દાવત- ઝટપટ બનાવીને ખવાય તેવી વાનગીઓ
ફુદીના ક્રિસ્પ
સામગ્રી :
ફુદીનાનાં ૧૫-૨૦ પાન, ૧ કપ વેસણ, ૨ વાટેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચી મીઠું, ૧ સમારેલી (છીણેલી) નાની ડુંગળી, ૧ બાફેલું બટાકું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો, તળવા માટે ઘી.
ફુદીનાના મોટાં મોટાં પાનને ચૂંટી લઈને સાફ કરો. એક તપેલીમાં વેસણ લઈ તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, છીણેલી ડુંગળી, બટાકું ને વાટેલું લીલું મરચું નાખી ખીરંું તૈયાર કરો. તેમાં ફુદીનાના પાન નાખી કડાઈમાં કરકરાં ભજિયાં તળી નાખો. આ ફુદીના ક્રિસ્પને ચટણી કે સોેસ સાથે પીરસો.
વેજિટેબલ વડાં
સામગ્રી :
૨ વાટકી મગની વાટેલી દાળ, ૧ ચમચી મીઠું, ૨ મોટા ચમચા વેસણ, ૧/૪ કપ સમારેલી પાલક, ૧/૨ મોટો ચમચો સમારેલો ફુદીનો, ૧ બારીક સમારેલી ડુંગળી, ૧ નાનો ટુકડો છીણેલું આદુ ચપટી હીંગ, ૨ કેપ્સિકમ, ૧ મોટું બટાકું, ૧ ચમચી ધાણાનો પાઉડર, ૧/૨ ચમચી લાલમરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૪ ચમચી ચાટ મસાલો, ૧/૪ ચમચી આમચૂર, ૧/૪ કપ સમારેલી કોથમીર, ૨ લીલાં મરચાં, તળવા માટે પૂરતું તેલ.
મગની વાટેલી દાળમાં આદું અને હિંગ નાખી ખૂબ ફીણો. તેમાં બધાં શાકને બારીક સમારીને નાખી દો. બધો કોરો મસાલો અને મીઠું પણ ભેળવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં એક મોટો ચમચો મિશ્રણ લઈ ગોળ આકારનાં વડાં બનાવી, મધ્યમ આંચે આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળો. તમને કરકરાં વડાં પસંદ હોય, તો વડાંને ફરી વાર તળવાં. આ ગરમાગરમ વડાંનો આમલીની ચટણી કે ટામેટાંની ચટણી અને ચા સાથે નાસ્તો કરો.
મેંદુ વડાં
સામગ્રી :
૬ નંગ કાચા કેળા, ૫૦૦ ગ્રામ, મેંદો, મરચાં, મીઠું હળદર, ખમણેલું કોપરૂ, લીંબુનો રસ, ખાંડ સ્વાદ પ્રમાણે લેવું.
રીત :
કેળાંને બાફીને માવો બનાવો. ઉપર લખેલો બધો મસાલો નાખી પૂરણ તૈયાર કરવું. પછી મેંદાના લોટમાં મીઠું અને મોેણ નાખી પૂરી જેવો લોટ બાંધવો, ચોખાનું અટામણ લઈ પાતળી રોટલી વણવી અને રોટલી પર કેળાનું પૂરણ પાતળું પાથરવું. અને પછી રોટલીનો ગોળ રોલ વાળી દેવો. અને ત્યારબાદ છરીથી સરખાંગોળ કાપી વડાની માફક ગોળ દબાવી તેલમાં ગુલાબી રંગમાં તળવા. મસાલો બહાર, ના નીકળે તેની કાળજી રાખવી.
ભાતના વડાં
સામગ્રી :
૨૫૦ ગ્રા.લીલા વટાણા, ૨ વાટકી રાંધેલો ભાત, ૩ ચમચા કોર્ન-ફ્લોર, ૧૦૦ ગ્રા.ખમણેલું કોપરૂં, ૫૦ ગ્રામ ઝીણી સમારેલી કોથમીર, વાટેલા આદુ-મરચાં, લીંબુ-મીઠું, ખાંડ, તેલ પ્રમાણસર લેવું.
રીત :
વટાણાને અધકચરા બાફવા પછી તેને રાંધેલા ભાતમાં મીક્સ કરી બધો મસાલો સ્વાદ પ્રમાણે નાખી માવો બનાવો તેમાં કોર્ન-ફ્લોર નાખી બરાબર મિક્સ કરી ગોળ વડા વાળવા તેલમાં તળવા.
ચીઝ બોલ્સ
સામગ્રી :
૧ ૧/૨ કપ મેંદો, ૨ ચીઝક્યુબ, ચપટી બેકિંગ પાઉડર, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧ ૧/૨ કપ દૂધ, તળવા માટે પૂરતું તેલ.
મેંદામાં મીઠું તથા બેકિંગ પાઉડર નાખી ચાળી નાખો. ચીઝને છીણી નાખો. મેંદામાં દૂધ રેડી ભજિયાં માટે બનાવીએ તેનાથી થોડું વધુ ઘટ્ટ ખીરું તૈયાર કરોે. તેમાં છીણેલું ચીઝ, ગરમ મસાલો અને લાલ મરચું નાખી ખૂબ હલાવી મિક્સ કરો.
હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ મિશ્રણને હાથ કે ચમચાથી પકોડાની માફક નાખી મધ્યમ આંચે કરકરાં થાય ત્યાં સુધી તળો. ચા સાથે ટામેટાંના સોસ સાથે આ ગરમાગરમ ચીઝ બોલ્સનો સ્વાદ માણો.
રીંગણ કતરી
ખાસ સાધન :
ચિપ્સ પાડવા માટેનું મશીન
સામગ્રી :
૨ મોટાં ભુટ્ટાં (રીંગણ), ૨ લીટર પાણી, ૨ ચમચી મીઠું, ૧ વાટકી તેલ, ૧ ચમચી ગરમ મસાલો.
સજાવટ માટે :
૧ વાટકી ખાટી ચટણી, ૧ વાટકી ગળી ચટણી, ૧ કપ દહીં.
રીત :
રીંગણને બરાબર ધોઈ એક પહોળા તપેલામાં ૨ લીટર મીઠાવાળું પાણી લઈ તેમાં રાખી મૂકો. ત્યારબાદ ચિપ્સ બનાવવાના મશીનથી અથવા ચપ્પુથી રીંગણના ગોળ પતીકાં કરી તડકામાં સૂકવો. એકદમ સુકાઈ ગયા બાદ તેમને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ ચિપ્સને ચોેમાસામાં ખિચડી કે પુલાવ સાથે જમવા માટે તેલમાં ધીમી આંચે તળી નાખો. તળેલી ચિપ્સ પર ગરમ મસાલો ભભરાવો અને પછી તેના પર ખાટી-ગળી ચટણી અને દહીં રેડી પીરસો.