આમ પણ આવા સંબંધો બાંધવા માટે હજુ તમે ઘણા નાદાન છો અને તમે પગભર થાવ નહીં ત્યાં સુધી એ તમારી રાહ જોશે કે નહીં તેનો ઉત્તર તો માત્ર એ છોકરી જ આપી શકે છે અને આટલી નાદાન વયે આવી અપેક્ષા નહીં રાખવી એ જ યોગ્ય છે. હમણા લગ્નનો વિચાર પડતો મૂકી એકબીજા સાથે પ્લેટોનિક ફ્રેન્ડશીપ ચાલું રાખો અને આ પ્રશ્નનો ઉત્તર સમય પર જ છોડવામાં તમારા બંનેની ભલાઇ છે.
* હું ૧૯ વરસની કોલેજમાં ભણતી યુવતી છું. મારા જ વર્ગમાં ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. પરંતુ તે બીજી છોકરીઓ સાથે વાત કરે છે એ મને ગમતું નથી. તે મારી સાથે જાતીય સંબંધ બાંધવા માગે છે. તેણે મને કહ્યું હતું કે એક સાયક્રાઇટિસ્ટે તેને સપ્તાહમાં એક વાર સેક્સ કરવાની સલાહ આપી છે. લગ્ન પૂર્વે સેક્સ સંબંધ બાંધવાની મારી ઇચ્છા નથી. શું એ જરૂરી છે? હું સંવેદનશીલ છું અને શું કરવું એની મને ખબર નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (ભાવનગર)
* આ છોકરો તમને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યો છે. તેની વાત સાંભળતા નહીં. તેને તેના ઇરાદામાં ફાવવા દેતા નહીં. તમારી લાગણીઓ પર કાબુ રાખો અને એ છોકરાની સાથે સંબંધ તોડી નાખો. ભવિષ્યમાં તમારી સાથે તે લગ્ન કરશે નહીં. એ વાત પણ સમજી લો. હમણા માત્ર ભણવામાં જ ધ્યાન આપો. આ છોકરાને સ્પષ્ટ કહી દો કે તમને આમા રસ નથી એટલે તે પોતે જ તમારી સાથે સંબંધ તોડી નાખશે.
* હું ૧૭ વરસનો છું. બારમાં ધોરણાં ભણું છું. મને મારા ચારિત્ર્ય બાબતે ઘણી શંકા છે. છોકરીઓ પ્રત્યે મને ઘણું આકર્ષણ થાય છે. મારા મનમાં પણ સેક્સના વિચારો જ આવે છે. આ કારણે હું ડિપ્રેશનનો ભોગ બની ગયો છું. અને ઘણી વાર મને આપઘાત કરવાનો વિચાર પણ આવે છે. હું આવા જ વિચારો કેમ કરું છું? શું હું પાપી છું? શું હું આદર્શ પુત્ર નથી? મારી તકલીફ શું છે?
એક યુવક (ગુજરાત)
* આવા વિચારો કરી તમે પાપી બની જતા નથી. આ ઉંમરે આવા વિચારો આવે એ સામાન્ય છે. તમે અપરાધ બોજથી પીડાવ છો અને મનમાંથી એ દૂર કરો. ટીનએજ દરમિયાન સેક્સ હાર્મોન્સ ઉત્પન્ન થતા હોવાને કારણે આવી લાગણીઓ જન્મે છે. આ એક શારીરિક પ્રક્રિયા છે. જેનાથી ક્ષોભ પામવાની જરૂર નથી અને આપઘાત કરવાનો વિચાર પણ કરી શકાય નહીં. તમે તમારા મનમાંથી અપરાધ બોજની લાગણી દૂર કરશો એટલે આપોઆપ બધુ ઠીક થઇ જશે.
* ૨૦ વરસનો મારો પ્રેમી મારી સાથે સેક્સ સંબંધ બાંધવા માગે છે. એક દિવસ એણે મારી છેડતી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મેં એનો વિરોધ કર્યો તો એણે મને છોડી દઇ બીજી પ્રેમિકા શોધવાની ધમકી આપી હતી. આથી મારે તેને તાબે થવું પડયું હતું. તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટ લીધી હતી. હવે તેને એ હદ પણ વટાવવી છે. તે છોડીને જતો રહેશે એનો ડર લાગે છે. મારે શું કરવું એ સમજાવો.
એક યુવતી (મુંબઇ)
* તે છોડીને જતો રહે તો ટાઢે પાણીએ ખસ ગઇ એમ માની ખુશ થાવ. તેની સાથે સંબંધ રાખી ભવિષ્યમાં તમને પસ્તાવાનો જ વારો આવવાનો છે એ વાત સોનાના પતરા પર લખી રાખો. તે તેની વાસના સંતોષવા માટે જ તમારો ઉપયોગ કરે છે. ઉપભોગ કર્યાં પછી તે તમને છોડીને જતો રહેશે. એ તમને ખરેખર પ્રેમ કરતો હોત તો આવી ધમકી આપતે જ નહીં.
- નીના