For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેલેન્ટાઈન ડેની ઉજવણી .

Updated: Feb 13th, 2024


- સંસ્કૃતિની હાંસી ઉડાવે તેવી ન હોવી જોઈએ

વેલેન્ટાઈન ડેની ઉજવણીને લગતો વાર્ષિક વિવાદ ફાટી નીકળવાનો સમય પુનઃ આવી ગયો છે. આ દિવસે  પ્રેમીઓ પોતપોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. વેલેન્ટાઈન ડે એ એક પશ્ચિમી ખ્યાલ છે. જે લોકોને આ દિન ઊજવવાનો વિચાર ગમે છે. તેઓને તેમ કરવાનો પૂરો અધિકાર છે. આ દિવસ ભારતના પ્રેમીઓએ ન જ ઊજવવો જોઈએ તેવો દુરાગ્રહ કોઈ રાજકીય પક્ષ અથવા તેની પાંખ કે પછી કોઈ સામાજિક સંસ્થા રાખી શકે નહીં. આ દિવસ ઊજવવો કે નહીં તે વ્યક્તિગત મુનસફીનો સવાલ છે. શિવસેનાને વેલેન્ટાઈન ડે સામે મૂળથીજ વાંધો છે. અને આ વાંધોે અતિ તીવ્ર છે. બજરંગ દળ અને હિન્દુ જાગરણ મંચના કાર્યકરો છેલ્લાં કેટલાંક વરસોથી આ મુદ્દાને ઉગ્ર સ્વરૂપ આપવામાં મોખરે રહ્યા છે. આ સંસ્થાઓના  સ્વયંસેવકો વેલેન્ટાઈન કાર્ડ્સ વેંચતી દુકાનોમાં બળજબરીથી ઘૂસી જાય છે, ત્યાં તોડફોડ કરે છે અને માલમિલકતને નુકસાન પહોંચાડે છે. ગયા વર્ષે કાનપુરમાં આવા બનાવો બન્યા હતા અને આવી શ્રેણીબધ્ધ ઘટનાઓ ૧૪મી ફેબુ્રઆરીની સાંજ સુધી ચાલુ જ રહેશે એમાં શંકાને સ્થાન નથી. કેટલાંક કટ્ટરપંથીઓના  વિરોધનું જોર ઉત્તર ભારતમાં વધુ છે અને ત્યાંના વિવિધ રાજ્યોમાં  આ સમયગાળા  દરમિયાન આવા છમકલાં નિયમિત રૂપે થતાં  રહ્યાં છે અને આ વખતે તેમાં અપવાદ નહીં કરાય તેવો  સંદેશ કાનપુરવાળી ઘટના પરથી મળી રહે છે.

નોર્થ ઈન્ડિયાનોે ઈલાકો સંઘ પરિવારે સંભાળી લીધો છે તો આ બાજુ મુંબઈ મહાનગરમાં વિરોધનો ઝંડો શિવસેનાએ લહેરાવ્યો  છે. બે વર્ષ પૂર્વે  શિવસેનાપ્રમુખે .... વેલેન્ટાઈન ડેની ઉજવણીને ભારતીય સંસ્કૃતિ ઉપર કાળપ લગાવવા સમાન ગણાવીને વિરોધનું જબરદસ્ત રણશીંગુ ફૂક્યું  હતું. આ દિનની ઉજવણીઓ આ કોસ્મોપોલિટન શહેરમાં ન થાય તે માટે ધ્યાન રાખવાની ઠાકરેએ શિવસૈનિકોને હાકલ કરી દીધી હતી.  મુંબઈમાં શિવસેનાનું જેટલું ઊપજે છે અને જે રીતની આણ વર્તાય છે તે જોતાં કાર્ડવાળા દુકાનદારો, હોટેલવાળાઓ, પબ્સવાળાઓ અને મોટી ક્લબવાળાઓ ચિંતાતૂર બને તે સ્વાભાવિક છે. પરંતુ સેનાની ધાકધમકીથી ડરી જઈને ઉજવણી કરવા ઈચ્છતા યુવકયુવતીઓ પાછા હટી જશે એ વાતમાં દમ નથી. સેનાના કાર્યકરો અને તેની વિદ્યાર્થી પાંખના પ્રતિનિધિઓ ભાંગફોડ  કરવા ઉપર ઊતરી આવશે તોે ઊલટાની તેમની છાપ બગડશે  અને હિંસાત્મક વિરોધને લોકોનો વ્યાપક ટેકો નહીં મળે.

