Get The App

ફેશન કરતાં પહેલાં...સ્ટાઈલનું આંધળુ અનુકરણ હાનિકારક પૂરવાર થશે

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ફેશન કરતાં પહેલાં...સ્ટાઈલનું આંધળુ અનુકરણ હાનિકારક પૂરવાર થશે 1 - image


ફેશનેબલ દેખાવા માનુનીઓ શું શું નથી કરતી. ઘણી યુવતીઓને તો લેટેસ્ટ ફેશનનું આંધળુ અનુકરણ કરવાની ટેવ હોય છે. ગ્લેમર વર્લ્ડની પામેલાઓને જોઈને તે તેમની જેમ જ કરવા લલચાય છે પણ તે એમ નથી સમજતી કે ઝાકઝમાળની દુનિયામાં વસતી સેલિબ્રિટીઓ નિયમીત રીતે તેમના ખાસ તબીબોના સંપર્કમાં રહે છે, જેથી તેમની ત્વચાને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે અથવા તેમના શરીરને બીજા કોઈ પ્રકારની હાનિ ન પહોંચે. પરંતુ સામાન્ય યુવતી માટે આ બધું શક્ય નથી. તેથી ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવંુ તેમને માટે જરૂરી બની જાય છે.

ટાઈટ ફીટ જિન્સ દેખાવમાં અત્યંત આકર્ષક લાગે છે. તેમાંય એકવડા બાંધાની યુવતીને તો તે ખૂબ શોભે છે. પણ ત્વચા પર ચોંટી જાય એવી જિન્સ પહેરવામાં આરામદાયક નથી હોતી. તેનાથી પગના રોમછિદ્ર બંધ થઈ જાય છે. કમરની આસપાસ ચેપ લાગવાની શક્યતા રહે છે. ટાઈટ જિન્સને કારણે હિપ જોઈન્ટ મુવમેન્ટને અસર પહોંચતી હોવાથી કરોડરજ્જુને નુકસાન પહોંચે છે. તેમ જ પેટના આંતરિક અવયવોમાં રક્ત પરિભ્રમણ ધીમુ પડે છે. આવી જિન્સ નિયમિત રીતે ન પહેરવામાં જ ભલાઈ છે.

કોર્સેટ પહેરવાથી આપણો બાંધો એકવડો અને આકર્ષક લાગે છે. પણ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યા મુજબ કોર્સેટને કારણે શરીરની અંદરના અવયવો પર અસર પડે છે. શ્વાસોચ્છવાસમાં મુશ્કેલી પેદા થાય છે.

આજે લાયક્રાના આંતરવસ્ત્રોની ફેશન પૂરબહારમાં ખિલી છે. લાયક્રા દેખાવમાં સુંદર લાગે છે અને તેની ફીટીંગ પણ બહુ સરસ આવે છે. પણ તેમાં પસીનો ન શોષાતો હોવાથી વર્કઆઉટ કરતી વખતે લાયક્રાના આંતરવસ્ત્રો પહેરવાનું ટાળવું. બહેતર છે કે કસરત કરતી વખતે સુતરાઉ આંતરવસ્ત્રો પહેરો.

ગ્રીષ્મ ઋતુમાં સન ગ્લાસની ફેશન એક પ્રકારની જરૂરિયાત બની જાય છે. મોટા ભાગે લોકો ડાર્ક સનગ્લાસ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જે તડકાથી બચવા તમે જે ગોગલ્સનો ઉપયોગ કરો છો તે સન ગ્લાસ તમને અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ નથી આપતા. ઘેરો રંગ વધુ ગરમી શોષે છે. તેથી ગોગલ્સ ખરીદતી વખતે સનગ્લાસ પર એંટીગ્લેયર કોટીંગ છે કે નહીં તે અવશ્ય તપાસો. જો કોટીંગ નહીં હોય તો આ ગોગલ્સને કારણે તમારી આંખો લાઈટસેંસિટિવ થઈ શકે છે. અથવા ફોટોકેરેટિસ કે સનબર્ન થઈ શકે છે.

ઊંચી એડીના પગરખાં દેખાવમાં અત્યંત સુંદર લાગે છે. પરંતુ તેને કારણે ઘુંટણ અને કમર પર ખેંચાણ આવે છે. નિયમીત રીતે ઊંચી એડીના જૂતાં પહેરવાથી કમરની પીડા, આર્થરાઈટીસ અથવા કપાસી થવાની સંભાવના રહે છે. પેન્સિલ હિલ નિયમીત રીતે પહેરનારના ઘૂંટણની કાર્ટિલેજને ભારે નુકસાન પહોંચે છે. તેને ઓસ્ટિયોઆર્થરાઈટિસ થવાની શક્યતા પણ રહે છે. તબીબો કહે છે કે એકદમ નાની એડીના અથવા તદ્દન સપાટ પગરખાં જ પહેરવાં જોઈએ.

છેલ્લા ઘણાં સમયથી મોટી હેન્ડબેગ લેવાની ફેશન છે. વાસ્તવમાં નોકરી કરતી યુવતીઓ માટે તે ઘણી સગવડદાયક હોય છે. મોટી બેગમાં તેમની આખા દિવસની જરૂરિયાતનો સઘળો સામાન આવી જાય છે. પરંતુ સતત ખભા પર લટકતી આ વજનદાર હેન્ડબેગને કારણે ખભાના સ્નાયુઓને અને હાડકાંને નુકસાન પહોંચે છે. પરિણામે લાંબા ગાળે તેમાં ભારે પીડાનો અનુભવ થાય છે. અલબત્ત, આના ઉપયોગને ટાળી તો ન જ શકાય. પણ તેનું શક્ય એટલું વજન ઓછું રાખો. લાગલગાટ એક જ ખભા પર પર્સ પકડી રાખવાને બદલે થોડી થોડી વાર બન્ને ખભા પર લો. રેશમ જેવા મુલાયમ વાળમાં કાંસકો ફેરવવાની જરૂર ન પડે. આજકાલ આપણે લગભગ બધે જ જોઈએ છીએ કે યુવતીઓ આંગળી વડે વાળ ઓળીને તેમાં પીન ભરાવી દે છે. આવા વાળ દેખાવમાં તો ખૂબ સુંદર લાગે છે. પણ વાળને મુલાયમ બનાવતાં શેમ્પૂ વાપરવાથી પહેલા તેની ઉપર લખેલાં તત્ત્વો અચૂક વાંચો. ઘણી વાર શેમ્પૂમાં સોડિયમ લ્યુરિલ સલ્ફેટ હોય છે જેને કારણે માથામાં ચેપ લાગવાનો કે ટાલ પડવાનો ભય રહે છે. શેમ્પૂ-કંડિશનર ખરીદતી વખતે તેમાં રહેલા તત્વો વિશે અવશ્ય વાંચી લો. 

- નયના


Google NewsGoogle News