અમદાવાદ, તા.31 જુલાઈ, 2020,
શુક્રવાર
સાબરકાંઠા જિલ્લામાં આજથી
૧૨૫ દિવસ અગાઉ કોરોના પોઝેટીવનો પ્રથમ કેસ નોધાયા બાદ વહિવટી તંત્રમાં દોડધામ મચી ગઈ
હતી જોકે આમપ્રજા આ ગંભીર બિમારીને સહજતાથી લેતી થઈ ગઈ હોવાથી આજે અરવલ્લી કરતા સાબરકાંઠા
જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યા વધુ છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ કરોનાનો
કેસ નોધાયા બાદ તેના ૨૫ દિવસ પછી કોરોના સામે હારી ગયેલા પ્રાંતિજ તાલુકાના એક ગામની
મહિલાનું મોત નિપજ્યુ હતું. આજની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસની
સંખ્યા ૪૦૦ ને આંબી ગઈ છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
(ડબલ્યુએચઓ) એ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ સમગ્ર દેશમાં લોકડાઉનનો કાયદો
અમલી બન્યો હતો જેના લીધે સાબરકાંઠા જિલ્લાની આમ પ્રજામાં પ્રથમ વખત સાંભળેલા વિચિત્ર
રોગને લીધે સોપો પડી ગયો હતો. દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવનો પ્રથમ
કેસ ગત તા.૭ એપ્રિલ ૨૦૨૦ ના રોજ નોધાયા બાદ તંત્રએ કાયદાની કડક અમલવારી કરીને લોકોને
જાગૃત કરવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા જોકે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ સંક્રમણને
લીધે સાબરકાંઠા જિલ્લામાં તા.૩૧ જુલાઈ સુધીમાં કોરોના પોઝેટીવનો આંકડો ૪૧૨ પર પહોચી
ગયો છે.
જિલ્લામાં હજુ તો આગામી
તા.૩૧ ઓગસ્ટ સુધીનો સમય કપરો હોવાનું
આરોગ્યના નિષ્ણાતો માની રહ્યા છે ત્યારે જિલ્લાની પ્રજાએ ખુબજ સાવચેતી રાખવી પડશે.
અરવલ્લી જિલ્લામાં પ્રથમ
કોરોનાનો કેસ ગત તા.૧૬ એપ્રિલના રોજ નોધાયો હતો અને લગભગ તેના આસપાસના દિવસોમાં
કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યુ હતું. પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી અરવલ્લી
કરતા સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે તે
ચિંતાનો વિષય છે. હવે તો પોતાની તથા પોતાના પરીવારની સલામતી માટે સૌ કોઈએ જાગૃત
બનીને સંભાળવુ પડશે.


