ઈડરઃ મહિલાઓને તંત્ર મંત્રના નામે ડરાવી ધમકાવી દુષ્કૃત્ય આચરનાર લંપટ જૈન સાધુઓની ધરપકડ
ઈડર, તા. 27 જૂન 2020, શનિવાર
ઇડરમાં જૈનમુની દુષ્કર્મ મામલે પોલીસે ચાર દિવસ બાદ બંને જૈનમુનીની ધરપકડ કરી છે. પોલીસે કલ્યાણ સાગર તથા રાજતિલક સાગર (રાજા મહારાજ)ની ધરપકડ કર્યા બાદ બન્ને મુનીની તબીયત સારી ન હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
પાપલીલાનો ભાંડો ફૂટતાં બંને સાધુ નજરકેદ
ઈડરના પાવાપુરી જલ મંદિરના બે જૈન સાધુ સામે દુષ્કૃત્યો આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બંને જૈન સાધુ સામે અનુયાયી મહિલાઓને તંત્ર મંત્રના નામે ડરાવી ધમકાવી દુષ્કૃત્ય આચર્યા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ફરિયાદ બાદ પોલીસે બંને સાધુઓને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી વિવિધ આક્ષેપો અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પરિસરના મુખ્ય દરવાજાને તાળા મારી સાધુઓને કોઇને મળવા પર પણ પાબંધિ લગાવી દેવાઇ હતી.
એકાદ વર્ષથી વ્યભિચાર આચરતા હોવાની ફરિયાદો મળી હતી
મળતી માહિતી પ્રમાણે બંને સાધુઓ છેલ્લા એકાદ વર્ષથી વ્યભિચાર આચરતા હોવાની તેમજ મહિલા અનુયાયીને ખરાબ નજરે જોઈ તેમનું શારીરિક તથા માનસિક શોષણ કરતા હોવાની મૌખિક ફરિયાદો મળી હતી. તેમજ આ બન્ને સાધુ જૈન ધર્મના ઓથા તળે આનુયાયી મહિલાઓને ધમકાવી દુષ્કૃત્યો આચરતા હતા. જેને પગલે ટ્રસ્ટી મંડળે બન્ને સાધુ સામે ફરિયાદ નોધાવી હતી. આ સાથે પીડિત મહિલાનું નિવેદન નોધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ચાર દિવસ બાદ પણ પોલીસે લંપટ જૈન સાધુઓની ધરપકડ ન કરતાં જૈન સમાજની મહિલાઓમાં રોષ ભભૂક્યો
ઇડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુઓએ અનુયાયી મહિલા સાથે મંદિર પરિસરમાં જ કામલીલા આચરી હોવાનું ફરિયાદ નોંધાયાના ચાર દિવસ વિત્યા છતાં ધરપકડ ન થતાં જૈન સમાજની 100થી વધુ મહિલાઓ પ્રતિનિધિ મંડળ સાથે આજે બન્ને લંપટ સાધુઓને સાંસારિક કપડાં પહેરાવીને જેલમાં નાખી દો તેવી માંગ સાથે નાયબ કલેક્ટર અને પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું.
પોલીસ ધરપકડ ટાળવા સમય પસાર કરી રહી હોવાનો જૈન અગ્રણીઓનો કર્યો હતો આક્ષેપ
જૈન અગ્રણીનો આરોપ હતો કે વાઇરલ થયેલો વિડિયો મોટો પુરાવો હોવા છતાં પણ ચાર દિવસથી પોલીસતંત્ર યેનકેન પ્રકારે બન્ને સાધુઓને પરિસરમાં નજરકેદ રાખી ધરપકડ ટાળવામાં આવી રહી છે. પોલીસની નીતિ-રીતિથી અકળાયેલા સ્થાનિક જૈન સમાજની મહિલાઓના એક પ્રતિનિધિ મંડળ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને તેઓએ નાયબ કલેકટર અને પીઆઈને રજૂઆત કરી બંને લંપટ સાધુઓને કડકમાં કડક સજા કરવાની વાત મૂકી હતી. વધુમાં જણાવ્યું હતું કે, બંને લંપટ સાધુઓને બચાવવા માટે સમગ્ર પ્રકરણ બહાર લાવનાર અને ફરિયાદ નોંધાવનાર ડૉ. આશિત દોશીને ફસાવવાનો કારસો રચાઈ હોવાનો જૈન સમાજે આક્ષેપ કર્યો છે. અને સમાજ આશિત દોશીની લડાઈમાં પડખે હોવાનું પણ જણાવ્યુ હતું.
પોલીસ સાધુઓના વકીલની જેમ વર્તી રહી છે : જૈન સમાજ
ફરિયાદના ચાર-ચાર દિવસ પછી પણ સાધુઓની ધરપકડને મામલે પોલીસે પીછેહઠ કરતાં જૈન સમાજ રોષે ભરાયો છે. જૈન અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સાધુના વકીલની જેમ વર્તી, પુરાવો નજર સામે હોવા છતાં પુરાવાને નામે સમય પસાર કરી રહી છે. સામાન્ય માણસ સામે ડંડા પછાડતી પોલીસ આ અતિગંભીર બાબત છતાં કેમ ઘુંટણીયે પડી ગઈ છે તે સમજવું મુશ્કેલ છે. જેથી આ ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારી કે કોઈ અન્ય એજન્સી મારફતે થાય તેવી પણ જૈન સમાજે માંગ કરી છે.
સુરતની અનુયાયી મહિલા સામે કાર્યવાહી કરવા માંગ
જૈન સમાજે પવિત્ર જગ્યામાં અપવિત્ર હરકત કરતા બંને સાધુ સહિત મહિલા સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. સમાજના મતે આ સાધુ જૈન ધર્મમાં આસ્થા રાખતા નાગરિકો સહિત મંદિરમાં જતી મહિલાઓ માટે જોખમી છે. જૈન ધર્મની આસ્થાને ચોટ પહોંચાડનાર આ તમામ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી.
મિલ્કત વિવાદની પણ ચર્ચાઓ
પાવાપુરી જલમંદીરની કરોડોની સંપત્તિ માટે વિવાદ ઊભો થતાં આ સમગ્ર પ્રકરણ ઊભું કરાયાની પણ ચર્ચાઓ થઇ રહી છે. જોકે જૈન સમાજ તથા ફરિયાદ ડો. આશિત દોશીએ આ સમગ્ર બાબત નકારી દીધી હતી. તેઓએ સાધુઓને વારંવાર સમજાવવા છતાં વર્તન ન બદલાતાં આખરે ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું.
સંસારમાં જતું રહેવું જોઇએ: જૈન અગ્રણી
જૈન સાધુની લંપટલીલા સામે આવ્યા બાદ જૈન અગ્રણી પ્રદિપભાઇ શાહે જણાવ્યું હતું કે, સાધુનું આ કૃત્ય ખૂબ જ નિંદનીય છે. જો તેઓએ આવી પ્રવૃત્તિ કરવી હોય તો સંસારમાં પરત જતું રહેવું જોઇએ. આ બંને સાધુ સાંસારિક કપડા પહેરી લઇ પરત સંસારમાં જતા રહે તો આ સમગ્ર પ્રકરણનો અંત આવી જાય તેમ છે.