વડાલી શાળા નં. એક પાસે પાણી ભરાઈ રહેતા રોગચાળાની ભીતિ
- રોડનું લેવલ ન જળવાતા લોકોને પરેશાની
- સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત
વડાલી, તા. 19 જુલાઈ, 2020,
રવિવાર
વડાલી શાળા નંબર એક પાસે
રોડની બંને બાજુ પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય રોગચાળો વધવાની દહેશત વ્યાપી છે.
સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાય છે જો કે હાલમાં રોડની
કામગીરી પણ ચાલી રહી છે અને રોડનું લેવલ જળવાતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. વડાલી
નગરપાલિકા દ્વારા ગ્રાન્ટની રકમમાંથી જૂના બનાવેલા રોડની સાઇડની લંબાઈ વધારીને
પેવર બ્લોક રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વડાલી નગરપાલિકાએ તાજેતરમાં સ્વામી
વિવેકાનંદ ચોકથી ચામુંડા માતાજી તરફનો રોડ તેમજ વડાલી શાળા નંબર એકથી પોલીસ લાઇન
તરફ જતો રોડ પહોળો કરવાનું આયોજન કર્યું હતું અને અત્યારે હાલ રોડ બનાવવાની
કામગીરી ચાલી રહી છે.
વડાલી શાળા નં. ૧ પાસે આ
બંને તરફ નવીન બનાવેલ રોડની સાઇડો વચ્ચેના રોડ કરતા ઉંચાઈમાં વધારે હોવાથી રોડનું
લેવલ જળવાતું નથી. જેના કારણે વચ્ચેના
જુના રોડ ઉપર ચોમાસાનું પાણી ભરાઈ રહેવા પામ્યું છે. અત્યારે હાલ ચોમાસાની સિઝન
ચાલી રહી છે. સામાન્ય વરસાદ પડવાથી રોડ ઉપર મોટું ખાબોચિયું ભરાઈ રહ્યા છે. જેનો
નિકાલ બાજુમાંથી થતો ન હોઈ ચોમાસાના પાણીની અંદર મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો
છે. આમ, નજીકમાં જ શાળા આવેલી હોવાથી અને
રહેણાંક વિસ્તાર આવતો હોવાથી ચોમાસાની ઋતુમાં ભરાઈ રહેલા પાણીને લઈને મચ્છરજન્ય
રોગો ઉત્પન્ન થવાની ભીતિ સેવાઈ રહી છે.