mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં રવી વાવેતરના સમયે જ વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતાતૂર

- અરબી સમુદ્રમાં લો પ્રેશરથી સરકયુલેશનને પગલે માવઠાની આગાહી

- આકાશમાં એકાએક વાદળો ગોરંભાતા ઠંડીની તિવ્રતામાં વધારો માર્કટયાર્ડોમાં ખુલ્લામાં પડેલા પાકને બચાવવા તાકીદ કરાઇ

Updated: Nov 18th, 2021

સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં રવી વાવેતરના સમયે જ વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતાતૂર 1 - image

મોડાસા,હિંમતનગર, તા.17

ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તાપમાનનો પારો ગગડયો છે, ત્યારે એકાએક બદલાયેલા વાતાવરણ વચ્ચે વાદળો છવાતાં અને હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે જિલ્લા ડીઝાસ્ટર વિભાગ દ્વારા તંત્રને એલર્ટ કરાતાં ખેડૂતો,વેપારીઓમાં દોડધામ મચી છે. રાજયના દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને દાહોદ,પંચમહાલ અને અરવલ્લી સહિતના પંથકમાં આગામી ત્રણ દિવસમાં માવઠાની સંભાવનાઓને પગલે ખેતરમાં પડેલા ખેત પેદાશોને તેમજ રવિ વાવેતરને નુકશાનની ભીતી સેવાઈ રહી છે.

દિવાળી પર્વ બાદ જિલ્લામાં બેવડી ઋતુ જેવી મોસમજામી છે.એક તરફ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને પગલે જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો છે. પવનો ફૂંકાઈ રહયા છે, ત્યારે વધતી ઠંડી વચ્ચે એકાએક બદલાવયેલા વાતાવરણ વચ્ચે જ જિલ્લાના નભમંડળમાં વાદળો છવાતાં જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર અને ખાડીમાં સક્રિય બનેલા સાયકોલોનીક સિસ્ટમને લઈ રાજયના દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો સહિત દાહોદ,પંચમહાલ અને અરવલ્લી -સાબરકાંઠામાં આગામી ત્રણ દિવસમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.સંભવીત આ માવઠાને લઈ જિલ્લા તંત્ર દ્વારા સંલગ્ન વિભાગોને જરૂરી તકેદારીને લઈ ખેડૂતો,વેપારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા તાકીદ કરાઈ છે.  એક તરફ વધતી ઠંડીને લઈ કોલ્ડવેવ તો બીજી તરફ લો પ્રેશરને લઈ માવઠાની સંભાવનાને પગલે જિલ્લાના ખેડૂતો,વેપારીઓ અને પ્રજાજનોમાં ચિંતા પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ દરમ્યાન જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે. રાજય ડીઝાસ્ટર વિભાગ દ્વારા જરૂરી સુચના જિલ્લા ડિઝાસ્ટરને અપાઈ છે. અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ આ માવઠાની સંભાવનાને પગલે જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટાની શકયતાઓ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતોને ખાસ તાકીદ કરાઈ છે. જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી જે.આર.પટેલ દ્વારા કપાસ વીણી લઈ સલામત જગાએ રાખવા,ઉત્પાદિત પાકો અડદ,મગ,બાજરી અને મગફળીને ખેતરના ખડામાંથી લઈ સલામત જગાએ ગોડાઉનમાં રાખવા કે તાડપત્રી ઢાંકી સુરક્ષિત કરવા,પશુઓના ઢાળીયા, કાચા  શેડ વ્યસ્થિત કરવા,પવનમાં કોઈ ચીજ વસ્તુ ન ઉડે તેની કાળજી રાખવા,બાગાયત પાકો,શાકભાજી ઉતારી લેવા તેમજ રવિ વાવેતર શકય હોય તો બે દિવસ મુલત્વી રાખવા ભાર પૂર્વક જણાવાયું છે. જયારે વેપારીઓએ ખરીદેલી ખેત પેદાશો સુરક્ષિત રીતે ગોડાઉનમાં મૂકવા અને હાલ એપીએમસી કે અન્ય સ્થળે વેચાણ શકય હોય તો ટાળવા જણાવાયું છે.

Gujarat