મેહુલિયાને સૌંદર્યનો દુશ્મન બનવા ન દેશો
વરસાદના અમી છાંટણા તમારા મેકઅપ પરત્વે અમી નજર નહીં દાખવે એ વાત સમજી લેજો. આ માટે કન્સીલર સ્ટીક જરા કરકસરથી વાપરવી. સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તો વોટરપ્રુફ અને ક્રીમબેઝ મેકઅપ વાપરવાનો છે. પાવડરને કારણે ચહેરા પર પેચ અને લાઇન થવાની શક્યતા છે.
નભમાંથી મેહુલિયો કોપાયમાન થઈને વરસી રહ્યો છે. આકાશ વાદળાઓથી છવાયેલું છે અને તમારી હાલતની તો વાત જ ના પૂછો! હા, વરસાદની મોસમ સૌંદર્ય સાથે સંતાકુકડી રમતી ઋતુ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તમારે સુંદર દેખાવાનો પ્રયત્ન જ ન કરવો. વર્ષાઋતુમાં સુંદરતા જાળવી રાખવા માટેના કેટલાક સૂચનો અહીં આપવામાં આવ્યા છે.
પગઃ સૌ પ્રથમ પગની વાત કરીએ. રસ્તાનો કાદવ-કીચડ પાણી વગરેથી પગને સંભાળવા ખૂબ જ મુશ્કેલ છે. આ ઋતુ દરમિયાન પગની સુંદરતા સાબુત રાખવા માટે વરસાદના સારા બૂટ ખરીદવાનું કામ ખૂબ જ મહત્ત્વનું છે. આ સમયે ફેશન, સ્ટાઇલ બાજુએ મૂકીને વરસાદનું પાણી જોડાની બહાર નીકળી જાય એ પ્રકારના જૂતા પર પસંદગી ઉતારવી. વરસાદનું પાણી જૂતામાં રહી જવાને કારણે પગની ત્વચા ફાટી જાય અને પગમાં વાઢિયા પડી જવાની શક્યતા છે. ઘરે પહોંચીને સૌપ્રથમ કામ પગને સૂકા કરવાનું કરો. આ સમયે પેડિક્યોર કરવાની ખૂબ જ ગરજ છે.
બ્રાઇટ રંગના નેઇલ પોલીશની પસંદગી કરવી એકવામરિન, પર્પલ ઇલેક્ટ્રિક બ્લ્યુ, મીન્ટ ગ્રીન જેવા રંગો વાપરી જુઓ. તેમ જ પ્લાસ્ટિકના ફૂટવેર અને તેના પર ઘેરા ફુલો તેમ જ સ્ટ્રોબરીના આકારવાળા બૂટ એક આનંદની અનુભૂતિ કરાવશે.
વરસાદને કારણે તેમ જ ભેજને કારણે પ્રસ્વેદ વળવાથી ત્વચાનું મોઇશ્ચર ઘટી જાય છે. આ કારણે મોઇશ્ચરાઇઝર વાપરવાનું બંધ કરવું એ મુર્ખામી છે, બીજી બાજુ સૂર્યનારાયણ વાદળમાં ઢંકાઈને કોપભુવનમાં ચાલી ગયા છે. એમ સમજીને સનસ્ક્રીન લોશન લગાડવું બંધ કરવું એ પણ બીજી મૂર્ખાઈ છે.
કારણ કે કોપભુવનમાં બેઠા બેઠા પણ સૂર્ય મહારાજ પોતાનો પ્રકોપ દાખવી શકે છે. આથી એસપીએફ ૩૦ ધરાવતું સનસ્ક્રીન ચોમાસા દરમિયાન પણ વાપરવું. મેકઅપ કરતા જરા કાળજી રાખવાની જરૂર છે. વરસાદના અમી છાંટણા તમારા મેકઅપ પરત્વે અમી નજર નહીં દાખવે એ વાત સમજી લેજો. આ માટે કન્સીલર સ્ટીક જરા કરકસરથી વાપરવી. સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તો વોટરપ્રુફ અને ક્રીમબેઝ મેકઅપ વાપરવાનો છે. પાવડરને કારણે ચહેરા પર પેચ અને લાઇન થવાની શક્યતા છે.
લીકવીડ ફાઉન્ડેશન અને ક્રીમ બ્લશર વાપરવાની સલાહ સૌંદર્ય નિષ્ણાંતો આપે છે. પરંતુ પ્રવાહી આઇ લાઇનર ન વાપરતા આઇ પેન્સિલ તેમ જ વોટરપ્રૂફ મસ્કરા વાપરવા. વાદળથી છવાયેલા આકાશને ધ્યાનમાં લઈ ડાર્ક રંગની લિપસ્ટિક પસંદ કરવી. આને કારણે ચહેરાનો રંગ તો નીખરશે. ઉપરથી સહેલાઇથી સામેની વ્યક્તિની નજરમાં તમારા આકર્ષક હોઠો કેદ થઈ શકશે. પરંતુ કોફી અને કોકો શેડ્સ પણ વાપરી શકાય છે.
વરસાદને કારણે વ્યાયામને તિલાંજલિ આપી દેવી યોગ્ય નથી. તેમ જ ગરમ તેલથી અરોમા થેરપી મસાજ લઈ રાજાશાહી ભોગવવા માટે આ ઋતુ શ્રેષ્ઠ છે. પરંતુ મસાજ બાદ સોના બાથ જરૂર લેવું. નિયમિત ફેશિયલ કરી ત્વચાની રોનક જાળવી રાખવી. આ જ રીતે વાળ માટે પણ કન્ડિશનરની જરૂર પડે છે. નિયમિત કન્ડિશનર તેમ જ શેમ્પૂથી કેશ ધોવા. છૂટા વાળ ચહેરા પર ચીટકી ન જાય તે ધ્યાન રાખો. પોનીટેલમાં કેશને કેદ કરવાનું ભૂલવું નહીં. ભીના વાળમાં દાંતિયો ફેરવવાથી કે હેરડ્રાયરથી સુકવવાનો પ્રયાસ કરવાથી વાળ વધુ તૂટશે. અને દ્વિમુખી વાળની સમસ્યામાં વધારો થશે તે નફામાં.
આમ છતાં પણ વર્ષારાણી સૌંદર્યની દુશ્મન નથી. ખૂશનૂમા હવા અને વરસાદના છાંટણામાં ચાલવા નીકળવાની મજા કંઈ ઓર જ છે, અને આ ઋતુ રોમેન્ટિક છે. એ વાતમાં કોઈ બેમત જ નથી. ઝરમર વરસાદ ઉપરથી પ્રિયતમનો સાથ બસ પછી પૂછવું જ શું? આ મઝા માણી ચૂકેલાને આનું વર્ણન કરવાની જરૂર નથી.