સાબરડેરી નજીક ગોરખધંધાને મુદ્દે ગેસ્ટ હાઉસ ફરી સીલ કરી દેવાયું
- છ માસ અગાઉ સ્થાનિકોએ રજૂઆત કરતા બંધ કરી દેવાયું હતું
- આસપાસના ગ્રામજનોએ તંત્રને ઉગ્ર રજૂઆત કરતા ગેસ્ટ હાઉસ બંધ કરીને અહેવાલ કલેકટરને સોંપાયો
અમદાવાદ,તા.23 જૂન, 2020,
મંગળવાર
હિંમતનગર-અમદાવાદ રોડ પર
સાબરડેરી નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાં
દિવસ અને રાત્રે ગોરખધંધા થતા હતા જેને લઈને છ એક માસ અગાઉ ગ્રામજનોની ફરીયાદને
આધારે આ ગેસ્ટ હાઉસને દેખાવ ખાતર બંધ કરાવવામાં આવ્યુ હતું. પરંતુ કેટલાક અધિકારીઓના
આશીર્વાદને કારણે આ ગેસ્ટ હાઉસ ફરીથી ધમધમતુ બની ગયુ હતું જે અંગે જિલ્લા
કલેક્ટરને માહિતી મળતા મંગળવારે પ્રાંત અધિકારીને આદેશ કરી આ ગેસ્ટ હાઉસને ફરીથી
સીલ કરી દેવામાં આવ્યુ છે.
આ અંગે કલેક્ટર કચેરીના
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરડેરી નજીક આવેલા તૃષ્ણા ગેસ્ટ હાઉસના સંચાલકો
અધિકારીઓની મિલીભગતને લઈને પોતાની મનમાની ચલાવી રહ્યા છે જેને લઈને આસપાસના ગામમાં રહેતા લોકોએ પોલીસ
તંત્ર સમક્ષ કરેલી રજુઆત બાદ છ માસ અગાઉ આ ગેસ્ટ હાઉસને સીલ કરીને તેના સંચાલકો વિરૂધ્ધ
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ સંચાલકોની પહોચને કારણે
અધિકારીઓએ ગેસ્ટ હાઉસ ચાલુ કરવાની પરવાનગી આપી હોય તેવી શક્યતા છે અથવા તો
સંચાલકોએ ખાનગીમાં ગોરખધંધા શરૂ કરી દીધા હતા.
દરમિયાન આ અંગે જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ સમક્ષ સાબરડેરી નજીકના ગામડાઓમાં
રહેતા ગ્રામજનોએ કરેલી જોરદાર રજુઆત બાદ ખુદ જિલ્લા કલેક્ટર પણ ચોકી ઉઠયા હતા અને
મંગળવારે હિંમતનગરના પ્રાંતઅધિકારીને સાબરડેરી પાસેના ગેસ્ટ હાઉસને સીલ કરવાના
આદેશ કર્યા હતા. ત્યારબાદ પ્રાંત અધિકારીએ સંલગ્ન વિભાગના અધિકારીઓને સાથે રાખી
તૃષ્ણા ગેસ્ટ હાઉસની તપાસ કરીને તેને સીલ મારી દીધુ હતું અને તે અંગેનો અહેવાલ
જિલ્લા કલેક્ટરને આપી દેવામાં આવ્યો છે. અહી પ્રશ્ન એ થાય છે કે અગાઉ જ્યારે આ
ગેસ્ટ હાઉસ સીલ કરાયા બાદ તેને શરૂ કરવાની પરવાનગી કોણે આપી તે તપાસનો વિષય છે.