Get The App

પોળો ફોરેસ્ટના ધોળીવાવ પાસે રિવરફ્રન્ટ બનાવવા સામે ખેડૂતોનો વિરોધ

- રિવરફ્રન્ટ માટે સ્થળ બદલવવાની ખેડૂતોની માંગણી

- બે હોટેલોને ફાયદો કરાવાતો હોવાનો આક્ષેપ : ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિકોનું કલેક્ટરને આવેદન

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
પોળો ફોરેસ્ટના ધોળીવાવ પાસે રિવરફ્રન્ટ બનાવવા સામે ખેડૂતોનો વિરોધ 1 - image

અમદાવાદ, તા.30 જુલાઈ, 2020, ગુરૂવાર

રાજ્ય સરકાર ધ્વારા પ્રવાસન ધામમાં  સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટનો સમાવેશ કરીને તેનો વિકાસ કરવાની યોજના બનાવાઈ છે. પરંતુ અહી આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે રૂ.૭ કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરાયુ છે પરંતુ તેના માટે જે સ્થળની પસંદગી કરવામાં આવી છે તે સ્થળથી અંદાજે પાંચ કિલોમીટર દુર છે. અને રીવરફ્રન્ટમાં જનારી ખેતીલાયક જમીન જતી રહે તો ૫૦ થી વધુ પરીવારો ખેડૂત મટી જાય તેમ છે તેથી સ્થળ બદલવા માટે ગુરૂવારે ખેડબ્રહ્મા-વિજયનગરના ધારાસભ્યની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

ધોળીવાવ ગામના ચીમનભાઈ પટેલ, દલસુખભાઈ પટેલ, મગનભાઈ બરંડા તથા અભાપુરના ગ્રામજનો અને ધારાસભ્ય અશ્વિન કોટવાલના જણાવાયા મુજબ પોળો ફોરેસ્ટની અંદર પ્રવાસનધામના વિકાસ અર્થે હરણાવ નદી પર રીવરફ્રન્ટ બનાવવા માટે અંદાજે રૂ.૭ કરોડથી વધુનો ખર્ચ થવાનો છે પરંતુ તેના માટે સરકારે જે સ્થળની પસંદગી કરી છે તે યોગ્ય નથી કારણ કે અભાપુર અને ધોળીવાવની સીમમાંથી પસાર થતી હરણાવ નદીમાં અગાઉ જ્યારે પુર આવ્યુ હતુ ત્યારે ૫૦ થી વધુ ખેડૂતોની ખેતીલાયક જમીન ધોવાઈ ગઈ છે.

 નદીની બંને બાજુ અંદાજે એક કિલોમીટર લાંબો રીવરફ્રન્ટ બનાવવાનું સરકારે નક્કી કર્યુ છે પરંતુ હકિકતમાં પોળો ફોરેસ્ટથી અને ખાસ કરીને જોવા લાયક સ્થળ તરીકે ઓળખાતા અવષેશો તથા જૈન મંદિરો નિહાળવા માટે પર્યટકોને પાંચ કિલોમીટર દુર જવુ પડે તેવી સ્થિતી છે. દરમિયાન ખેડૂતો તથા ધારાસભ્યએ કરેલા આક્ષેપ મુજબ જે સ્થળની પસંદગી તંત્ર ધ્વારા કરવામાં આવી છે તે પાછળ અહી આવેલી બે હોટલોને ફાયદો કરાવવાની વાત છે. પરંતુ આ વિસ્તારના ખેડુતો તેના માટે વિરોધ કરે છે તેમ છતા જો સ્થળની ફેરબદલ અંગે હકારાત્મક કાર્યવાહી નહી કરવામાં આવે તો ધારાસભ્ય તથા બંને ગામના ખેડૂતોએ જરૂર પડે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુરૃવારે કલેક્ટર કચેરીમાં આવેલા ખેડૂતો તથા ધારાસભ્યએ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સોશ્યલ ડીસ્ટન્સીંગ મુજબ આવેદનપત્ર આપવા માટે ધારાસભ્ય અને ખેડૂતોના પ્રતિનિધિ તરીકે પાંચ જણા ગયા હતા.

Tags :