Get The App

24 કલાકમાં ધનસુરામાં બે, ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ

- અરવલ્લી જિલ્લામાં સર્વત્ર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો

- 10 દિવસના વિરામ બાદ મેઘમહેર થતાં ખેતીપાકને જીવંતદાન મળ્યું : બીજા દિવસે પણ વરસાદી માહોલ

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
24 કલાકમાં ધનસુરામાં બે, ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ 1 - image

મોડાસા,તા.25 જુલાઈ, 2020, શનિવાર

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી વરસાદ નો છાંટોય ન પડતાં ચોમાસુ વાવેતર નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.જોકે શુક્રવારે જિલ્લામાં સર્વત્ર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.છેલ્લા ૨૪ કલાકમાં ધનસુરા-૨ ઈંચ,ભિલોડામાં પોણા બે ઈંચ  વરસાદ વરસ્યો હતો.સાંજના સુમારે આ પંથકમાં ધોધમાર વરસાદ થતાં વાવતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ચાલુ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ થયો છતાં વરસાદ થયો નથી.વરસાદની ઘટને પગલે ચોમાસુ વાવેતર ઉપર ખતરો મંડાયો છે.અરવલ્લીમાં છેલ્લા ૧૦ દિવસ દરમ્યાનથી વરસાદનો છાંટોય ન પડતાં ૧.૭૫ લાખ હેકટરમાં વાવેતર કરેલો  કપાસ, મગફળી, દિવેલા, તુવેર, સોયાબીન, મકાઈ સહિતનું વાવેતર નિષ્ફળ જવાનો ડર ઉભો થયો હતો.જોકે શુક્રવારે સવારથી ગાજવીજ સાથે અરવલ્લી જિલ્લામાં મેઘમહેર થતાં ખેતીને જીવંતદાન મળી ગયું છે.વરસાદ થતાં મકાઈ,કપાસ, સોયાબીન, મગફળી સહિતના વાવેતરને પાણી મળી જતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધનસુરામાં બે ઈંચ થી વધુ વરસાદ શુક્રવારે સાંજના સુમારે તૂટી પડતાં નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.મુખ્ય બજારના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.જયારે ભિલોડામાં  પોણા બે ઈંચ થી વધુ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.

જયારે બાયડ પંથકમાં પણ મૂશળધાર વરસાદ ખાબક્યો હતો.આમ જિલ્લામાં શુક્રવાર થી શરૂ થયેલો વરસાદ સર્વત્ર વરસતાં ખેડૂત આલમમાં આનંદ છવાયો હતો.જેમાં ગઈ કાલ સાંજના ૪ વાગયા થી શનિવાર સાંજના ૪ વાગ્યા દરમ્યાન મોડાસા-૨૮,ભિલોડા-૪૫,મેઘરજ-૩૭,માલપુર-૧૩,બાયડ-૩૩ અને ધનસુરામાં-૫૮ મીમી વરસાદ નોંધાયો હતો.

દધાલીયા પંથકમાં શનિવારે મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો

મોડાસાના દધાલીયા પંથકમાં સાંજના સુમારે વાતાવરણમાં એકાએક પલટો આવતાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.દધાલીયા,જંબુસર અને ઉમેદપુર પંથકમાં સારો વરસાદ થતાં ખેતીને જીવંતદાન મળ્યું હતું.

Tags :