Get The App

ઝટપટ રૂપાળા દેખાવા હાથવગું સૌંદર્ય પ્રસાધન ફેસ પાવડર

Updated: Feb 10th, 2020

GS TEAM

Google News
Google News
ઝટપટ રૂપાળા દેખાવા હાથવગું સૌંદર્ય પ્રસાધન ફેસ પાવડર 1 - image

આજની તારીખમાં બજારમાં અનેકવિધ સૌંદર્ય પ્રસાધનો આસાનીથી ઉપલબ્ધ બની ગયાં છે. આમ છતાં સૌંદર્ય પ્રસાધનોમાંના સૌથી પુરાણા ગણાતા પાવડરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ ઉત્પાદનને પર્સમાં રાખવું મુશ્કેલ નથી. પાવડરને ફાઉન્ડેશન ઉપર તેમ જ ફાઉન્ડેશન વિના પણ લગાવી શકાય છે. પાવડર લગાવવાથી ચહેરો તરત જ ખીલી ઉઠેલો દેખાતો હોવાથી થાકેલા ચહેરા માટે તે આશિર્વાદરૂપ પુરવાર થાય છે. આજે આપણે બજારમાં મળતા જાતજાતના ફેસ પાવડર તેમ જ તેના ઉપયોગ વિશે વાત કરીએ. 

લૂઝ ફેસ પાવડર દેખાવમાં અન્ય પાવડરો જેવું જ લાગે છે. તે ચહેરાની ત્વચાને એકસમાન દેખાવ આપવા સાથે ચહેરાને આગવી ચમક બક્ષે છે. જ્યારે પ્રેસ પાવડરનો ઉપયોગ મેકઅપને ટચઅપ આપવા માટે કરવામાં આવે છે. 

શ્રૂંગાર કર્યા પછી ચહેરાને વધારાની ચમક આપવામાં શીયર પાવડર મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે તૈલીય ત્વચા ધરાવતી માનુનીઓ માટે મેટ પાવડર જરૂરી બની રહે છે. આ પાવડરથી તેમના ચહેરા પરનું વધારાનું તેલ શોષાઇ જતું હોવાથી તેઓ ખૂબસુરત અને તાજીમાજી દેખાય છે. મોટાભાગે જોવામાં આવ્યું છે કે શ્યામવર્ણી ત્વચા ધરાવતી પામેલાઓ મોંઘોદાટ ફેસ પાવડર ખરીદે છે. તેઓ એમ માને છે કે તેને કારણે તેમનોે ચહેરો રૂપાળો દેખાશે. પરંતુ સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે આ તેમની મોટી ભૂલ ગણાય. વાસ્તવમાં તમારા ફેસ પાવડરનો શેડ તમારી ત્વચા સાથે મેળ પડે એવો હોવો જોઇએ. જો તે તમારી ત્વચાના રંગ કરતાં જુદો હશે તો તમારો સઘળો મેકઅપ વિચિત્ર દેખાશે. શ્યામવર્ણી માનુનીઓ જ્યારે પોતાની ત્વચા કરતાં હળવા શેડનો પાવડર લગાવે છે ત્યારે તેમનો સમગ્ર મેકઅપ તદ્ન વિચિત્ર લાગે છે. જો તમને તમારા સ્કીન ટોનને મેચ કરતો ફેસ પાવડર ન મળે તો ટ્રાંસલ્યૂસેંટ પાવડર લગાવો. 

સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે પાવડર ખરીદતી વખતે તેનું ટેક્સચર અચૂક તપાસો. લિસ્સું પાવડર સરળતાથી ચહેરા પર ફેલાઇ જાય છે. પરિણામે ચહેરો સુંદર દેખાય છે. પરંતુ ખરબચડું પાવડર એકસમાન રીતે ફેલાતું ન હોવાથી ચહેરા પર તેના ધાબા દેખાય છે.તેવી જ રીતે ફેસ પાવડર ખરીદતી વખતે તે હાથ પર લગાવીને જોઇ લેવાથી તેના શેડનો પણ ખ્યાલ આવી જાય છે. ગોરી ત્વચા ધરાવતી મહિલાઓએ પિંક અંડર ટોન ખરીદવું જ્યારે શ્યામવર્ણી યુવતીઓ માટે ઓરેન્જ અંડરટોન યોગ્ય ગણાશે. 

પાવડર લગાવવાની પણ ચોક્કસ પધ્ધતિ હોય છે. કોમ્પેક્ટ લગાવવાથી પહેલા ચહેરા પર આઇસ ક્યુબ ઘસવાથી ત્વચાના રોમછિદ્રો બંધ થવા ઉપરાંત તેના ઉપર રહેલું તેલ દૂર થઇ જવાથી પાવડર એકસમાન રીતે ફેલાવવાનું સરળ બને છે. તેથી આઇસ ક્યુબ ઘસ્યા પછી મેકઅપ બ્રશથી સમગ્ર ચહેરા પર એકસમાન રીતે કોમ્પેક્ટ લગાવવું. 

સ્પંજથી ફેસ પાવડર લગાવવાનો પ્રયાસ ન કરવો. સ્પંજ પાવડરને વધારે પ્રમાણમાં શોષી લેતું હોવાથી પાવડર લગાવવા માત્ર સારા બ્રશ એપિલિકેટરનો જ ઉપયોગ કરવો.

ગરમીના દિવસોમાં હંમેશાં વોટરપ્રૂફ કોમ્પેક્ટ જ લગાવવું. તૈલીય ત્વચા ધરાવતી યુવતીઓએ શીમર કોમ્પેક્ટ લગાવવાની ભૂલ ન કરવી. તેનાથી ચહેરો વધુ તૈલીય દેખાશે.

સંવેદનશીલ ત્વચા ધરાવતી પામેલાઓએ હંમેશાં મિનરલ બેઝ્ડ પાવડર લગાવવાનો જ આગ્રહ રાખવો. અન્યથા તેમની ત્વચાને હાનિ પહોંચવાની ભીતિ રહે છે.

- વૈશાલી ઠક્કર


Tags :