Get The App

શહેર અને જિલ્લામાં વાસી ઉતરાયણે પણ રસિયાઓએ પતંગ ચગાવી મજા માણી

- કાપ્યો છે.. લપેટ...ની બૂમો વચ્ચે ઉત્તરાયણ ઉજવાઇ

- સાબરકાંઠા જિલ્લામાં સાનુકુલ પવન રહેતા પતંગ રસીયાઓને મજા પડી ગઇ

Updated: Jan 16th, 2020

GS TEAM

Google News
Google News
શહેર અને જિલ્લામાં વાસી ઉતરાયણે પણ રસિયાઓએ પતંગ ચગાવી મજા માણી 1 - image

હિંમતનગર, તા.15 જાન્યુઆરી, 2020, બુધવાર

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે મકરસંક્રાતિ (ઉત્તરાયણ) ની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. જોકે હવામાન વિભાગની માવઠાની આગાહી હોવા છતાં મંગળવારે સવારથી જ આકાશ સ્વચ્છ બની જતા ધીમો પવન શરૂ થઈ ગયો હતો. જેના લીધે પંતગ રસીયાઓને મજા પડી ગઈ હતી.

આખો દિવસ પતંગ ઉડાવવા માટે સાનૂકુળ પવનને લઈને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પતંગ રસીયાઓ તથા નાના ભુલકાઓ અને મહીલાઓ પણ આખો દિવસ અગાસી પર રહ્યા હતા. જોકે અગાઉના વર્ષો કરતા ઉત્તરાયણની ઉજવણી આ વર્ષે જાણે કે ફિક્કી રહી હોય તેવુ દેખાતુ હતુ. બીજા દિવસે બુધવારે વાસી ઉત્તરાયણ હોવા છતાં આકાશમાં જોઈએ તેટલા પતંગ જોવા મળ્યા ન હતા. 

ઉત્તરાયણ પર્વ નિમીત્તે હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં લોકો સવારથી જ મકાનના ધાબા કેે અગાસી પર ચઢી ગયા હતા. શરૂઆતમાં પૂર્વથી દક્ષિણ તરફનો પવન હોવાને કારણે પતંગ રસીયાઓને પતંગ ચગાવવા માટે સૂર્યના કિરણો આડખીલીરૂપ બન્યા ન હતા. જોેકે બપોરે અપેક્ષા મુજબ ઉત્તરથી પૂર્વ તરફનો પવન ચાલુ થઈ ગયો હતો. જેને લીધે અનેક પતંગ રસીયાઓ એ.... કાપ્યો, એ.... ગયો, એ.... પક્ડયો ની ચીચીયારીઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતુ.  બીજી તરફ  સાબરકાંઠાની પ્રજાએ ઉધીયું, જલેબી અને ફાફડા સહીત ચોળાફળી મનભરીને ઝાપટી હતી. પરંતુ મોંઘવારીને લીધે આ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમીત્તે બજારમાં વેચાતી આ તમામ ખાદ્ય ચીજોના ભાવોમાં સરેરાશ દસ ટકાનો વધારો થયો હતો.

મંગળવારે હિંમતનગર સહિત જિલ્લામાં વિવિધ સ્થળે ઉધીંયું પ્રતિ કિલોના રૂ.220થી 250, જલેબી અને ફાફડા પ્રતિ કિલોના 120, 150 ના ભાવે પ્રતિ કિલોના 120 થી 150 હતા આ ઉપરાંત તલપાપડી, સીંગપાપડી તથા મમરાના લાડુની પણ માંગ રહેવા પામી હતી. સાથોસાથ એપ્પલ બોર પણ લોકોએ ઝાપટવામાં બાકી રાખ્યું ન હતુ. દરમ્યાન મકરસંક્રાતિને દાનના પર્વ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અનેક લોકોએ મુંગા પશુઓને લીલો અને સુકો ઘાસચારો ખવડાવીને પૂણ્યના ભાગીદાર બનવાનું ચુક્યા ન હતા.ઉત્તરાયણના પર્વ નિમીત્તે હિંમતનગરમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રફુલ પટેલે મિત્રવર્તુળ અને પરીવાર સાથે પતંગ ચગાવ્યા હતા.

જિલ્લાના અન્ય સ્થળોની વાત કરીએ તો પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકદંરે પતંગ રસીયાઓએ પર્વની સંતોષ જનક રીતે ઉજવણી કરી હતી. મળતી માહિતી મુજબ ઉત્તરાયણના દિવસે જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હોવાને કારણે પોલીસતંત્રને નિરાંત હતી. જેમ જેમ વર્ષો પસાર થાય છે તેમ તેમ લોકોને વિવિધ તહેવારોની ઉજવણીમાંથી રસ ઓછો થઈ રહ્યો છે. જે મંગળવારે ઉત્તરાયણના પર્વ પરથી જણાઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં ઉત્તરાયણ અગાઉ અને પાછળના ત્રણ દિવસ સુધી લોકો કામધંધા છોડીને પતંગ ઉડાવવામાં મશગુલ રહેતા હતા તેવા દ્રશ્યો આજે જોવા મળતા નથી. તે પાછળનું કારણ એવુ મનાઈ રહ્યું છે કે 21 મી સદીમાં ઈન્ટરનેટ અને ફેસબુક, ટ્વીટર તથા મોબાઈલમાં સોશ્યલ મીડીયાના અતિક્રમણને લીધે તહેવારોની ઉજવણી રસકસ વગરની અને ફિક્કી બની ગઈ છે.  

Tags :