સાબરકાંઠાના ત્રણ તાલુકાના 159 ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે
- ગાડુ ગામે ફિલ્ટર પ્લાન્ટ પૂર્ણતાના આરે
- પીવાના પાણી માટે 109 કરોડ રૂપિયાના ખર્ચે સંપ અને ટાંકી તૈયાર કરાઈ
ખેડબ્રહ્મા, તા. 4 જુલાઈ, 2020, શનિવાર
ખેડબ્રહ્મા ભાગ ૨ જુથ
પાણી પુરવઠા યોજના દ્વારા ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગરના તાલુકાના ૧૫૯ ગામોમાં
પીવાના પાણીની યોજના ૧૦૯ કરોડ રૂપીયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. આ યોજના
દ્વારા ગામડાઓના લોકોને પીવાના પાણી સમસ્યા હલ થશે.
ખેડબ્રહ્મા પોશીના
વિજયનગર તાલુકામાં આવેલા ગામડાઓ ડુંગર વિસ્તારોમાં છે. આ ગામડાઓમાં સિંચાઈ તેમજ
પીવાના પાણીની ભારે સમસ્યા વર્ષોથી રહી છે. સરકાર દ્વારા આ ત્રણેય તાલુકાના
ગામડાઓમાં પીવાનું પાણી મળી રહે તે માટે મોટી યોજના બનાવી છે. ખેડબ્રહ્મા ભાગ ૨, જુથ પાણી યોજનાના ડેપ્યુટી ઇજનેર
જે.સી.ભોઈએ જણાવ્યું હતું કે આ યોજના દ્વારા ધરોઈ ડેમમાંથી પાણી લાવી ગાડુ ગામે
મોટો ફિલ્ટર પ્લાન્ટ ૨૩ એમએલડીનો બનાવવામાં આવ્યો છે. અને ખેડબ્રહ્મા સુરતીકંપા
રોડ ઉપર ડુંગર ઉપર મોટી ટાંકી બનાવી ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ, આગીયા, મટોડા, લક્ષીપુરા,
દેરોલ સહિત પોશીના તાલુકાના દંત્રાલ, લાખીયા,
પળાપાટ, આંબોમહુડા સહિત ૧૨ ગામો વિજયનગર
તાલુકાના અંદ્ધોખા, આંતરસુબા, કાલવણ,
રાજપુર, કેલાવા સહિત ૪૪ ગામો તેમજ ૪૦ પેટાપરા
ગામો મળી કુલ ૧૫૯ ગામોમાં પીવાના પાણી પૂરૂ પાડવા માટેની યોજના પુર્ણતાના આરે છે.
આ યોજનાથી ત્રણેય તાલુકાના ગામડાઓમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. તે હલ થશે.