સંસ્કૃતિને નામે થતા આવા વિરોધો  અંગે ગંભીર વિચારણા કરવી જરૂરી બની રહે છે. વિરોધ કરનારાઓએ અને વિરોેધનો ટાર્ગેટ બનનારા એમ સઘળા સંબંધિત પક્ષકારોએ આ મુદ્દે સ્વસ્થ ચિંતિત અને ચિંતા કરવાનું અનિવાર્ય બની રહે છે. બે વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશમાં  સૌંદર્ય સ્પર્ધામાં આયોજનો સામે પણ જબરદસ્ત ઊહાપોહ મચેલો. આજનું યંગ જનરેશન ઘણા ધાર્મિક તહેવારો ધામધૂમથી અને રંગબેરંગી પરિમાણો સાથે ઉજવતું જોવા મળે છે. હોેળી-ધૂળેટી, નવરાત્રિ, ગણેશોેત્સવ, ક્રિસમસ જેવા પર્વો તમામ વયજૂથના લોકો અને યુવાપેઢી દ્વારા અનેરા ઉલ્લાસથી ઊજવવામાં આવતા હોય છે. કોલેજોના વાર્ષિક દિન અને અન્ય કલ્ચરલ ફેસ્ટિવલો, યૂથ ફેસ્ટિવલો, સોશિયલ્સ, કોમ્પિટિશનો નિયમિતરૂપે આયોજિત થતા હોય છે અને ઉજવાતા હોય છે. વેલેન્ટાઈન ડે તો આવાં યુવક-યુવતીઓ માટે અને પ્રેમીઓ ઉજવણી કરવાનું એક નિમિત્ત માત્ર છે જેઓને નાચવું હોય છે. તેઓ આંગણું ગોતી લેતા હોય છે અને જેમને દોડવું જ હોય છે તેઓને ઢાળ મળી રહેતો હોય છે. આવા યુવાનો  .

મોજમસ્તી અને આનંદપ્રમોદ કરવાનું બહાનું જ ગોતતા હોય છે. યુવાનોમાં એક એવો  પણ વર્ગ છે જે ઉજવણીના  સ્વરૂપમાં અને અભિવ્યક્તિના પ્રકારમાં  કોઈ જ પ્રકારનાં બંધનો સ્વીકારવામાં  માનતો નથી અને તેઓ  બેફામપણે ઉન્મત્ત બનીને અશ્લીલ કહી શકાય એટલી હદ સુધી અભિવ્યક્તિ કરતા પણ ખચકાતા નથી.

વિરોધનો મુખ્ય મુદ્દો આ વિકૃતિના પાસા ઉપર જ  કેન્દ્રિત થવો જોઈએ. સંઘ પરિવાર કે સેના કે અન્ય કોઈપણ વિરોધક સંસ્થાઓએ ભારતીય સંસ્કૃતિ સભ્યતા વગેરેના જતન માટે તેમ જ  વિરોધ નોંધાવવામાં વધુ વિધેયાત્મક અને રચનાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે. આ દિશામાં તેઓ શાંતિથી, સ્વસ્થતાપૂર્વક વિરોધ નોંધાવવાના માર્ગો અને ઉપાયો પણ અજમાવી શકે છે. તેઓ આ માટે ધારે તો સંભવિત ઉજવણીકારોનો સમુદાય સાથે, યુવા વર્ગ સાથે સુસંવાદ હાથ ધરી શકે છે.  ચર્ચા વિચારણા માટેની બેઠકો યોજી શકે છે. સામે પક્ષે એ પણ જોવા મળે છે કે આપણા દેશમાં કલા, સંસ્કૃતિ વગેરે ક્ષેત્રમાં  સ્વસ્થ અભિવ્યક્તિ કરવાની  અથવા વાજબી મર્યાદાપાલનની  જરૂરિયાત હોવાની જે વ્યક્તિ   કે પક્ષ કે સંસ્થા વાત રજૂ કરે છે તેઓને જૂનાપુરાણા જમાનાના અને સંકુચિત દ્રષ્ટિકોણવાળા તરીકે  ખપાવી દેવામાં આવે છે. પ્રત્યેક ભારતીય નાગરિકે ભારતના સાંસ્કૃતિક અને કલાત્મક વારસામાંના ભવ્ય તત્ત્વો, સારાં પાસાઓને અલગ તારવીને તેની જાળવણીને માટે સંનિષ્ઠ  પ્રયાસો કરવાની તાતી જરૂર છે. એમાં બેમત નથી. આપણને સૌને આપણા વારસાની  સારી બાજુઓનું ગૌરવ હોવું  જ જોઈએ. જે સંસ્થા, પક્ષ કે જૂથવિશેષ સંસ્કૃતિના  જતન માટેની સાચકલી પદ્ધતિઓ રજૂ કરશે,  વિદેશી સંસ્કૃતિઓના ખોેખલાપણાને અને તેની વિકૃતિઓને ઊણપોને યોગ્ય રીતે  પેશ કરવામાં જવાબદારીપૂર્વકનોે વિરોધ નોેંધાવશે, તેમની વાત યુવા વર્ગને ગળે ઝટ ઊતરશે અને યુવકો પણ અપલક્ષણો શીખવામાંથી સ્વેચ્છાએ દૂર રહેશે .

Gujarat