Gujarat

જંગલમાં વિધિ કરવાના નામે દાહોદના દંપતિને છેતરનારા ત્રણ મદારી ઝડપાયા

By GS Team
15 Dec 20212 mins read
This article was originally published on 15 Dec 2021
જંગલમાં વિધિ કરવાના નામે દાહોદના દંપતિને  છેતરનારા ત્રણ મદારી ઝડપાયા

હિંમતનગર,મોડાસા, તા.14

માલપુર તાલુકાના નાથાવાસના જંગલમાં દાહોદના મોડાહેડા ગામના દંપતિને વિશ્વાસમાં લઈ દાગીના અને રોકડ રકમ ૧૦ ગણા કરવાની લાલચ આપી વિધિના નામે રૂ ૩.પ૭ લાખની છેતરપીંડી કરવામાં આવતાં માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

અરવલ્લી એલ.સી.બી.ની ટીમે તપાસ શરુ કરી છેતરપિંડી આચરનારા મેઘરજના ૩ મદારી બંધુઓ પૈકી એક રાજસ્થાન અને બે આરોપીને મેઘરજથી દબોચી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત રૂ. ર,૩૭,૮૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ઝાલોદ તાલુકાના મોડાહેડા ગામના શૈલેષ જીથરાભાઈ મુનિયા અને તેમનાં પત્નિને વિશ્વાસમાં લઈ ૩ જેટલા સાધુઓએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ૧૦ ગણી કરી આપવાની વાત કરી હતી. જે તે સમયે ૩ પૈકી એક ઠગે દાહોદ જિલ્લાના દંપતિને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ ટેલિફોન દ્વારા સતત સંપર્ક જાળવી રાખ્યો હતો. વિધિ કરવા માટે માલપુર તાલુકાના નાથાવાસના જંગલમાં બોલાવાયા પછી જળકસ્તૂરી પેટે રૂ. ર લાખ પડાવી લીધા હતા જેમાં દાગીનાની વિધિના નામે દંપતિની નજર સામે રૂપિયાનો ઢગલો બતાવી  ચબરાક ટોળકી રૂપિયા ૩.પ૭ લાખની મત્તા સાથે પલાયન થઈ ગઈ હતી. પોતે ૧૦ ગણા કરવા જતાં ઠગોના હાથે છેતરાયા છે તેવું જણાતાં માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવ્યા પછી જિલ્લા એલ.સી.બી. પી.આઈ., સી.પી.વાઘેલા તેમજ ટીમ દ્વારા બાતમીદારો, સર્વેલન્સ ટીમને કામે લગાડવામાં આવી છે.

પોલીસને તપાસ દરમિયાન મેઘરજના મદારી બંધુઓ આ છેતરપિંડીમાં સંડોવાયા હોવાની જાણકારી મળી હતી. જેમાં સાગરનાથ સમજુનાથ મદારી, કાળુભાઈ ઉર્ફે આકાશ બાબુનાથ મદારી અને લાડકનાથ ઉર્ફે માંઘીલાલ સમજુનાથ મદારી(ત્રણેય રહે.દામાનગર, તા.મેઘરજ)ની સંડોવણી જણાતાં તપાસ તેજ કરવામાં આવી હતી. જેમાં બે આરોપીઓને મેઘરજથી દબોચી લેવામાં આવ્યા અને લાડકનાથ મદારીને રાજસ્થાનના બિયાવડ ખાતે આવેલ મંદિર પાસેથી પકડી પૂછપરછ કરતાં છેતરપિંડીનો ગુનો   અને મેઘરજના અન્ય ર મદારીબંધુઓ સાથે આચર્યો હોવાની કબુલાત કરી લીધી હતી.  પોલીસે આરોપીઓ પાસેથી રૂ. પપ હજાર રોકડ, રૂ ૧પ,પ૦૦ની કિંમતના મોબાઈલ ફોન તેમજ રૂ ૧,૬૭,૩૮૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ ર,૩૭,૮૮૦નો મુદ્દામાલ જપ્ત લેવામાં આવ્યો છે.