હિંમતનગર, ગાંભોઇ અને રૂપાલ પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ
- ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહીમામ
- ઈડર સિવાયના અન્ય તાલુકાઓ વરસાદમાં છાંટા પડયા : જિલ્લામાં વરસાદી માહોલ યથાવત
અમદાવાદ, તા.25 જૂન, 2020,
ગુરૂવાર
ગુજરાતમાં અન્ય સ્થળે
ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રહેતી પ્રજા
વરસાદની કાગડોળે રાહ જોઈ રહી છે ત્યારે ગુરૂવારે બપોરે દોઢ વાગ્યાના સુમારે
હિંમતનગર તથા ગાંભોઈ અને રૂપાલ પંથકમાં એકઈંચથી વધુ વરસાદ થયાના અહેવાલ સાંપડયા
છે.
ગુરૂવારે બપોરે દોઢ
વાગ્યાના સુમારે પચ્છીમ દિશામાં ચઢી આવેલા વાદળો હિંમતનગર અને ગાંભોઈ તથા રૂપાલ
પંથકમાંથી પસાર થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે આ વાદળોએ બાયપાસ
રોડ, ટાવર રોડ, ન્યાયમંદિર,
મહેતાપુરા સહિતના ગાંભોઈ તથા રૂપાલ પંથકમાં કૃપા વરસાવીને રસ્તાઓ
તથા સીમાડાઓને પાણીથી ભીંજવી દીધા હતા.
બીજી તરફ મહાવીરનગરના અનેક વિસ્તારો વરસાદથી
વંચિત રહેવા પામ્યા હતા. ડીઝાસ્ટર વિભાગના જણાવાયા મુજબ ગુરૂવારે હિંમતનગરમાં ૯
જ્યારે ઈડર પંથકમાં ૩ મી.મી. વરસાદ પડયો હતો તે સિવાય વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર,
પોશીના, તલોદ અને પ્રાંતિજ પંથક વરસાદથી વંચિત
રહ્યા હતાં. તેમ છતા ગુરૂવારે સાંજે વાતાવરણમાં બાફ અને ઉકળાટનું પ્રમાણ વધુ
હોવાને લઈને રાત્રે અથવા તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ
થવાની શક્યતા ખેડૂત આલમ જોઈ રહ્યો છે.