સાદોલીયામાં સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યા
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના લોકો વિસર્જન કરવા માટે ગયા હતા ઃ ચાર યુવકો નદીમાં ન્હાવા ગયા હતા
- નદીમાં ડૂબેલા યુવકોની પ્રાંતિજ ફાયર ફાઈટર અને સ્થાનિકો દ્વારા શોઘખોળ છતાં મોડી રાત્રિ સુધી કોઇ પત્તો ન લાગ્યો, પરિવારમાં આક્રંદ

પ્રાંતિજ,તા.8, સપ્ટેમ્બર, 2019,
રવિવાર
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના યુવકો ગણપતિના વિસર્જન માટે ગઢોડા ગામમાંથી અનેક લોકો
પ્રાંતિજના સાદોલીયા ગામ પાસેની સાબરમતી નદીમાં
આવ્યા હતા.ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ કેટલાક યુવકો સાબરમતી
નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા જયાં ચાર યુવાનો નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ
ગયા હતા.જેને શોધવા માટે પ્રાંતિજ ફાયર ફાઈટરના યુવાનો તેમજ સ્થાનિક તરવૈયાઓએ મોડી
સાંજ સુધી યુવાનોને શોધવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા છતાં તેમાંથી એક પણ યુવાનનો
પત્તો લાગ્યો ન હતો.
ગણેશ ચતુર્થીના દિવસથી જિલ્લાભરમાં દુંદાળા દેવ ગજાનની વિધિવત સ્થાપના કરવામાં આવી
હતી.અને લોકોએ પોતાની મનોકામના માટે પ્રાર્થનાઓ કરી હતી.રવિવારના રોજ હિંમતનગર
તાલુકાના ગઢોળા ગામના યુવકો આ ગજાનન ગણપતિના વિસર્જન માટે ગામમાંથી કેટલાક લોકો
વાજતે ગાજતે વિસર્જન કરવા માટે સાંજે ચાર
વાગ્યાના સમયે સાબરમતી નદીમાં વિસર્જન કર્યા બાદ તેમાંના કેટલાક યુવાનો સાબરમતીમાં
સ્નાન કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. પરંતુ પાણીમાં ન્હાતાં સાબરમદી નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. બહાર
ઉભેલા કેટલાક યુવાનોએ આ ચાર યુવાનો પાણીમાંથી બહાર ન આવતા બૂમાબૂમ કરી મૂકી હતી
જેને કારણે આસપાસના ગામના સ્થાનિક તરવૈયા તેમજ પ્રાંતિજ ફાયર ફાઈટરની ટીમના યુવનો
ડૂબેલા ચાર યુવાનોને શોધવા લાગ્યા હતા પરંતુ મોડી સાંજ સુધી એક પણ યુવાનનો મૃતદેહ
મળી આવ્યો ન હતો. જે કુંટુંબના યુવાનો
ડૂબ્યા હતા તેમના પરીવારજનો ભારે આક્રંદ કરતા જોવા મળ્યા હતા.ચાર યુવાનો ડૂબ્યાની
વાત વાયુ વેગે આસપાસના ગામડામાં ફેલાતા લોકોનાં ટોળાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા જે
દૂર કરવા માટે પ્રાંતિજ પોલીસને ભારે જહેમત કરવી પડી હતી.

